વ્યક્તિએ પૂછ્યું ‘મારા જેવા નિર્ધનને વહેલામાં વહેલાં ભગવાન કેવી રીતે મળી શકે?’ જાણો મહાત્માજીએ શું કહ્યું. વાંચો આખી કથા.
સમસ્ત પ્રાણીઓના કલ્યાણમાં રમમાણ મહાનુભાવો
(આગળનો ભાગ 1 વાંચવાનો બાકી હોય તો અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)
આગળના ભાગમાં આપણે જાણ્યું કે મહાત્માજીએ રાજાએ બતાવેલા દરેક જીવની સેવાના માર્ગથી રાજાને ભગવાનની પ્રાપ્તિ થઈ. રાજા જ્યારે મહાત્માજીને પોતાની ઘટના સંભળાવી રહ્યા હતા ત્યારે ત્યાં મહાત્માજીની સેવામાં એક તદન ગરીબ ગામઠી ફેરિયો – ખૂમચાવાળો પણ બેઠેલો હતો. તેણે રાજાની તે ઘટના ખૂબ ધ્યાન દઈને સાંભળી. પછી તેણે મહાત્માજીને પૂછ્યું કે, મહારાજ! શું મારા જેવા ગરીબ માણસને પણ ભગવાન મળી શકે?
ત્યારે મહાત્માજી બોલ્યા કે, ‘શા માટે ના મળી શકે? ભગવાનને ત્યાં ગરીબ અને ધનવાનનો ભેદ થોડો હોય છે? તેઓ તો ભાવના ભૂખ્યા છે. એક વાર રાજા ચોલ અને વિષ્ણુદાસ નામના એક ગરીબ બ્રાહ્મણ વચ્ચે ભક્તિવિષય બાબતે ભગવાનનાં દર્શન માટે પરસ્પર હરીફાઈ જામી હતી અને તેમાં અંતે ગરીબ વિષ્ણુદાસની જીત થઈ અને ભગવાને પોતાનાં દર્શન પહેલાં તે ગરીબ બ્રાહ્મણને જ આપ્યાં.
આ સાંભળીને ખૂમચાવાળાએ પૂછ્યું – મહારાજ! તે રાજા ચોલ કોણ હતા? ગરીબ વિષ્ણુદાસ કોણ હતો? તે બંનેમાં અરસપરસ કેવા પ્રકારની હરીફાઈ જામી હતી તથા તે ગરીબ બ્રાહ્મણને ભગવાને કેમ પહેલાં દર્શન આપ્યાં હતાં? કૃપા કરીને એ બધી કથા મને વિસ્તારથી કહી સંભળાવો.
મહાત્માજીએ આગળ વાત કરતા કહ્યું – પહેલાં કાંચીપુરીમાં ચોલ નામના એક ચક્રવર્તી રાજા થઈ ગયા. તેમના તાબામાં જેટલા દેશ હતા તે પણ ‘ચોલ’ એવા નામે જ વિખ્યાત થયા હતા. રાજા ચોલ જે સમયે આ ભૂમિવિસ્તારમાં શાસન કરતા હતા તે સમયે કોઈ પણ મનુષ્ય દરિદ્ર, દુ:ખી, પાપમાં મન લગાવનારો કે રોગી હતો નહિ. રાજા ચોલે એટલા યજ્ઞ કર્યા હતા કે જેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી.
એક સમયની વાત છે. રાજા ચોલ અનંતશયન નામના તીર્થસ્થાને ગયા કે જ્યાં જગદીશ્વર શ્રીવિષ્ણુ શેષશાયી સ્વરૂપે વિરાજે છે. ત્યાં ભગવાન શ્રીવિષ્ણુના તે દિવ્ય વિગ્રહની રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. તેમણે સુવર્ણફૂલો અને મણિ-મોતીઓથી ભગવાનનું પૂજન કર્યું અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેઓ જેવા બેઠા કે તે જ સમયે કાંચીપુરીના રહેવાસી બ્રાહ્મણ વિષ્ણુદાસ હાથમાં તુલસીપત્ર અને જળ લઈને ભગવાનની પૂજા માટે ત્યાં આવ્યા.
તે બ્રાહ્મણભક્તે વિષ્ણુસૂકતનો પાઠ કરતાં કરતાં દેવાધિદેવ ભગવાનનો અભિષેક કર્યો અને તુલસીપત્ર અને મંજરીથી તેમની વિધિવત્ પૂજા કરી. પહેલાં રાજા ચોલે રત્નોથી ભગવાનની જે પૂજા કરી હતી તે તમામ પૂજા તુલસીપત્રોથી ઢંકાઈ ગઈ.
આ જોઈને રાજાએ ગુસ્સે થઈને કહ્યું – ‘વિષ્ણુદાસ! મેં મણિઓ અને સુવર્ણથી ભગવાનની જે પૂજા કરી હતી તે કેટલી શોભી રહી હતી! પરંતુ તેં તુલસીપત્ર ચઢાવીને તે બધી ઢાંકી દીધી. બોલ, તેં આવું કેમ કર્યું? લાગે છે કે તું મહામૂર્ખ છે. ભગવાન વિષ્ણુની ભક્તિ વિશે તું કશું જ જાણતો લાગતો નથી. એટલે જ તો તું અત્યંત સુંદર સજેલી-સજાવેલી પૂજાને પાંદડાંઓથી ઢાંકી રહ્યો છે. તારા આ વર્તનથી મને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે.’
વિષ્ણુદાસે કહ્યું – ‘મહારાજ! તમે ભક્તિ વિશે કશું જ જાણતા નથી. કેવળ રાજ્યલક્ષ્મીના કારણે તમે મિથ્યા ઘમંડ કરી રહ્યા છો. કહો તો, આજ પહેલાં તમે કેટલાં વૈષ્ણવવ્રતોનું પાલન કર્યું છે?’
રાજાએ કહ્યું – ‘અરે બ્રાહ્મણ! જો તું વિષ્ણુભક્તિના અત્યંત અભિમાનને લીધે આવી વાત કરે છે તો કહે, તારામાં કેટલી ભક્તિ છે? તું તો દરિદ્ર છે, નિર્ધન છે. શ્રીવિષ્ણુને સંતુષ્ટ કરનારાં યજ્ઞ અને દાન વગેરે કર્મ તો તેં કદી પણ કર્યાં નથી તથા આ પહેલાં તેં કોઈ મંદિર પણ બંધાવ્યું નથી.
તારી આવી સ્થિતિમાં પણ તને પોતાની ભક્તિનો આટલો બધો ઘમંડ છે? તો ભલે, આજે અહીં જેટલા પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો હાજર છે તેઓ કાન ખોલીને મારી વાત સાંભળે. જોઈએ વારુ, ભગવાન વિષ્ણુનાં દર્શન પહેલાં કોણ પામે છે, હું કે આ બ્રાહ્મણ? એનાથી લોકોને આપમેળે જ ખબર પડી જશે કે આપણા બંનેમાંથી કોનામાં કેટલી ભક્તિ છે!’
આમ કહીને રાજા ચોલ પોતાના રાજમહેલમાં ગયા અને તેમણે મહર્ષિ મુદગલને આચાર્ય બનાવીને વૈષ્ણવ-યાગનું અનુષ્ઠાન શરૂ કર્યું, જેમાં ઘણાબધા ઋષિઓનો સમૂહ એકઠો થયો, અન્નભોજન પાછળ ઘણોબધો ખર્ચ કરવામાં આવ્યો અને અઢળક દક્ષિણા વહેંચવામાં આવી.
પેલી તરફ, વિષ્ણુદાસ ત્યાં ભગવાનના મંદિરમાં જ રોકાઈ રહ્યા અને શ્રીવિષ્ણુને સંતુષ્ટ કરનારા શાસ્ત્રોક્ત નિયમોનું યથાયોગ્ય પાલન કરતા રહીને હંમેશાં નિયમિતપણે વ્રતનું અનુષ્ઠાન કરવા લાગ્યા. માઘ અને કાર્તિકનાં વ્રત, તુલસીના બાગનો યથાયોગ્ય ઉછે૨, અગિયારસનું વ્રત, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ – એ દ્વાદશાક્ષરી મંત્રનો જપ તથા ગીત-નૃત્ય વગેરે માંગલિક ઉત્સવો સાથે ષોડશોપચાર દ્વારા પ્રતિદિન શ્રીવિષ્ણુની પૂજા – આ તેમની જીવનચર્યા બની ગઈ.
તેઓ આ બધાં વ્રતો પાળતા હતા. ચાલતી વેળા, ખાતી વેળા, સૂતી વેળાએ પણ તેમને શ્રીવિષ્ણુનું નિરંતર સ્મરણ રહ્યા કરતું હતું. તેઓ સમદર્શી હતા અને સમસ્ત પ્રાણીઓમાં ભગવાન શ્રીવિષ્ણુ રહેલા છે એવી દૃષ્ટિથી જોતા હતા. તેમણે ભગવાન શ્રીવિષ્ણુને સંતુષ્ટ કરવા માટે ઉદ્યાપનવિધિ-સહિત માઘવ્રત અને કાર્તિકવ્રતના વિશેષ નિયમોનું પણ હંમેશાં પાલન કર્યું.
આ રીતે રાજા ચોલ અને વિષ્ણુદાસ એ બંને જણ હરીફાઈ કરીને ભગવાન શ્રીવિષ્ણુની આરાધના કરવા લાગ્યા. બંનેય પોતપોતાના વ્રતમાં રત રહેતા હતા. બંનેયની ઇન્દ્રિયો અને ક્રિયાઓ ભગવાનમાં જ કેન્દ્રિત રહેતી હતી.
એક દિવસની વાત છે. વિષ્ણુદાસે નિત્યકર્મ કર્યા પછી ભોજન તૈયાર કર્યું, પણ તેને કોઈ ચોરી ગયું. ચોરી જનારને કોઈએ જોયો નહિ. ભોજન ચોરાઈ ગયા પછી વિષ્ણુદાસે ફ૨ીથી ભોજન બનાવ્યું નહિ, કારણ કે એમ કરવા જાય તો તેને સંધ્યાકાળની પૂજા માટે સમય મળે નહિ; અને તેથી રોજિંદા નિયમનો ભંગ થવાનો ભય હતો. બીજા દિવસે તે જ સમયે ભોજન બનાવીને તેઓ જ્યારે ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવા માટે ગયા ત્યારે પણ કોઈ આવીને બધું ભોજન ચોરી ગયું.
આ રીતે લગાતાર સાત દિવસ સુધી કોઈ આવી આવીને તેમના ભોજનની ચોરી કરતું રહ્યું. તેથી વિષ્ણુદાસને ભારે વિસ્મય થયું.
તેઓ વિચારવા લાગ્યા – ‘અરે! આ કોણ દ૨૨ોજ આવીને મારી રસોઈ ચોરી જાય છે? હું ક્ષેત્ર-સંન્યાસ લઈ ચૂક્યો છું. હવે કોઈ પણ રીતે આ સ્થળ છોડી જઈ શકું નહિ. જો બીજીવાર રસોઈ બનાવું તો સંધ્યાકાળની પૂજા ચૂકી જવાય. જ્યાં સુધી તમામ સામગ્રી ભગવાન શ્રીવિષ્ણુને સાદર અર્પણ ન કરું ત્યાં સુધી હું ભોજન કરી શકું નહિ. પ્રતિદિન ઉપવાસ કરવાથી મારા આ વ્રતની સમાપ્તિ સુધી હું કેવી રીતે જીવતો રહી શકીશ? વારુ, આજે તો હું રસોઈની બરાબર સંભાળ રાખીશ.’
આવું વિચારીને રસોઈ તૈયાર કર્યા પછી વિષ્ણુદાસ ત્યાં જ ક્યાંક સંતાઈને ઊભા રહ્યા. એટલામાં જ એક ચાંડાળ દેખાયો, જે તેમનું ભોજન ચોરીને લઈ જવા તત્પર હતો. ભૂખને લીધે તેનું આખુંય શરીર દૂબળું પડેલું હતું, મોં ઉપર લાચારી છવાયેલી હતી, શરીરમાં હાડ-ચર્મ સિવાય અન્ય કશું જ બચવા પામ્યું ન હતું. તેને જોઈને બ્રાહ્મણશ્રેષ્ઠ વિષ્ણુદાસનું હૃદય કરુણાભાવથી દુ:ખી થયું.
તેમણે તે ચાંડાળને કહ્યું – ‘ભાઈ, ઊભા રહો, જરા થોભો! લૂખું-સૂકું કેમ ખાઓ છો? આ ઘી તો લેતા જાઓ.’ આ રીતે બોલતા વિપ્રવર વિષ્ણુદાસને આવતા જોઈને તે ચાંડાળ ઘણી ઝડપથી નાઠો અને બીકનો માર્યો મૂર્છિત થઈને ભોંય પડ્યો. વિષ્ણુદાસ તરત જ તેની પાસે દોડી ગયા અને કરુણાવશ બનીને પોતાના વસ્ત્રથી તેને પવન નાખવા લાગ્યા.
ત્યારબાદ જ્યારે તે ચાંડાળ ઊભો થયો ત્યારે વિષ્ણુદાસે જોયું કે તે ચાંડાળ ન હતો, સાક્ષાત્ ભગવાન નારાયણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરીને સામે વિરાજમાન હતા! તેમની કેડે પીતાંબર છે, ચાર ભુજાઓ છે, છાતી પર શ્રીવત્સનું લાંછન છે તથા માથે મુગટ શોભી રહ્યો છે! અળસીના ફૂલ જેવા શ્યામસુંદર શરીર અને કૌસ્તુભમણિથી ઝગમગતા શ્રીવિષ્ણુનું વક્ષ:સ્થળ અપૂર્વ શોભી રહ્યું છે.
પોતાના પ્રભુને પ્રત્યક્ષ સન્મુખ જોઈને બ્રાહ્મણશ્રેષ્ઠ વિષ્ણુદાસ રોમાંચ, અશ્રુપાત વગેરે સાત્ત્વિક ભાવોથી એટલા ગદિત થઈ ગયા કે તેઓ ભગવાનની સ્તુતિ કરવા અને તેમને પ્રણામ કરવા પણ શક્તિમાન રહ્યા નહિ. તે સમયે ત્યાં ઇન્દ્ર વગેરે દેવો અને ઋષિ-મહર્ષિઓ પણ આવી પહોંચ્યા. ભગવાન શ્રીવિષ્ણુએ સાત્ત્વિક વ્રતનું પાલન કરનારા પોતાના ભક્ત વિષ્ણુદાસને છાતી-સરસા ચાંપ્યા અને તેમને પોતાના જેવું જ રૂપ આપીને પોતે વૈકુંઠધામ ચાલ્યા ગયા.
તે સમયે યજ્ઞમાં દીક્ષિત બનેલા રાજા ચોલે જોયું કે વિષ્ણુદાસ એક સુંદર વિમાનમાં બેસીને ભગવાન શ્રીવિષ્ણુના ધામમાં જઈ રહ્યા છે. રાજાએ તરત જ પોતાના ગુરુ મહર્ષિ મુદગલને બોલાવીને કહ્યું – જેની સાથે હરીફાઈ કરવાને કારણે મેં આ યજ્ઞ-દાન વગેરે કર્મોનું અનુષ્ઠાન કર્યું તે બ્રાહ્મણ આજે ભગવાન શ્રીવિષ્ણુનું રૂપ ધારણ કરીને મારા પહેલાં વૈકુંઠધામ જઈ રહ્યો છે.
મેં આ વૈષ્ણવયાગમાં યથાયોગ્ય દીક્ષિત થઈને અગ્નિમાં હવન કર્યો છે અને દાન વગેરે દ્વારા બ્રાહ્મણોના મનોરથ પૂરા કર્યા છે તોપણ અત્યાર સુધી ભગવાન મારા પર પ્રસન્ન થયા નહિ અને આ બ્રાહ્મણને ફક્ત ભક્તિના કારણે જ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. તેથી લાગે છે કે ભગવાન ફક્ત દાન અને યજ્ઞોથી જ પ્રસન્ન થતા નથી, તે પ્રભુનાં દર્શન થવામાં તો ભક્તિ જ મુખ્ય કારણ છે.
રાજા ચોલ બાળપણથી જ યજ્ઞની દીક્ષા લઈને તેમાં જ લાગ્યા રહેતા હતા, તેથી તેમને કોઈ પુત્ર થયો ન હતો. આથી તેમણે પોતાના ભાણેજનો રાજ્યસિંહાસન પર અભિષેક કર્યો અને ત્યારપછી તેઓ યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞકુંડ સામે ઊભા રહીને શ્રીવિષ્ણુને સંબોધન કરીને ત્રણવાર ઊંચા સ્વરે નિમ્નોક્ત વચન બોલ્યા – ‘હે ભગવાન વિષ્ણુ! આપ મને મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા થતી નિશ્ચળ ભક્તિ આપો.’ આમ બોલીને તેઓ બધાંના દેખતાં જ અગ્નિમાં કૂદી પડ્યા.
રાજા જ્યારે અગ્નિકુંડમાં પડવા ગયા, બરાબર તે જ ક્ષણે ભક્તવત્સલ શ્રીવિષ્ણુ પ્રગટ થયા અને તેમણે રાજાને છાતીએ લગાડ્યા તથા એક શ્રેષ્ઠ વિમાનમાં બેસાડ્યા. એ પછી તેમને પોતાના જેવું જ રૂપ આપીને તે દેવેશ્વરે અન્ય દેવતાઓ સાથે વૈકુંઠધામ ભણી પ્રસ્થાન કર્યું. (આ કથા પદ્મપુરાણના ઉત્તરખંડમાં અધ્યાય ૧૧૦-૧૧૧ માં વર્ણવેલી છે.)
આ કથા સાંભળીને ખૂમચાવાળાના ચિત્તમાં ઘણી પ્રસન્નતા થઈ અને તેણે ઉત્સાહપૂર્વક મહાત્માજીને પૂછ્યું – ‘મારા જેવા નિર્ધનને વહેલામાં વહેલાં ભગવાન કેવી રીતે મળી શકે?’ મહાત્માજીએ કહ્યું – ‘તું બધાં પ્રાણીઓમાં પરમાત્મા વ્યાપક છે એમ માનીને પોતાનાં કર્મો દ્વારા તેમની સેવા કરતો રહે.’ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પણ જણાવ્યું જ છે –
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥ (શ્રીમદ્ભગવદગીતા – ૧૮/૪૬)
“જે પરમાત્મા થકી સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેમના વડે આ સઘળું જગત વ્યાપ્ત છે તે પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો દ્વારા પૂજા કરીને મનુષ્ય પરમસિદ્ધિને અર્થાત્ પરમાત્માને પ્રાપ્ત કરે છે.’’
મહાત્માજીનો આદેશ મેળવીને ખૂમચાવાળો પોતાને ગામ પાછો ફર્યો અને તેમની આજ્ઞા પ્રમાણે સાધન કરવા લાગ્યો. તે ખૂમચાના ધંધામાંથી રોજ બે રૂપિયા કમાતો હતો, જેમાંથી દોઢ રૂપિયામાં પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો અને જે આઠ આના બચતા તે દુ:ખી, અનાથ, અસહાય, આતુર અને ભૂખ્યા જીવોની સેવામાં ખર્ચતો હતો.
આ રીતે સેવા કરતાં ત્રણ વર્ષ વીત્યાં, પરંતુ ભગવત્પ્રાપ્તિનો કોઈ અણસાર નહિ મળતાં તે એક દિવસે ફરીથી મહાત્માજી પાસે ગયો અને કહેવા લાગ્યો – ‘મહારાજ! હું રોજ બે રૂપિયા કમાઉં છું. દોઢ રૂપિયામાં પરિવારનો જીવનનિર્વાહ કરું છું અને વધેલા આઠ આના દુ:ખીઓની સેવામાં વાપરું છું. પરંતુ અત્યાર સુધી ભગવાન મળવાનાં કોઈ એંધાણ મને તો દેખાતાં નથી. તમે જ કહો કે હું શું કરું કે જેથી મને જલદીમાં જલદી ભગવાન પ્રાપ્ત થાય.’
મહાત્માજીએ કહ્યું – ‘તું જે કરે છે તે બરાબર જ કરે છે. એનાથી પણ વધુ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે તેમ જ વિશ્વાસપૂર્વક ગરીબ, દીન-દુઃખી, આતુર અને દરિદ્રરૂપી નારાયણની સેવા વિશેષ રૂપે કરતો રહે.’ આ સાંભળીને ‘બહુ સારું’ કહીને ખૂમચાવાળો પોતાના ઘરે પાછો આવ્યો અને મહાત્માજીની આજ્ઞા પ્રમાણે ફરીથી વિશેષ ઉત્સાહપૂર્વક દુ:ખીઓની સેવા કરવા લાગ્યો.
તે જ શહેરમાં એક લાકડાં વેચનાર કઠિયારો ઝૂંપડી બાંધીને રહેતો હતો. તે જંગલમાંથી સૂકાં લાકડાં લાવીને, તે લાકડાં વેચીને મહામુશ્કેલીથી પોતાનું પેટ ભરતો હતો. એક દિવસની વાત છે. જંગલમાં નજીકના વિસ્તારમાં તેને લાકડાં મળ્યાં નહિ તેથી તે થોડેક દૂર ગયો અને તેથી તેને પાછા વળવામાં ખૂબ જ મોડું થઈ ગયું.
જ્યારે તે લાકડાં લઈને પાછો વળ્યો ત્યારે બપોરના બાર વાગી ગયા હતા અને ઉનાળાના ભારે તાપના કારણે તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. હજી તે શહેરથી એક માઈલ દૂર હતો ત્યારે જ તેનો જીવ અકળાવા લાગ્યો. તે તમ્મર ખાઈને ભોંય પર પટકાઈ પડયો. તેના માથા પરનો લાકડાંનો ભારો એક બાજુ પડ્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો.
તે જ સમયે પેલો ખૂમચાવાળો ખૂમચો લઈને પોતાના ગામથી શહેર ભણી જતો હતો. રસ્તામાં કઠિયારાને બેહોશ પડેલો જોઈને તેના હૃદયમાં દયા થઈ આવી. ખૂમચાવાળા પાસે બાફેલા ચણા અને પાણી પૂરતા પ્રમાણમાં હતાં. તેણે તરત એક ચાંગળું પાણી કઠિયારાના મોં પર છાંટ્યું, થોડુંક પાણી તેના મોંમાં રેડ્યું અને કપડાની ચાળથી તેને પવન નાખવા લાગ્યો, જેનાથી કઠિયારાને થોડુંક ભાન આવ્યું અને તેણે આંખો ઉઘાડી.
જ્યારે તે ભાનમાં આવીને બેઠો થયો ત્યારે ખૂમચાવાળો તેને ઝાડના છાંયડે લઈ ગયો અને તેને તદન ગરીબ, દુઃખી તથા ભૂખ્યો જાણીને તેણે જરૂ૨ પૂરતા બાફેલા ચણા ખાવા આપ્યા અને પછી પાણી પણ પિવડાવ્યું. તેથી તેના આત્માને ઘણી તૃપ્તિ થઈ અને તેણે પોતાની તમામ દુ:ખભરી કથની તે ખૂચમાવાળાને કહી સંભળાવી.

ત્યારબાદ તે ખૂમચાવાળાનો આભારી થઈને વિનયયુક્ત વાણીથી તેની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે, ખૂમચાવાળાએ કહ્યું – ‘ભાઈ! સ્તુતિ કરવાને પાત્ર તો ભગવાન છે. આ જે કંઈ પણ છે તે બધું ભગવાનનું જ છે. હું તો નિમિત્તમાત્ર છું. સ્તુતિ તો તારે ભગવાનની જ કરવી જોઈએ. અને હા, મારે લાયક કંઈ સેવાચાકરી હોય તો મને કહે. હું તારી સેવામાં હાજર છું.’
કઠિયારાએ કહ્યું – ‘હવે હું સશક્ત બની ગયો છું. મને હવે કોઈ તકલીફ નથી. આ લાકડાંનો ભારો મારા માથે ઉપડાવો, જેથી હું શહે૨માં જાઉં.’ ખૂમચાવાળાએ તેનો લાકડાંનો ભારો તેના માથે ઉપડાવ્યો અને તે કઠિયારો શહેર ભણી ચાલી નીકળ્યો.
એ પછી, ખૂમચાવાળો પોતાનો ખૂમચો અને પાણીનું વાસણ લઈને શહેર તરફ આગળ વધવા જેવો તૈયાર થયો કે તરત ભગવાન પ્રગટ થયા. ભગવાનનાં દર્શન કરીને તેને રોમાંચ થયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એ સમયે તેના આનંદની અને શાંતિની કોઈ સીમા જ રહી નહિ. ત્યારે, ભગવાને તેને કહ્યું – ‘ગરીબ-દુ:ખીના રૂપમાં મારી તેં કરેલી સેવાથી હું સંતુષ્ટ થયો છું. હવે તારી જે ઇચ્છા હોય તે વરદાન માગ.’
ખૂમચાવાળાએ કહ્યું – “હે પ્રભુ! આપે આજે આપનાં દર્શન આપીને મને કૃતાર્થ કરી દીધો છે. હવે આનાથી અધિક છે જ શું કે જે હું માગું?’’ ભગવાને વારંવાર આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું – “આપનામાં મારો અનન્ય વિશુદ્ધ પ્રેમ હંમેશાં કાયમ રહો.’’ આ સાંભળીને ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું અને તેઓ અંતર્ધાન થઈ ગયા.
ખૂમચાવાળો ભગવાનના પ્રેમાનંદમાં તલ્લીન થઈને મહાત્માજી પાસે ગયો અને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી પોતાની તમામ ઘટના શરૂથી માંડીને અંત સુધી તેમને કહી સંભળાવી. મહાત્માજી બોલ્યા – ‘‘પેલા દરિદ્ર, દુ:ખી, ગરીબ કઠિયારાને તેં ચણા ખવડાવ્યા અને પાણી પિવડાવ્યું એ તારું સેવાકાર્ય અત્યંત ઉત્તમ થયું. પહેલાં તેં જેટલાં પણ સેવાકાર્ય કર્યાં છે તે બધાંના કરતાં આ સેવાકાર્ય સૌથી ઉત્તમ છે.” ખૂમચાવાળો મહાત્માજીની વાણી સાંભળીને આનંદમગ્ન બની ગયો અને તેમને નમસ્કાર કરીને પોતાના ઘરે પાછો આવ્યો.
આ વાર્તામાંથી આપણે એ બોધ લેવો જોઈએ કે દુ:ખી અનાથ પ્રાણીઓની સેવા કરતાં કરતાં જો ભગવાનની પ્રાપ્તિ થવામાં વિલંબ થાય તો અકળાવું જોઈએ નહિ, બલકે બધાંમાં ભગવદ્-ભાવ રાખીને નિષ્કામભાવે પરમ શ્રદ્ધા, વિશ્વાસ, વિનય અને પ્રેમ સાથે તત્પરતાપૂર્વક સેવા કરતા જ રહેવું જોઈએ. સેવામાં શ્રદ્ધા અને પ્રેમભર્યો ભગવદ્ભાવ અને નિષ્કામભાવ હોય તો તે ઉચ્ચ કોટિની સાધના બની જાય છે. તેથી, આ સાધન કરતાં કરતાં તે ભાવોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેવી જોઈએ.
ઉપર્યુક્ત બંને ભાવ (ભગવદ્ભાવ અને નિષ્કામભાવ) સાથે રહે તો વાત જ શી કરવી? કારણ કે તે બંનેમાંથી કેવળ એક ભાવ જ રહ્યો હોય તોપણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આપણે તમામ પ્રાણીઓમાં પરબ્રહ્મ પરમાત્મા વ્યાપ્ત છે એમ સમજીને સૌની સેવા કરવા, પરોપકાર કરવા તત્પર બનીને તેમની સેવામાં લાગી જવું જોઈએ.