fbpx
Saturday, June 3, 2023

ગીતામાં જીવનની દરેક મુશ્કેલીનો ઉકેલ છે, તેમાં રહેલી આ 5 મેનેજમેન્ટ ટિપ્સ તમારું ટેંશન કરશે દૂર.

શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કેવી રીતે મનમાં શાંતિની ભાવના ઉત્પન્ન થશે અને કેવી રીતે સુખની પ્રાપ્તિ થશે, જાણો તેની રીત.

શ્રીમદ્ ભગવદ્ ગીતાને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, કારણ કે તે એકમાત્ર એવો ગ્રંથ છે જે ભગવાન કૃષ્ણએ પોતે બોલ્યો છે. એટલા માટે દર વર્ષે માગશર શુક્લ એકાદશીના રોજ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ગીતાને જીવન વ્યવસ્થાપનના રૂપમાં ભણાવવામાં આવે છે. આપણા જીવનની દરેક સમસ્યાનું સમાધાન ગીતામાં છુપાયેલું છે, બસ તેને સમજવાની જરૂર છે. હકીકતમાં આ ઉપદેશ ભગવાન કૃષ્ણે કલયુગના માપદંડને ધ્યાનમાં રાખીને આપ્યો હતો. આજે અમે તમને ગીતાના કેટલાક પસંદગીના શ્લોકો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં જીવન વ્યવસ્થાપનના ઘણા સૂત્રો છુપાયેલા છે.

શ્લોક 1 :

તાનિ સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ ।

વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠીતા ।।

અર્થ – મનુષ્યે પોતાની સંપૂર્ણ ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને મારામાં લીન થઈ જવું જોઈએ, કારણ કે જે મનુષ્યની ઈન્દ્રિયો નિયંત્રણમાં છે તેની જ બુદ્ધિ સ્થિર છે.

મેનેજમેન્ટ સૂત્ર : આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જે વ્યક્તિ પોતાના સાંસારિક સુખોને છોડીને મારામાં મન સ્થિર રાખે છે, તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે અને હંમેશા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, તે અંતમાં સફળ થશે.

શ્લોક 2 :

યોગસ્થઃ કુરુ કર્માણિ સંગ ત્યક્તવા ધનંજય ।

સિદ્ધય-સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ।।

અર્થ – હે ધનંજય (અર્જુન). કામ ન કરવાની ઈચ્છાનો ત્યાગ કરી, સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખીને, કર્મ કર, (કારણ કે) સમભાવને જ યોગ કહેવાય છે.

મેનેજમેન્ટ સૂત્ર : ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે – પોતાનું કાર્ય કરતી વખતે ક્યારેય પણ નફો-નુકશાન કે માન-અપમાનનો વિચાર ન કરવો જોઈએ. પ્રયત્ન માત્ર એટલો જ હોવો જોઈએ કે આપણે જે પણ કામ કરીએ તે પૂરી ઈમાનદારીથી કરીએ. પરિણામ ભલે ગમે તે આવે, પરંતુ આપણને સંતોષ મળશે. જો મનમાં સંતોષ હશે તો ભગવાન સાથે આપણો યોગ સરળતાથી થઈ જશે. હાલમાં, લોકો પહેલા નફા-નુકશાન વિશે વિચારે છે, તેથી જ તેમને સંતોષની ભાવના નથી મળતી.

શ્લોક 3 :

નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ।

ન ચાભાવયતઃ શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ।।

અર્થ – યોગ વિનાના માણસમાં નિર્ણય લેવાની બુદ્ધિ હોતી નથી અને તેના મનમાં લાગણીઓ પણ હોતી નથી. આવા લાગણીહીન માણસને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી તેને સુખ કેવી રીતે મળે.

મેનેજમેન્ટ સૂત્ર : દરેક વ્યક્તિ સુખની ઈચ્છા સાથે અહીં-તહીં ભટકે છે, પરંતુ તે જાણતો નથી કે જેમ કસ્તુરી હરણની નાભિમાં હોય છે તેમ સુખ તેના મનની અંદર છે. પરંતુ તે મેળવવા માટે, આપણે આપણી ખરાબ લાગણીઓને નિયંત્રિત કરવી પડશે. જેના કારણે મનમાં શાંતિની ભાવના ઉત્પન્ન થશે અને શાંતિથી જ સુખની પ્રાપ્તિ થશે.

શ્લોક 4 :

ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।

કાર્યતે હ્યશ: કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ ।।

અર્થ – કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તમામ જીવો પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ દરેક જીવ પાસે કર્મ કરાવે છે અને તેનું પરિણામ પણ આપે છે.

મેનેજમેન્ટ સૂત્ર : કર્મ એ જ જીવનનો સાર છે, જો કોઈ વ્યક્તિ કર્મ કરવાથી સારું કે ખરાબ પરિણામ મળશે એવું વિચારીને કર્મ કરવાનું જ બંધ કરે તો તે તેની મૂર્ખતા છે. આવા લોકો કંઈ ન કરતા પણ પોતાનું કર્મ કરે છે અને તેનું પરિણામ મેળવે છે. પ્રકૃતિ આપણી ઇચ્છા ન હોવા છતાં પણ આપણી પાસે તે કરાવી લે છે જે તે ઈચ્છે છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય કર્મનો સાથ ન છોડવો જોઈએ.

શ્લોક 5 :

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।

મા કર્મફલહેતુ ર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ ।।

અર્થ – ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે – હે અર્જુન. કર્મ કરવામાં તારો અધિકાર છે. તેના ફળ વિશે વિચારીશ નહીં. એટલા માટે તું કર્મોના ફળનો હેતુ ન બન અને કર્મ ન કરવાના વિષયમાં પણ તું આગ્રહ ન કર.

મેનેજમેન્ટ સૂત્ર : ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરતી વખતે મનમાં એનું ફળ મેળવવાની ઈચ્છા ન હોવી જોઈએ. કારણ કે આ ઈચ્છા તેની સફળતામાં અવરોધરૂપ બને છે. નિષ્કામ કર્મ એટલે કે ફળની ઈચ્છા વિના કરેલું કર્મ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. એ કર્મનું ફળ આપણને ક્યારે મળશે, કેટલું મળશે, આ બધી બાબતો ભગવાન પર જ છોડી દેવી જોઈએ.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Related Articles

નવીનતમ