“ચાર પિતૃભક્ત બાળકો”
દ્વારકાપુરીમાં શિવશર્મા નામના એક તપસ્વી, વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા. તેમના પાંચ પુત્રો હતા – યજ્ઞશર્મા, વેદશર્મા, ધર્મશર્મા, વિષ્ણુશર્મા અને સોમશર્મા. આ બધા જ પિતાના પરમ ભક્ત હતા. શિવશર્માએ એક વાર પોતાના પુત્રોની પિતૃભક્તિની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. તેઓ યોગસિદ્ધ હતા, તેથી તેમણે માયા વડે એક ઘટના સરજી બતાવી.
તેમના પુત્રોએ જોયું કે તેમની માતા તાવમાં પીડાઈને મ-રૂ-ત્યુપામી છે. આ જોઈને તે પુત્રો પોતાના પિતા પાસે ગયા અને પૂછવા લાગ્યા – “માતાજીનું મ-રૂ-ત્યુ-થ-યું છે, હવે અમારે શું કરવું જોઈએ?”
શિવશર્માએ પોતાના મોટા પુત્ર યજ્ઞશર્માને કહ્યું – “કોઈ તીક્ષ્ણ હ-થિ-યા-ર-થી પોતાની માતાના શ-રી-ર-ના ટુકડે-ટુકડા કરીને આમતેમ ફેંકી દે.” પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું.
શિવશર્માએ પોતાના બીજા પુત્ર વેદશર્માને કહ્યું – “બેટા! હું સ્ત્રી વિના રહી શકતો નથી. સૌભાગ્ય-સંપત્તિવાળી જે સ્ત્રીને મેં જોઈ છે તેને તું મારે માટે અહીં લઈ આવ.” પિતાની આજ્ઞા માની લઈને વેદશર્મા તે સ્ત્રી પાસે ગયા અને તેમણે તેને પોતાના પિતા પાસે ચાલી આવવાની વિનંતી કરી.
માયાથી પ્રગટ થયેલી તે સ્ત્રીએ કહ્યું – “તમારા પિતા વૃદ્ધ થઈ ગયા છે, તેમને ખાંસી આવે છે, તેમના મોઢામાંથી કફ નીકળે છે, બીજી પણ ઘણીબધી બીમારીઓ તેમને છે; હું તેમને પતિ બનાવવા ઇચ્છતી નથી. હું તમને ચાહું છું. તમે સુંદર છો, સુલક્ષણ છો, યુવાન છો. તમે તે ઘરડા માણસને અપનાવીને શું કરશો? તમે મને સ્વીકારી લો. જે કોઈ વસ્તુની તમને ઇચ્છા થશે તે લાવીને હું તમને આપતી રહીશ.”
વેદશર્મા બોલ્યા – “દેવી! તમે મારી માતા છો. આવાં પાપપૂર્ણ વચનો તમારે નહીં ઉચ્ચારવાં જોઈએ. હું નિર્દોષ છું અને પિતાનો ભક્ત છું. તમે જે કંઈ માગો તે હું તમને આપીશ. સ્વર્ગનું રાજ્ય પણ ઇચ્છતા હો તો તે પણ આપીશ; પણ તમે મારી પ્રાર્થનાથી મારા પિતા પાસે ચાલી આવો અને તેમને પ્રસન્ન કરો.”
તે સ્ત્રીએ દેવતાઓનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, તો વેદશર્માએ પોતાના તપોબળથી તેને દેવતાઓનાં દર્શન કરાવ્યાં. હવે તે સ્ત્રીએ ફરી કહ્યું – “દેવતાઓનું મારે કશું કામ નથી. જો તમે મને પોતાના પિતા માટે લઈ જવા ઇચ્છો છો તો પોતાનું માથું મને આપો.”

વેદશર્માએ પ્રસન્નતાપૂર્વક કહ્યું – “મારો જન્મ લેવો આજે સફળ થઈ ગયો. પિતા માટે પ્રાણત્યાગ કરનારો પુત્ર ધન્ય છે!” તેમણે તીક્ષ્ણ ત-લ-વા-ર-થી પોતાના હાથે પોતાનું મા-થું-કા-પી-ને તે સ્ત્રીની સામે ધરી દીધું. લો-હી-માં તરબોળ તે માથું લઈને તે સ્ત્રી શિવશર્મા પાસે આવી. પોતાના ભાઈના કપાયેલા માથાને જોઈને શિવશર્માના ચારે પુત્રો કહેવા લાગ્યા – “અમારા બધામાં વેદશર્મા જ ભાગ્યશાળી હતા. પિતા માટે તેમણે પોતાના પ્રાણ આપી દીધા.”
શિવશર્માએ પોતાના ત્રીજા પુત્ર ધર્મશર્માને કહ્યું – “બેટા! પોતાના ભાઈનું આ માથું લઈ જા અને એવો કોઈ ઉપાય કર કે જેથી એ જીવતો થાય.”
ધર્મશર્માએ ભાઈનું માથું સંભાળી લીધું અને તે લઈ જઈને તેમના ધડ ઉપર ગોઠવ્યું. તેમણે (પોતાની) પિતૃભક્તિ, તપસ્યા તથા સત્યના બળથી ધર્મરાજનું આવાહન કર્યું. તેમના આવાહન કરવાથી ધર્મરાજ ત્યાં પ્રગટ થયા અને તેમણે વેદશર્માને જીવતા કરી દીધા. ધર્મરાજે વરદાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ધર્મશર્માએ તેમની પાસેથી પિતાનાં ચરણોમાં અવિચળ ભક્તિ, ધર્મમાં પ્રેમ તથામ-ર્યા-પ-છી મોક્ષપ્રાપ્તિ એ વરદાન માગી લીધું. વરદાન આપીને ધર્મરાજ અદૃશ્ય થઈ ગયા. ભાઈને લઈને ધર્મશર્મા પિતાની પાસે ચાલી આવ્યા.
શિવશર્માએ પોતાના ચોથા પુત્ર વિષ્ણુશર્માને કહ્યું – “બેટા! હું પોતાની આ પ્રિયતમા સાથે, સમસ્ત રોગોને દૂર કરનારું અમૃત પીવા ઇચ્છું છું. તું સ્વર્ગમાં જઈને અમૃત લઈ આવ.”
પિતાની આજ્ઞા માની લઈને વિષ્ણુશર્મા પોતાના તપોબળથી આકાશમાં થઈને ઇન્દ્રલોક ભણી ચાલી નીકળ્યા. તેમને આવતા જોઈને દેવરાજ ઇન્દ્ર અપ્સરા મેનકાને તેમના કામમાં વિઘ્ન નાખવા માટે મોકલી. સ્વર્ગની પરમ સુંદરી તે અપ્સરા સાજશણગાર સજીને નંદનવનમાં રસ્તાની નજીકમાં હીંચકા પર બેસીને હીંચવા અને અત્યંત મધુર સ્વરે ગાવા લાગી.
વિષ્ણુશર્મા તેની પાસે થઈને નીકળ્યા, પરંતુ તેમણે તેની સામે જોયું પણ નહીં. તેમને આગળ જતા જોઈને તે અપ્સરાએ કહ્યું – “અરે મહાબુદ્ધિમાન બ્રાહ્મણકુમાર! આટલી ઉતાવળથી ક્યાં જઈ રહ્યા છો? હું તમારા શરણમાં આવી છું. મારું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે.”
વિષ્ણુશર્મા બોલ્યા – “સુંદરી! તમારા મનમાં શું છે એ હું જાણું છું. તમે મહર્ષિ વિશ્વામિત્રના તપનો નાશ કર્યો છે; પણ હું પોતાના પિતાનો ભક્ત છું, મારા પર તમારો જાદુ નહીં ચાલી શકે. મારે પિતાનું કામ પૂરું કરવાનું છે; તમે કોઈ બીજાને ખોળી લો.”
ઇન્દ્રલોકમાં જઈ પહોંચીને વિષ્ણુશર્માએ ઇન્દ્ર પાસેથી અમૃત માગ્યું. દેવરાજ અમૃત આપવાને બદલે અનેક પ્રકારનાં વિઘ્નો ઊભાં કરવા લાગ્યા. તે બધાં વિનોને પોતાના તપ અને તેજથી જ નષ્ટ કર્યા પછી વિષ્ણુશર્મા વિચારવા લાગ્યા – “આ ઇન્દ્ર મારી વાત માનતા નથી, તો હું એમને સ્વર્ગમાંથી નીચે નાખી દઉં અને કોઈ બીજાને અહીં ઇન્દ્ર બનાવી દઉં.”
એ જ સમયે ત્યાં અમૃતનો કુંભ લઈને ઇન્દ્ર આવ્યા અને તેમણે આ બ્રાહ્મણકુમારનાં ચરણોમાં પ્રણામ કરીને પોતાના અપરાધો બદલ માફી માગી. ત્યાંથી અમૃત લઈને વિષ્ણુશર્મા પોતાના પિતા પાસે આવી ગયા. શિવશર્માને તો અમૃતની કોઈ જરૂર હતી નહીં, તેઓ તો પોતાના પુત્રોની પરીક્ષા લઈ રહ્યા હતા. હવે તેમણે પોતાના પુત્રોને બોલાવીને તેમને કહ્યું – “હું તમારા બધાથી પ્રસન્ન છું. તમારા મનમાં જે આવે તે માગી લો.”
પિતાની વાત સાંભળીને તેમના પુત્રોએ કહ્યું – “તમારી કૃપાથી અમારી માતા જીવતી થઈ જાય.” શિવશર્માએ કહ્યું – “ભલે, એમ જ થાઓ.” એમના આ પ્રમાણે કહેતાં જ તેમના પુત્રોની માતા ત્યાં આવી પહોંચી અને બોલી – “પુણ્યાત્મા સ્ત્રી પુણ્યકર્મો કરનારા પુત્રની જ ઇચ્છા રાખે છે. પોતાના કુળ અનુસાર આચરણ કરનારો, પોતાના કુળને તથા માતાપિતાને તારનારો પુત્ર મહાન ભાગ્યથી જ મળે છે. મારા બધા જ પુત્રો ભક્ત, ધર્માત્મા, તપસ્વી, તેજસ્વી, યજ્ઞ કરનારા અને પરાક્રમી છે, આ મારું ઘણું મોટું સૌભાગ્ય છે.”
શિવશર્માએ ફરીથી પોતાના પુત્રોને કોઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તેમના ચારે પુત્રોએ કહ્યું – “પિતાજી! તમે જો અમારા પર પ્રસન્ન છો તો અમને ભગવાનના તે ગોલોકધામમાં મોકલી આપો, કે જ્યાં જઈને ફરી આ સંસારમાં પાછા આવવું પડતું નથી.”
શિવશર્મા બોલ્યા – “તમે બધા સર્વથા નિષ્પાપ અને મારા ભક્ત છો, તેથી આ પિતૃભક્તિના પ્રતાપે તમે વૈષ્ણવધામમાં જાઓ.”
શિવશર્માના આમ કહેતાં જ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ગરુડ પર બેઠેલા ત્યાં પ્રગટ થયા. ભગવાન તો શિવશર્માને તેમની પત્ની તથા બધા જ પુત્રો સાથે પોતાના લોકમાં લઈ જવા ઇચ્છતા હતા; પરંતુ શિવશર્માએ પોતાના ચાર પુત્રોને જ મોકલવાની ઇચ્છા વ્યક્ત કરી. પિતૃભક્તિના પ્રતાપે શિવશર્માના ચાર પુત્રો ભગવાનની સાથે ભગવાનના નિત્યધામમાં પધારી ગયા.