ઢોસા માત્ર સાઉથ ઈન્ડિયામાં જ ફેમસ નથી,પરંતુ નોર્થ ઈન્ડિયામાં પણ હવે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. જોકે, આમાં વધારે તેલ અથવા મસાલો નાખવામાં નથી આવતો તેથી તેને હેલ્ધી ફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. ઢોસા બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. ઢોસાની સાથે તમે ઘણા એક્સપેરિમેન્ટ કરી શકો છો. તમે એક જ પ્રકારના ઢોસા ખાઈને કંટાળી ગયા હોવ તો તમે ચીઝ ઢોસા ટ્રાઈ કરો, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
તેને તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ ચીઝ ઢોસા બનાવવાની સરળ રેસીપી.
ચીઝ ઢોસા બનાવવા માટે સામગ્રી
જો તમે 2-3 લોકો માટે ચીઝ ઢોસા બનાવવા માંગો છો, તો તેના માટે તમારે નીચે મુજબ વસ્તુઓની જરૂર પડશે.
- 200 ગ્રામ ચીઝ,
- 4 કપ ચોખા
- 2 કપ અડદની દાળ
- 2 બારીક સમારેલી ડુંગળી
- 2 ચમચી મેથીના દાણા
- 6 સમારેલા લીલા મરચા
- 1 કપ શુદ્ધ તેલ,
- 1 મુઠ્ઠી લીલા ધાણા
- 1 ચમચી મીઠું (સ્વાદ મુજબ)
ચીઝ ઢોસા બનાવવાની રીત
ચીઝ ઢોસા બનાવવા માટે ચોખા અને અડદની દાળ લો. તેને એક દિવસ પહેલા પાણીમાં પલાળીને થોડા કલાકો સુધી રાખો. દાળ અને ચોખાને અલગ-અલગ વાસણમાં પલાળો. ત્યારબાદ 2 ચમચી મેથીને એક કપ પાણીમાં પલાળવા માટે રાખી દો. જ્યારે બધી સામગ્રી બરાબર પલળી જાય, ત્યારે મિક્સરમાં મેથીના દાણા, ચોખા અને દાળ નાખો. ત્યારબાદ ત્રણેય વસ્તુઓને સારી રીતે પીસીને પેસ્ટ જેવી બનાવી લો. હવે આ મિશ્રણમાં મીઠું ઉમેરો. આ પેસ્ટને લગભગ આખી રાત ઢાંકીને રાખી દો. સવારે તમે જોશો તો તમારો ઢોસાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું હશે.
સવારે ઉઠ્યા પછી ચીઝ ઢોસા બનાવવા માટે એક તવો લો અને તેને મધ્યમ તાપ પર રાખો. તેમાં થોડું તેલ નાખી અને ગરમ કરો. જ્યારે તવો ગરમ થઈ જાય ત્યારે તેના પર ઢોસા માટે તૈયાર કરેલું ખીરું નાખો. પછી તેને ગોળાકાર આકારમાં ફેલાવો. ખીરાને ગોળ કરવા માટે ચમચી અથવા અન્ય કોઈપણ વાસણ લઈ શકો છો. હવે તેની કિનારીઓ પર થોડું તેલ છાંટીને થોડી વાર શેકાવા દો.
હવે તેમાં છીણેલું ચીઝ, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરો. તેને વધુ મસાલેદાર બનાવવા માટે તમે લીલા મરચા પણ ઉમેરી શકો છો. જ્યારે તે સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેને રોલ કરો અને તવા પરથી લઈને પ્લેટમાં રાખી લો. આ રીતે તમારા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોસા બનીને તૈયાર થઈ જશે. તમે ઢોસા ખાવા માટે નારિયેળની ચટણી, ટામેટાની ચટણી અને સાંભાર તૈયાર કરી શકો છો. જો સાંભાર નથી બનાવી શકતા તો બંને ચટણીની સાથે ઢોસાનો આનંદ લઈ શકો છો.