fbpx
Tuesday, May 30, 2023

‘વાતચીત નહીં થાય જ્યા સુધી…’ પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફના ‘શાંતિ’ વાળા નિવેદન પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે. પાકિસ્તાનના આ નિવેદન પર હવે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે પણ પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ આતંકવાદ ન હોવો જોઈએ, ભારત હંમેશા આ ઈચ્છે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ પાક પીએમએ કહ્યું હતું કે, તેમણે ‘સબક’ શીખ્યો છે. હવે તે ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે. એટલું જ નહીં, પીએમ શરીફે એમ પણ કહ્યું હતું કે બંને પાડોશી દેશોએ બોમ્બ અને દારૂગોળામાં તેમના સંસાધનો વેડફવા જોઈએ નહીં.

દુબઈમાં આપ્યું મોટું નિવેદન

જણાવી દઈએ કે, સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે દુબઈમાં એક સ્થાનિક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દા અને સરહદ પારથી આવતા આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ભારત સાથે અમારા ત્રણ યુદ્ધ થયા છે. આમાં આપણા લોકોએ દુઃખ, ગરીબી અને બેરોજગારીનો સામનો કર્યો છે.

તેમણે કહ્યું કે, મારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ છે કે કાશ્મીર જેવા ગંભીર મુદ્દાને ઉકેલવા માટે આપણે સાથે બેસીને ઈમાનદારીથી ચર્ચા કરવી જોઈએ. શાહબાઝ શરીફે કહ્યું કે, અમે અમારો પાઠ શીખી લીધો છે. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમે ગરીબી ઘટાડવા અને અમારા લોકોને શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. બોમ્બ અને દારૂગોળામાં આપણા સંસાધનોને વેડફવા માંગતા નથી. જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ દ્વારા એક ઈન્ટરવ્યુમાં આપેલું નિવેદન જોયું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના નિવેદનો અગાઉ પણ આવી ચૂક્યા છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ