fbpx
Saturday, June 3, 2023

ભાગવત 452-453: શ્રી કૃષ્ણની નગરીનું નામ શરત કેવી રીતે પડ્યું? જાણો অন্যান্য.

જરાસંઘના પ્રસંગ પરથી ડોંગરેજી મહારાજ વૃદ્ધાવસ્થા વિશે જે સમજાવે છે તે દરેકે સમજવાની જરૂર છે. જાણો શું કહ્યું છે.

ભાગવત રહસ્ય – ૪૫૨ – ૪૫૩ – સ્કંધ – ૧૦ – ઉત્તરાર્ધ

દશમ સ્કંધના પૂર્વાર્ધમાં ઉદ્ધવાગમનની કથા સાથે ગોપી પ્રેમની કથા પૂરી થઇ. ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે. ઘરમાં રહી ઘરકામ કરતાં કરતાં, કેવી રીતે પ્રભુ દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે. વ્યાસજીનો નિયમ છે કે ચરિત્ર (પાત્ર) આપ્યા પછી, ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું. કંસ મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.

અસ્તિ અને પ્રાપ્તિ, એ બે રાણીઓનો પતિ તે કંસ છે. અસ્તિ એટલે “છે”. બેંકમાં આટલા રૂપિયા છે અને આ વર્ષે આટલો નફો થાય તે માટે નીતિ-અનીતિથી કેવળ પૈસાની પ્રાપ્તિ કરવાના (મેળવવાના) વિચાર કરે છે તે કંસ છે.

કળિયુગનો માણસ અસ્તિ-પ્રાપ્તિનો પતિ થયો છે. તેને ગમે તે રીતે સુખ ભોગવવું છે, બધા લૌકિક સુખમાં ફસાયા છે. સાચું સુખ શું છે તે કોઈને ખબર નથી. અને ખોટું સુખ ભોગવવામાં જીવન પુરુ થઇ જાય છે. બધા જાણે છે કે મરીશ એટલે આ સાથે આવવાનું નથી, છતાં પાપ કર્યે જાય છે. અને માને છે કે હું મરવાનો નથી. મજામાં અનેક પણ સજામાં એક છે. મજામાં સહુ સાથ આપે છે પણ સજા એકલા જીવને થાય છે.

જ્યારથી લોકો માનવા માંડ્યા કે પૈસાથી જ સુખ છે, ત્યારથી પાપ વધ્યું છે. પૈસાથી કાંક થોડું સુખ મળતું હશે પણ શાંતિ મળતી નથી. પૈસો શાંતિ આપી શકતો નથી. મહાત્માઓ કહે છે કે – તમે શરીર-ઇન્દ્રિયોથી જુદા છો, તમારો આનંદ પણ શરીર-ઇન્દ્રિયોથી જુદો છે. તમે શુદ્ધ ચેતન આત્મા છો, શરીરનું-ઇન્દ્રિયોનું સુખ એ તમારું સુખ નથી.

દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં અધ્યાય – ૫૦ માં જરાસંઘની કથા આવે છે. જરાસંઘ મથુરા પર ચડાઈ કરે છે, અને તેને ઘેરી લે છે. જીવનના ઉત્તરાર્ધમાં પણ ૫૦ મા વર્ષથી મનુષ્ય પર જરાસંઘ = વૃદ્ધાવસ્થા ચડી આવીને ઘેરો ઘાલે છે. ઉત્તરાવસ્થામાં જરાસંઘ એટલે કે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરુ થાય છે. સાંધા દુ:ખવા માંડે ત્યારે સમજવું કે જરાસંઘ આવ્યો છે.

જરાસંઘ આવે એટલે મથુરા (શરીર)ના દરવાજા તૂટવા લાગે છે. દાંત પડવા લાગે, આંખેથી ઓછું દેખાય, કાનેથી ઓછું સંભળાય, ખાધેલું પચે નહિ, આ બધી જરાસંઘની પલટણની અસર છે.

શ્રીકૃષ્ણે સત્તર વખત જરાસંઘને હરાવ્યો. અઢારમી વખત તે કાળયવનની સાથે આવ્યો. જરાસંઘ = વૃદ્ધાવસ્થા લડવા આવે, પણ જો કાળયવન = કાળ (મૃત્યુ) ને સાથે લઈને આવે ત્યારે, કોઈ ઉગારો નથી. ત્યારે શ્રીકૃષ્ણને પણ મથુરા છોડવું પડ્યું અને દ્વારકા(બ્રહ્મવિદ્યા)નો આશરો લેવો પડ્યો.

શરીર પર કાળ ચડાઈ કરે, શરીર છોડવું પડે તે પહેલાં બ્રહ્મવિદ્યાનો આશરો લેવાથી, બ્રહ્મવિદ્યામાં કાળયવન અને વૃદ્ધાવસ્થા પ્રવેશ કરી શકતા નહિ હોવાથી, કાળયવન તેને મારી શકે નહિ. પણ વૃદ્ધાવસ્થામાં ડોસો સત્તર વખત માંદો પડે છે, પણ અઢારમી વાર કાળ આવે એટલે મરે છે.

કંસની રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ, કંસના મૃત્યુ પછી પિતા જરાસંઘને ઘેર આવી છે. જરાસંઘે જયારે જાણ્યું કે, શ્રીકૃષ્ણે કંસને માર્યો તેથી મારી પુત્રીઓ વિધવા થઇ છે, એટલે તે ગુસ્સે થયો અને મથુરા પર ચડાઈ કરી. ભગવાને વિચાર્યું કે – હાલ જરાસંઘને મારીશ તો પૃથ્વી પરનો ભાર ઓછો થશે નહિ, તે જીવતો હશે તો તેના પાપી સાથીદારો રાજાઓની સાથે સેના લઇને લડવા આવશે તો તે પાપી રાજાઓને શોધવા જવું નહિ પડે, તેઓ અત્રે આવશે જ.
તેથી ભગવાન જરાસંઘને મારતા નથી, તેની સેનાને, સાથીદારોને મારે છે.

જરાસંઘ સત્તર વાર લડવા આવ્યો, અને શ્રીકૃષ્ણ-બલરામે તેની સેનાનો નાશ કર્યો. તે પછી જરાસંઘ, કાળયવનની જોડે સંધી કરી તેની સાથે લડવા આવ્યો છે. પ્રભુજીએ દાઉજી મહારાજને પૂછ્યું કે – હવે શું કરવું છે? સત્તર વાર હરાવ્યો છતાં આ નફ્ફટ પાછો આવ્યો છે, તેના પર શિવજીની કૃપા છે, તે મરતો નથી.

દાઉજી મહારાજે કહ્યું કે – આ લોકો શાંતિથી અહીં રહેવા દેતા નથી, મારે હવે આનર્તમંડળ (ઓખામંડળ) માં રહેવું છે. (આનર્ત દેશના રાજા રૈવતની કન્યા રૈવતી સાથે બલરામનું લગ્ન થયું હતું, અને રાજ્ય મળ્યું હતું.) શ્રીકૃષ્ણે કહ્યું કે તમે ત્યાં જાવ, તો હું પણ ત્યાં આવીશ.

શ્રીકૃષ્ણે નિશ્ચય કર્યો છે કે – હવે મારે મથુરામાં રહેવું નથી. હું શાંતિથી આનર્ત દેશમાં દરિયા કિનારે રહીશ. તેમણે વિશ્વકર્માને બોલાવ્યા છે, અને આજ્ઞા આપી, અને આજ્ઞા મુજબ વિશ્વકર્માએ સમુદ્રની મધ્યમાં એક વિશાળ નગરી બનાવી યાદવોને તે નગરીમાં રાખ્યા છે. મોટા મોટા મહેલોમાં દ્વાર જલ્દી જોવામાં ના આવ્યાં, એટલે લોકો બોલવા લાગ્યા કે – “દ્વાર કહાં હૈ? દ્વાર કહાં હૈ?” એટલે તે નગરીનું નામ પડ્યું દ્વારિકા.

ઉપનિષદમાં “ક” શબ્દનો અર્થ “બ્રહ્મ” કર્યો છે, દ્વાર એટલે દરવાજો અને કા એટલે બ્રહ્મ. જ્યાં પ્રત્યેક દ્વારે પરમાત્મા છે તેવી નગરી એટલે દ્વારિકા. જ્યાં દ્વારે દ્વારે બ્રહ્માનંદનું સુખ છે.

શરીર રૂપી ઘરમાં આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયો રૂપી દરવાજાઓ છે, ત્યાં પરમાત્માને પધરાવવાથી, જરાસંઘ અને કાળયવન પજવી શકે નહિ કે પ્રવેશી શકે નહિ. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરી અને બ્રહ્મવિદ્યાથી, બ્રહ્મનો આશરો લેવાથી, બ્રહ્મ-જ્ઞાન મળે છે, આમ બ્રહ્મનો આશરો લેવાથી મનુષ્ય બ્રહ્મરૂપ થાય છે અને તેને કાળયવન મારી શકતો નથી.

જરાસંઘ બ્રાહ્મણોને ધમકી આપીને આવેલો કે – જો આ વખત મારી હાર થશે તો તમોને મારી નાખીશ. તેથી બ્રાહ્મણોને બચાવવા પણ શ્રીકૃષ્ણ, જરાસંઘ સામે હારી ગયા છે, અને પ્રવર્ષણ પર્વત ઉપર ગયા છે.

જરાસંઘ (૫૧ વર્ષ પછીની વૃદ્ધાવસ્થા) લડવા આવે, પાછળ પડે ત્યારે, પ્રવર્ષણ પર્વત એટલે કે ભક્તિનો-બ્રહ્મવિદ્યાનો આશરો લેવો જોઈએ.

એકાવન-બાવન (એકા-વન-બા-વન) નો અર્થ એ છે કે – એકાવન પછી મનુષ્ય બંગલામાં રહેવાને લાયક નથી. તેણે વનમાં જવું કે છેવટે ઘરમાં જ વાનપ્રસ્થ જીવન ગાળવું જોઈએ. છોકરો પરણે એટલે સમજવું કે મનુષ્યનો ગૃહસ્થાશ્રમ પુરો થયો અને વાનપ્રસ્થાશ્રમ ચાલુ થયો. ભોગભૂમિમાં વિલાસી લોકોની વચ્ચે રહી વિરક્ત જીવન ગાળવું કઠણ છે. જરાસંઘને કાળયવનનો ત્રાસ એ જન્મમરણનો ભયંકર ત્રાસ છે. એટલે નિશ્ચય કરવાનો કે મારે હવે જન્મ-મરણના ત્રાસમાંથી છૂટવું છે.

Related Articles

નવીનતમ