મનની કોઈ અધૂરી ઈચ્છા પૂરી થાય તે માટે લોકો પોતાના આસ્થાના કેન્દ્ર ખાતે અનેક પ્રકારની માનતાઓ માનતા હોય છે. તેવું જ એક આસ્થાનું કેન્દ્ર છે કચ્છનું મોગલધામ. માત્ર કચ્છ અથવા ગુજરાત નહીં પરંતુ દેશ પરદેશથી લોકો ખાસ અહીં બાળક માટે માનતા માનવા આવે છે. તો માનતા પૂરી થયા બાદ પૈસા ચડાવવા આવતા લોકો પાસેથી એક પણ રૂપિયો અહીં સ્વીકારવામાં આવતો નથી. રસપ્રદ વાત તો એ છે કે આ મંદિરે માત્ર હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ દંપતી પણ બાળકની માનતા માને છે અને અહીં માનતા માન્યા બાદ મુસ્લિમ દંપતીઓના ઘરે પણ બાળકો જનમ્યા છે.
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉ ગામે આવેલો મા મોગલનું મંદિર લાખો લોકોના આસ્થાનું પ્રતીક છે. વડવાળા મોગલ તરીકે ઓળખાતા આ મોગલધામ ખાતે દરરોજ હજારો લોકો શીશ નમાવે છે તો રવિવારે મંદિર બહારનો વિશાળ મેદાન વિવિધ જિલ્લાઓથી આવેલી ગાડીઓથી ભરાઈ જાય છે.
વિવિધ જિલ્લાઓ અને રાજ્યોથી આવતા ભાવિકો માટે અહીં દિવસમાં બે વખત જમવાનું તેમજ પૂરો દિવસ ચાની પણ નિશુલ્ક વ્યવસ્થા હોય છે અને માતાજીનો આશીર્વાદ માની લોકો અહીં શ્રદ્ધાપૂર્વક પ્રસાદ લેતા હોય છે. લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોવા છતાંય મંદિરમાં કોઈ દાનપેટી રાખવામાં આવી નથી અને સાથે જ બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે કે મંદિરમાં પૈસા મુકનારને મહાપાપ લાગે છે.

મા મોગલના આ ધામ ખાતે રોજ અનેક દંપતીઓ એક બાળકની ઈચ્છા સાથે માનતા માનવા આવે છે. તો સાથે જ રોજ એવા પણ અનેક દંપતી આવે છે જેમની માનતા મુજબ તેમના ઘરે બાળકનું જન્મ થયું હોય. લગ્નના 18 અને 20 વર્ષ સુધી નિસંતાન રહેલા દંપતીને પણ અહીં માનતા માન્યા બાદ ઘરે બાળકનું જન્મ થયું હોવાના દાખલા પણ અહીં નોંધાયા છે. આ વિશે જાણી લંડન, આફ્રિકા સહિત અનેક દેશોથી પણ લોકો અહીં બાળકની માનતા માણવા આવે છે. તો મુસ્લિમ દંપતીને પણ અહીં માનતા માન્યા બાદ ઘરે બાળકનું જન્મ થયું હોવાનો દાખલો નોંધાયો છે.

બાળક માટેની માનતા પૂરી થયા બાદ જ્યારે દંપતી પોતાના નવજાત બાળકને લઈ મંદિરે દર્શન કરાવી માનતા પૂરી કરાવવા લઈ આવે છે ત્યારે પોતપોતાની માનતા મુજબ હજારો અને લાખો રૂપિયા મંદિરમાં ધરાવે છે. પરંતુ મંદિરના મહંત મોગલકુળ બાપુ દ્વારા તેમના દાનમાં ઉપર એક રૂપિયો ઉમેરી પૂરી રકમ પરત દંપતીને આપી તેમના ઘરની દીકરીઓ અથવા બહેનોને આપવાનો આદેશ આપવામાં આવે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)