પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ ખાસ વાતો.
હિંદુ ધર્મમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા માસના સુદ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા ઘરે ગણપતિની સ્થાપના કરવા માંગો છો, તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
હિંદુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી ભાદરવા એટલે કે ભાદો મહિનામાં આવે છે. તે દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથને દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર મંડપોમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક તેમની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઘણા લોકો પોતાના ઘરે પણ બાપ્પાની સુંદર મૂર્તિઓ લાવે છે અને તેમની નિયમિત પૂજા કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતી વખતે જો તમે આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો, તો જીવનમાં શુભફળ આવે છે.
ભગવાન ગણેશની સૂંઢ :
જ્યારે પણ તમે ભગવાન ગણેશની મૂર્તિ લેવા જાવ ત્યારે ધ્યાન રાખો કે ગણેશજીની સૂંઢ તમારા ડાબા હાથની તરફ હોવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણેશની આવી મૂર્તિને વક્રતુંડ કહેવામાં આવે છે. આવી મૂર્તિ ઘરે લાવવાથી તમારી દરેક મનોકામના ઝડપી પુરી થાય છે. બીજી તરફ, એવું માનવામાં આવે છે કે જમણી બાજુએ વળેલી સૂંઢવાળી મૂર્તિની પૂજા કરવાથી ઇચ્છાઓની પરિપૂર્ણતામાં થોડું મોડું થાય છે.
બેઠેલા ગણેશજીને જ લાવો :
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ ઘરમાં સ્થાપના માટે સૌથી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આવી મૂર્તિ ઘરમાં રાખવાથી આશીર્વાદ જળવાઈ રહે છે. તેમજ ઘરની સંપત્તિ પણ કાયમી રહે છે.

આવી મૂર્તિ ક્યારેય ન લાવો :
જો તમે ગણેશ ચતુર્થી પર તમારા ઘરમાં ગણેશજીની મૂર્તિ લાવવા માંગો છો, તો માટીના ગણપતિ ખૂબ જ શુભ છે, પરંતુ ધ્યાન રાખો કે ક્યારેય પણ કેમિકલવાળી મૂર્તિ ન લાવો. આ સિવાય તમે ઘરમાં ધાતુની બનેલી મૂર્તિ લાવી શકો છો.
મૂર્તિને આ દિશામાં રાખો :
જ્યારે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, તો તેની સ્થાપના બ્રહ્મ સ્થાન એટલે કે ઘરની મધ્યમાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ ધ્યાન રાખો કે ગણેશજીની સૂંઢ ઉત્તર દિશા તરફ હોવી જોઈએ.