- ચૈત્ર સુદ પૂનમ એટલે મહાવીર સંકટમોચક હનુમાન દાદાનો જન્મોત્સવ
- ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલ મંદિરનો છે રોચક ઇતિહાસ
- આણંદમાં બિરાજમાન રોકડીયા હનુમાનજીનું રહેલું છે વિશેષ મહત્વ
ત્યારે હાલ ગુજરાતમાં હનુમાનજીનું જગ વિખ્યાત જો કોઇ મંદિર હોય તો તે છે સાળંગપુર ધામનું કષ્ટભંજન દેવ મંદિર. ત્યારે આજના હનુમાન જયંતિના આ પાવન દિવસે આવા જ એક પ્રાચીન તથા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ તેમજ ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલ અને જેઓએ સ્વયં કષ્ટભંજન દેવની મૂર્તિની સ્થાપના કરી છે એવાં સદગુરૂ ગોપાળાનંદ સ્વામિના હસ્તે આરતી ઉતારાયેલ છે. એવાં આણંદના ‘રોકડીયા હનુમાનજી’ના ઇતિહાસ વિશેની અહીં વિગતે વાત કરીશું.
ગુજરાતના ચરોતર પ્રાંતમાં આવેલ આણંદ કે જ્યાં ગોસાઇવાળું ફળિયું આજે પણ હયાત છે. આ વિસ્તારમાં નારાયણ મહાદેવનો ટેકરો ચડતા ગોસાઇ બાવાનો મઠ આવે છે. આ બાવાના મઠમાં અનેક ગોસાઇઓ રહેતા.પરંતુ સમય જતા ત્યાં પાટીદારો રહેવા લાગ્યા. હાલમાં અહીં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તેની ઉત્તરે રોકડિયા હનુમાન ઉર્ફે હનુમાનજીની વાડી આવેલી છે.
આણંદમાં બિરાજમાન રોકડીયા હનુમાનજીનો છે રોચક ઇતિહાસ
કહેવાય છે કે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનવિચરણ સમાપ્ત કરીને જ્યારે ગાદીએ બેઠાં અને ગઢપુરમાં તેઓએ કાયમી વાસ કર્યો. ત્યાર બાદ તેઓએ સંતો સાથે રહીને ગુજરાતના ગામડે-ગામડે સત્સંગ શરૂ કરાવ્યો હતો. દરમ્યાન સંવત 1874ના જેઠ વદ છઠ્ઠના દિવસે ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે ઉમરેઠથી સામરખા ગામ થઇને આણંદ પધાર્યા હતા. એ સમયે આણંદમાં પ્રવેશતી વખતે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતોનું કેટલાંક કુસંગીઓ દ્વારા કીચડ ઉછાળીને અપમાન કરાયું હતું. એવું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે.
બાદમાં ભગવાન સ્વામિનારાયણ પરત વડતાલ જવા નીકળ્યા હતાં ત્યારે એવું કહેવાય છે કે, આણંદ ગીરી ગોસ્વામીના વંશજોએ ભગવાનને વિનંતી કરી હતી કે, ગોસાઈની વાળીએ પધારજો. એ સ્થળ એટલે આણંદનું હાલનું રોકડીયા હનુમાનજી મંદિર. બાદમાં ભગવાન સહિત હરિભક્તોએ અહીં આવેલા કુવાના ઠંડા જળથી સ્નાન કરી એક વિશાળ વટવૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૌ કોઇને ધર્મ ઉપદેશ આપ્યો હતો.
રોકડીયા હનુમાનજી એટલે સ્વયં ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલ મૂર્તિ
બાદમાં એવું કહેવાય છે કે, હાલમાં જે રોકડિયા હનુમાનજીની મૂર્તિ છે તે કાળ ભૈરવની મૂર્તિ હતી. ત્યાં એક બાવો રહેતો હતો. પરંતુ તે બાવો કાળ ભૈરવને માંસાહારી ભોગ ધરાવતો. આથી ભગવાન સ્વામિનારાયણે બાવાને કહ્યું કે, ‘તમે સારી રૂચિ ધરાવો છો તો પછી કેમ આવો ભોગ ધરાવો છો.’ આથી લોકોના મનોરથો જલ્દીમાં જલ્દી પૂરા થાય એ માટે ભગવાન સ્વામિનારાયણે કાળ ભૈરવની મૂર્તિને કપડું ઓઢાડી દીધું. બાદમાં જ્યારે કપડું ખોલ્યું તો તેમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી.

ભક્તોને રોકડું આપી દુ:ખ હરતા હોવાથી હનુમાનજી ઓળખાય છે ‘રોકડીયા દાદા’ના નામથી
બાદમાં ભગવાને ગોપાળાનંદ સ્વામિને હનુમાનજીની મૂર્તિની આરતી ઉતારવાનું કહ્યું. આથી જેઓએ સાળંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે એ જ ગોપાળાનંદ સ્વામિએ અહીં રોકડીયા હનુમાનજીની આરતી ઉતારેલી. સાથે જેવું કષ્ટભંજન દેવની મૂર્તિમાં દૈવત્ય રહેલું છે એવું જ દૈવત્ય આ મૂર્તિમાં પણ રહેલું છે. તેમજ ભગવાને દાદાને લોકોને રોકડું આપવાનું કહ્યું હતું. આથી ત્યારથી અહીં આ મૂર્તિને રોકડીયા દાદા તરીકે ઓળખવામાં આવે છે. જેઓ રોકડું આપી તમામ ભક્તોના મનોરથો પૂરા કરે છે.
હાલમાં આ મંદિર આવેલ છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ
હાલમાં આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ રહેલું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2013માં શરૂ થયું હતું અને વર્ષ 2020માં આ મંદિરના પુન:જીર્ણોદ્ધારનું કાર્ય હનુમાન જયંતિના દિવસે કણભા ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. જે દિવસે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.