fbpx
Tuesday, May 30, 2023

જ્ઞાનેશ્વરી સંવાદો 89: કેવો જીવાત્મા, મૃત્યુ, જરા, વ્યાધિના અધિકારોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે?

ગીતા રહસ્ય – જ્ઞાનેશ્વરી – ૮૯

“જ્ઞાન”ના યોગથી જે “ગુણાતીત” (ગુણોથી પર) બન્યો છે, તે “નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મને કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી વગર આસાનીથી જાણી શકે છે.

જે પ્રમાણે નદી, સમુદ્રમાં મળી ગયા પછી, સમુદ્રપણાને પ્રાપ્ત થાય છે (નદી સમુદ્ર બની જાય છે). તે પ્રમાણે જે ગુણાતીત થયેલો છે, તે ગુણોના (સત્વ, રજસ, તમસ) પાશમાં ના સપડાતાં “અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) એમ જાણે છે. (આત્મા અને પરમાત્માનું ઐક્ય થઇ જાય છે.)

આવો જીવાત્મા, શરીરમાંથી ઉત્પન્ન થયેલા ત્રણે ગુણો (સત્વ, રજસ, તમસ) ને ઓળંગીને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના દુઃખોથી મુક્ત થઇ અને મોક્ષને પ્રાપ્ત થાય છે. (૨૦)

અર્જુન હવે પ્રશ્ન પૂછે છે કે – હે કૃષ્ણ, આ ત્રણે ગુણોને ત્યાગીને આગળ વધેલા જીવને કેવી રીતે ઓળખવો? તેનો આચાર કેવો હોય છે? તે કેવી રીતે આ ત્રણ ગુણોને ઓળંગી જાય છે?

ગુણાતીત (ગુણોથી પર) શબ્દનો અર્થ સમજાવ્યા પછી, તેનાં આચરણ કયાં છે? એ પ્રશ્ન ખરેખર સંભવતો જ નથી. કારણકે જેને ગુણાતીત કહેવામાં આવે છે, તે કદી ગુણાધીન (ગુણોને આધીન) હોતો જ નથી. તે ગુણોમાં વ્યવહાર કરતો દેખાતો હોવા છતાં પણ તે ગુણોને વશ હોતો નથી.

તેમ છતાં ગુણોની સાથે તેનો વ્યવહાર દેખાય છે તો તે ગુણોને આધીન છે કે નહિ? તે કેવી રીતે જાણી શકાય?

તે જીવાત્મામાં રજોગુણની પ્રબળતા વધે અને કર્મો કરી પ્રવૃત્તિ માર્ગમાં લીન થાય, અને જો તે પ્રવૃત્તિમાં જો સફળતા મળે તો પણ “કર્મો કરનાર હું જ છું” એવું અભિમાન તેને ના થાય, અને જો કર્મોનો નાશ (પ્રવૃત્તિનો નાશ) થાય, તો પણ જો તેની બુદ્ધિને ખેદ (શોક) ના થાય અથવા તે જીવાત્મામાં સત્વગુણની પ્રબળતા વધે અને સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશિત થાય, ત્યારે જો તે “મારા જેવો કોઈ બીજો વિદ્વાન નથી” તેવો સંતોષ કે અભિમાન ના રાખે અથવા, તે જીવાત્મામાં તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે જો તે મોહ કે ભ્રમમાં ડૂબતો નથી અને અજ્ઞાનના સંસર્ગથી જે મનમાં ખેદ કરતો નથી.

આ રીતે આવો જ્ઞાની જીવાત્મા શરીરમાંથી ઉત્પન્ન થતા ગુણો (સત્વ, રજસ, તમસ) ના પ્રત્યે લક્ષ આપતો નથી. અને ઉદાસીનની જેમ રહી, ગુણોથી વિકાર પામતો નથી, અને “ગુણો જ કર્તા છે-કર્મ કરે છે” એમ માનીને પોતે સ્થિર રહે છે અને “પોતે કાંઇ જ કરતો નથી” એવું માને છે. (૨૨-૨૩)

આવાં ગુણાતીત મનુષ્યનાં લક્ષણો છે, હવે તેમનાં આચરણો કેવાં હોય છે તેનું વર્ણન છે.

આવો ગુણાતીત મનુષ્ય આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે. સુખ-દુઃખને સમાન માને છે. માટી,પથ્થર અને સોનાને સમાન માને છે. પ્રિય અને અપ્રિયને સમાન માને છે. ધૈર્યવાન છે અને નિંદા અને સ્તુતિને સમાન માને છે. માન અને અપમાનને સમાન માને છે. મિત્ર અને શત્રુને સમાન માને છે. સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે. એકનિષ્ઠ ભક્તિથી પરમાત્માની સેવા કરે છે. ત્રણે ગુણોને જીતીને બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય થાય છે.

કારણકે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ એ અખંડ સુખનું સ્થાન છે. (૨૪-૨૫-૨૬-૨૭)

Related Articles

નવીનતમ