fbpx
Tuesday, May 30, 2023

આ રેસીપીની મદદથી ઘરે જ બનાવો હોટલ જેવા છોલે કુલચા, દાઢે વળગી જશે સ્વાદ.

જો તમે પણ છોલે કુલચા ખાવાના શોખીન છો તો તમે ઘરે પણ મસાલેદાર છોલે કુલચા બનાવી શકો છો. એક વખત તમે આ રેસીપીથી બનાવેલા છોલે કુલચા ખાશો તો બજારમાં મળતા છોલે કુલચાનો સ્વાદ પણ ભૂલી જશો. આમ તો રસ્તા પર લારીમાં મળતા છોલે કુલચાનો સ્વાદ ખૂબ જ અદ્ભુત હોય છે. દિલ્હી અને પંજાબમાં તો હોટેલો અને સ્ટોલ પર છોલે કુલચા વેચનારાઓની લાઈનો લાગેલી હોય છે.

જો તમે પણ હોટલ જેવા ઘરે છોલે કુલચા બનાવવા માંગતા હોવ તો સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપીને ફોલો કરો અને ઘરે જ છોલે કુલચા બનાવો અને બધાને ખવડાવો. તો ચાલો જાણીએ મસાલેદાર છોલે કુલચા બનાવવાની રીત.

છોલે બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી પલાળેલા છોલે ચણા, 3 ડુંગળીની પેસ્ટ, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું, સંચળ સ્વાદ અનુસાર અને 1 સમારેલ લીંબુ.

કુલચા બનાવવા માટેની સામગ્રી:
મેંદો 400 ગ્રામ, 1/3 ચમચી ખાવાનો સોડા, 1/2 ચમચી બેકિંગ પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી તેલ, 2 ચમચી દહીં અને સ્વાદ મુજબ મીઠું

છોલે બનાવવાની રીત

  • છોલે ચણાને રાત્રે 8-10 કલાક માટે પલાળીને રાખી દો. સવારે કુકરમાં છોલે ચણા, પાણી અને મીઠું નાખી ઉકાળી લો.
  • બાફેલા છોલે ચણાને એક કડાઈમાં નાંખી તેમાં ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર, કાળું મીઠું, સફેદ મીઠું, લીંબુ ઉમેરીને મિક્સ કરો. ઉપર ડુંગળી મૂકી તેને હળવા હાથે તળો. તમારા ચણા તૈયાર છે.

-ધ્યાન રાખો કે જ્યાં સુધી છોલે ચણા બફાય ત્યાં સુધીમાં કુલચા તૈયાર કરી લો જેથી બંને સાથેમાં ગરમાગરમ સર્વ કરી શકાય.

કુલચા બનાવવાની રીતઃ

  • કુલચા બનાવવા માટે સૌપ્રથમ ચાળણીથી મેંદાને સારી રીતે ચાળી લો. હવે મેંદામાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બરાબર મિક્સ કરી લો.
  • મેંદોમાં દહીં, મીઠું, ખાંડ અને તેલ ઉમેરીને હુંફાળા પાણીથી નરમ લોટ બાંધી લો. લોટને સારી રીતે 5 મિનિટ સુધી મસળો જેથી લોટ એકદમ સ્મૂધ બની જાય.
  • ગૂંથેલા લોટની ચારે બાજુ તેલ લગાવી એક મોટા વાસણમાં કોઈ જાડા અને નરમ કપડાથી ઢાંકીને 2 થી 3 કલાક માટે રાખી દો. હવે લોટનો બોલ બનાવી તેને વળી લો. તેના પર થોડું જીરું અને અજમો નાખીને દબાવો.
  • ગેસ પર તવો મૂકીને તેલ લગાવો. કુલચાને તવા પર મૂકો અને બંને બાજુ શેકી લો. જ્યારે કુલચાની બંને બાજુ બ્રાઉન ફોલ્લીઓ આવી જાય તો સમજી લો કે કુલચા પાકી ગયા છે. હવે કુલચા પર બટર અથવા ઘી લગાવી છોલેની સાથે સર્વ કરો.

Related Articles

નવીનતમ