Peshawar Bomb Blast: પાકિસ્તાનમાં મોટા બોમ્બ હુમલાના સમાચાર સામે આવ્યા છે. પેશાવરની એક મસ્જિદમાં નમાઝ અદા કરતી વખતે આત્મઘાતી હુમલા (Pakistan Bomb Blast)માં અનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિયો ન્યૂઝ અનુસાર, ઘટના પોલીસ લાઇન મસ્જિદની છે, વિસ્ફોટમાં ઘણા લોકોના જાનહાનિની પ્રાથમિક માહિતી સામે આવી છે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત 60 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 145થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ડઝનેકની હાલત નાજુક છે. બ્લાસ્ટ પોલીસ લાઇન મસ્જિદની અંદર થયો હતો અને તે સમયે એક વિશાળ જનમેદની ઉભી હતી. પોલીસ લાઈન મસ્જિદમાં એક શક્તિશાળી આત્મઘાતી વિસ્ફોટમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હોવાના અહેવાલ છે.
હુમલાખોરે મસ્જિદની અંદર પોતાની જાતને ઉડાવી દીધી
આ ઘટના આજે એટલે કે, સોમવારે એક મસ્જિદની અંદર બની હતી. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાખોર નમાજ દરમિયાન આગળની હરોળમાં હતો. આ દરમિયાન, તેણે પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી, જેમાં નમાજ અદા કરતા ડઝનબંધ લોકો પણ ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા અને 145 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું કે, અનેક ઘાયલોની હાલત ગંભીર છે. હોસ્પિટલે નાગરિકોને પીડિત લોકો માટે રક્તદાન કરવાની અપીલ કરી છે. વિસ્ફોટ બાદ ભારે સુરક્ષા દળ સ્થળ પર હાજર છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.