ગણેશજીની ઉત્પત્તિ”
(૧) માતા પાર્વતીજી એક સમયે સ્નાન કરવા સ્નાનાગારમાં ગયાં, ત્યારે પુત્ર ગણેશજીને ઘર પર ચોકી કરવાનું કાર્ય સોપી ગયાં અને કહ્યું : ‘હું સ્નાન કરી બહાર ન આવે, ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેશો નહિ.’
થોડીવારમાં શિવજી ત્યાં પધાર્યા અને પાર્વતીજી વિશે પૂછયું. ગણપતિજીએ કહ્યું : તેઓ સ્નાન કરવા ગયાં છે. શિવજી સ્નાનાગાર તરફ જવા લાગ્યા એટલે ગણપતિજીએ તેમને રોકયા અને કહ્યું, ‘માતાજીની આજ્ઞા છે, કોઈને પણ અંદર આવવા દેશો નહિ. હું આપને અંદર નહિ જવા દઉ’.
આ સાંભળી શિવજીનાં નેત્ર લાલચોળ બની ગયાં. નાનકડો બાળક મને રોકી રહ્યો છે? એ વાતે તેઓ ગુસ્સે થઈ ગયા અને ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું. પાર્વતીજીને આ બનાવની ખબર થતાં બહુ જ દુઃખી થયાં. શિવજી પણ બની ગયેલા બનાવથી ઝંખવાણા પડી ગયા અને મ-રે-લા-પુત્રને તરત જ સજીવન કરવા એક હાથીનું મસ્તક પુત્રના ધડ પર મૂકી દીધું. પુત્ર સજીવન થયો પણ મસ્તક હાથીનું રહ્યું.

(૨) જેમ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી સંતાન ઉત્પન્ન થાય છે, તેમ શિવ તથા મહારાણી ઉમાથી શ્રી ગણપતિજીનો જન્મ થયો.
પાર્વતીજી એક સમયે સ્નાન કરવા જઈ રહ્યાં હતાં. એમણે પોતાના અંગ ઉપરના મેલનું એક પૂતળું બનાવ્યું અને દ્વારપાળ તરીકે તેને ઊભું કર્યું. મહાદેવજી અંદર દાખલ થવા ગયા ત્યારે એ દ્વારપાળ શ્રી ગણપતિએ તેમને રોકયા. ભગવાન શંકર કોપાયમાન થયા. બંને વચ્ચે યુદ્ધ થયું. છેવટ મહાદેવજીએ ગણેશજીનું મસ્તક ધડથી જુદું કરી દીધું. પાર્વતીજીના શોકને સમાવવા અને ગણપતિજીને સજીવન કરવા ઉતાવળે મહાદેવજીએ એક હાથીનું મસ્તક ગણપતિજીનાં ધડ પર મૂકી દીધું. ત્યારથી ગણપતિજી ગજાનન કહેવાયા.
(૩) એવી પણ આખ્યાયિકા છે, કે મહાદેવજી સાથે લગ્ન થયાને ઘણો લાંબો સમય વીતી ગયો છતાં કાંઈ સંતાન થયું નહિ, એટલે પાર્વતીજીએ શ્રીકૃષ્ણનું વ્રત આદર્યું. એ વ્રતના પ્રભાવે શ્રી ગણેશજીનો જન્મ થયો. શનિ મહારાજની ગણેશજી પર વક્રદ્રષ્ટિ થવાથી ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક જોડી દીધું.
(૪) એવી પણ માન્યતા છે, કે શિવજીનું વરદાન મેળવી અસુરો અજીત બની ગયા. આથી દેવો ખૂબ આપત્તિમાં આવી પડયા. એમણે મહાદેવજીને પ્રસન્ન કરવા ખૂબ પ્રયાસ કર્યા. ભોળા શંભુ દેવો પર પ્રસન્ન થયા અને પોતાનું તેજ પાર્વતીજીના ગર્ભાશયમાં સ્થાપિત કર્યું. સમય થતાં જે બાળકનો જન્મ થયો તે જ વિઘ્નેશ્વર ગણેશજી.
(૫) કહેવાય છે, કે શિવ અને પાર્વતી બંને ‘ૐ’ ઉપર પોતાની દ્રષ્ટિ ધ્યાનથી લગાડી રહ્યાં હતાં એવામાં અકસ્માત ‘ૐ’ માંથી સાક્ષાત્ ગજાનન પ્રકટ થયા.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.