અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર સતત મહિલાઓના અધિકારઓનું હનન કરી રહી છે. હવે તાલિબાની સરકારે વધુ એક ફતવો જારી કર્યો છે. મળતી વિગતો અનુસાર, તાલિબાની સરકારે એક આદેશ જારી કરી તમામ એનજીઓને જણાવ્યુ છે કે મહિલાઓને કામ પર ન રાખે. અફઘાનિસ્તાનના ઈકોનોમી મિનિસ્ટરે આ આદેશ જારી કર્યો છે અને આગળના આદેશ સુધી કોઈપણ મહિલાઓને કામ પર ન રાખવા જણાવ્યુ છે.
આ મુદ્દે કારણ આપતા તાલિબાને જણાવ્યુ કે, મહિલાઓ માટે ઇસ્લામ અનુસાર સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રેસ કોડનું કેટલીક મહિલાઓ યોગ્ય રીતે પાલન નથી કરતી. જેના કારણે આ પગલું ભરાયુ છે. આ પહેલા તાલિબાન સરકારે એક આદેશ જારી કરીને યુનિવર્સિટીઓમાં મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાની વિશ્વમાં ખુબ જ ટીકા થઈ હતી. આ આદેશ બાદ ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા. અફઘાનિસ્તાનમાં પણ આ નિર્ણયનો વિરોધ જોવા મળ્યો હતો. આ પહેલા એસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ અનુસાર તાલિબાન સુરક્ષા દળોએ યુનિવર્સિટી શિક્ષણ પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલી મહિલાઓને વિખેરવા માટે પાણીનો મારો કર્યો હતો. તાલિબાનના નિર્ણય બાદ દેશભરમાં ઘણી જગ્યાએ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલીક જગ્યાએ મહિલાઓએ યુનિવર્સિટી સુધી રેલીઓ યોજી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે તાલિબાને તમામ વિરોધને દબાવી દીધો હતો.
અહીં તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં સતત તાલિબાન દ્વારા મહિલાઓના અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. મહિલાઓના અધિકારો માટે અવાજ પણ ઉઠી રહ્યો છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.