માન્યતા અનુસાર વિકટ સંકષ્ટી ચતુર્થીનું (sankashti chaturthi) ખાસ પૂજન અત્યંત ફળદાયી બની રહે છે. તે સંતાનોના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે. આ વ્રતનો પ્રતાપ એવો છે કે તે લગ્ન જીવનમાં વધી રહેલા તણાવને પણ ખત્મ કરી દે છે.
ગજાનન શ્રીગણેશનું એક નામ છે વિકટમેવ, અર્થાત્ વિકટને હરનારા દેવતા. વિકટમેવ શ્રીગણેશ પાસેથી વિકટમુક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે જ વિકટ સંકષ્ટી ચતુર્થી. ગુજરાતી પંચાંગ અનુસાર આજે ચૈત્ર વદ ચોથનો દિવસ છે. એટલે કે, સંકષ્ટી તિથિનો અવસર. વર્ષમાં આમ તો સંકષ્ટી 12 આવે છે, પણ, ચૈત્ર માસની આ સંકષ્ટી વિકટ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. અને તેના નામની જેમ જ તે વ્યક્તિના તમામ પ્રકારના વિકટને, વિઘ્નોને હરી લે છે. ત્યારે આવો જાણીએ કે કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવનારી છે આ સંકષ્ટી ચતુર્થી ? અને કઈ વિધિથી આ સંકષ્ટી કરાવશે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ ?
સંકષ્ટી તિથિ
19 એપ્રિલ, સવારે 09:35 કલાકે ચતુર્થી તિથિનો પ્રારંભ થશે. અને 20 એપ્રિલ, સવારે 08:37 કલાકે ચતુર્થી તિથિ પૂર્ણ થશે. ચોથની સૂર્યોદય તિથિ 19 એપ્રિલે મળી રહી છે. પરંતુ, સંકષ્ટી વ્રતમાં ચંદ્રપૂજાનો મહિમા છે. અને ચોથનો ચંદ્રમાં આજે પ્રગટ થતો હોઈ આજે વ્રત રાખવું ફળદાયી બનશે.
શુભ મુહૂર્ત
19 એપ્રિલ,
સવારનું શુભ મુહૂર્તઃ સવારે 09:13 થી 10:48
સાંજનું શુભ મુહૂર્તઃ સાંજે 06:43 થી 09:33
ચંદ્રોદયઃ 10:09 કલાકે
વિકટ હરશે વિકટ સંકષ્ટી ચતુર્થી !
⦁ વિકટ સંકષ્ટી ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની સાથે માતા ચૌથની પણ પૂજા કરવામાં આવે છે.
⦁ માન્યતા અનુસાર વિકટ સંકષ્ટીનું ખાસ પૂજન અત્યંત ફળદાયી બની રહે છે. તે સંતાનોના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે.
⦁ આ વ્રતનો પ્રતાપ એવો છે કે તે લગ્ન જીવનમાં વધી રહેલા તણાવને પણ ખત્મ કરી દે છે.
⦁ જો તમે વિકટ સંકષ્ટીનું વ્રત કરો છો, એટલે કે વિધિસર ઉપવાસ રાખો છો, તો તમારા ઘરની તેમજ વ્યવસાય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
⦁ વિકટ સંકષ્ટીએ ચંદ્રદેવતાને અર્ઘ્ય અર્પણ કરવાથી માનસિક અને આત્મિક તણાવથી સાધકને મુક્તિ મળી જાય છે.
⦁ વિકટ સંકષ્ટીના અવસરે ઉપવાસ રાખવાથી સાધકને બળ, બુદ્ધિ, આરોગ્ય તેમજ સૌભાગ્યમાં વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ફળદાયી પૂજનવિધિ
⦁ આજે સવારે સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
⦁ પૂજા માટે ઘરના ઈશાન ખૂણામાં એક બાજોઠ મૂકો. તેના પર પીળા અથવા તો લાલ રંગનું વસ્ત્ર પાથરો.
⦁ તે બાજોઠ પર ભગવાન ગણેશની પ્રતિમા કે છબીની સ્થાપના કરો અને ત્યારબાદ બે હાથ જોડી પૂજા અને વ્રતનો સંકલ્પ લો.
⦁ આજે પૂજામાં ગણેશજીને જળ, ચોખા, દૂર્વા, લાડુ, ધૂપ જરૂરથી અર્પણ કરવા.
⦁ પૂજા સમયે “ૐ ગં ગણપતયે નમઃ” મંત્રનો જાપ સતત ચાલુ રાખો.
⦁ કેળનું એક પાન લો. તે પાન ઉપર કંકુથી સાથિયો બનાવો. સાથિયાના આગળના ભાગ પર ઘીનો દીપક પ્રજ્વલિત કરો.
⦁ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાત્રે ચંદ્ર દર્શન બાદ જ ખોલવામાં આવે છે. એટલે ચંદ્રોદય પૂર્વે સાંજના સમયે પણ ગણેશજીની પૂજા કરો.
⦁ પૂજા પૂર્ણ થાય એટલે ચંદ્ર દેવતાને મધ, ચંદન અને કંકુ મિશ્રિત દૂધથી અર્ઘ્ય અર્પણ કરો.
⦁ ગણેશજીની પૂજા અને ચંદ્ર દેવતાને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ જ અન્નનું દાન કરવું જોઈએ. તેમજ શુભાશિષની કામના સાથે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.