ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૬૨
શ્રીકૃષ્ણ કહે છે કે – મેં મનુષ્ય દેહ ધારણ કરેલો હોવાથી, મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે. કારણ કે “હું સર્વ જીવોનો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર, નિર્ગુણ, સત્ય) સ્વરૂપ છે તેનું જ્ઞાન તે (મૂર્ખ) લોકો ને જ હોતું નથી.”(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે અથવા જો મનુષ્યને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે, તેમ મૂર્ખ લોકોને પરમાત્માના નિર્મળ સ્વરૂપમાં દોષ જ દેખાય છે.
આવા મૂર્ખ લોકો પરમાત્મા (બ્રહ્મ) એ મનુષ્ય ના હોવા છતાં તેમને મનુષ્ય માને છે. જેઓ ભૌતિક આંખો વડે પરમાત્માને જોવા ઈચ્છે છે તે પરમાત્મા (બ્રહ્મ) ને જાણી શકતા નથી.
જો મૃગજળને ગંગાજળ સમજી તેની નજીક જવામાં આવે તો કાંઇ પણ પ્રાપ્ત થતું નથી. અજ્ઞાની મૂર્ખ લોકોમાં વિવેક અને સાચી સમજણ હોતી નથી, માયાથી મોહિત થઇ અને ભ્રમણાવાળી મનોવૃત્તિથી માનવરૂપમાં રહેલા પરમાત્મા (શ્રીકૃષ્ણ-આત્મા)ની ઉપેક્ષા – તિરસ્કાર કરે છે.
અજ્ઞાની મનુષ્ય “કલ્પનાઓ” કરે છે અને પરમાત્મા કે જે કોઈ પણ “નામ” વગરના છે તેને “નામ” આપે છે, કોઈ પણ “ક્રિયા” વગરના છે તેને “ક્રિયા કરતા” માને છે. કોઈ પણ “દેહ” વગરના (નિરાકાર) ને “દેહધારી” (આકારવાળા) માને છે.
આવા અજ્ઞાનીઓ જગતને બનાવનાર પરમાત્માનીની મૂર્તિઓ બનાવે છે. અને નિત્ય અને સર્વત્ર એવા પરમાત્માની એ મૂર્તિમાં “પ્રાણ-પ્રતિષ્ઠા“ પણ કરે છે! જગતનું પોષણ કરનારને તે કપડાં પહેરાવે છે, જમાડે છે, આવાહન, વિસર્જન કરે છે! મૂર્તિને “દેવ” માનીને ભજે છે અને મૂર્તિ ભાંગી જતાં તેનો ત્યાગ પણ કરે છે!

આવી રીતે એક (અદ્વૈત) પરમાત્માનું “મનુષ્ય” કે “દેવ” રૂપે “દ્વૈત” (બે) નું જે જ્ઞાન છે તે જ્ઞાન જ “સત્ય” જ્ઞાન (અદ્વૈત) ની આડે આવે છે. જો કે જ્યાં પરમાત્મા (બ્રહ્મ) નથી એવું એક પણ સ્થાન જગમાં નથી, તેમ છતાં તે પરમાત્મા (બ્રહ્મ) ને મનુષ્યો જોઈ શકતા નથી, એ એક મોટી કમનસીબી છે. એ દયાજનક સ્થિતિ છે.
ખોટેખોટા (વ્યર્થ) જ્ઞાનવાળા, ખોટેખોટા (વ્યર્થ) કર્મ કરનારા અને ખોટેખોટી (વ્યર્થ) આશા રાખનારા, મનુષ્યોની વિવેક-બુદ્ધિનો નાશ થયેલો હોય છે, સાચા વિચારોનો તેમના મનમાં ઉદ્ભવ થતો હોતો નથી, અને આમ તેઓ “મોહ” પમાડનારી આસુરી કે રાક્ષસી પ્રકૃતિ વાળા કહેવાય છે.(૧૨)
પણ જે મહાત્માઓ સર્વ જગતના ઉત્પત્તિ સ્થાન, આદિ, અવિનાશી એવા પરમાત્માના સત્ય સ્વરૂપને જાણે છે, અને માત્ર તે પરમાત્માને જ ભજે છે તે દૈવી પ્રકૃતિવાળા કહેવાય છે. આવા મહાત્માઓ સર્વદા ભક્તિયુક્ત થઇ અને કિર્તન કરનારા, દૃઢ વ્રતવાળા, પરમાત્માને નમસ્કાર કરનારા અને પરમાત્માની જ ઉપાસના કરનારા હોય છે.(૧૩-૧૪)
પછીના શ્લોક ૧૫ થી ૨૧ સુધીમાં જુદી જુદી જગ્યાઓમાં ઈશ્વરનાં સ્થાન, યજ્ઞો (કર્મો) અને તેનાથી થતી જુદી જુદી ગતિ-સ્થિતિઓ વિષે વર્ણન છે.