આ મંદિરમાં સ્થાપિત છે ત્રેતાયુગનું શિવલિંગ, દેવી સીતાએ કરી હતી આની સ્થાપના.
છત્તીસગઢના રાજીમ તીર્થધામમાં પુન્ની મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો મહાશિવરાત્રી સુધી રહે છે. રાજીમને છત્તીસગઢના પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહીં ત્રણ નદીઓ મહાનદી, સોંધુર અને પૈરીનો સંગમ થાય છે. આ સ્થળ રામાયણ કાળ સાથે પણ સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડો સમય અહીં રહ્યા હતા.
અહીં એક પ્રાચીન શિવ મંદિર પણ છે, જે કુલેશ્વર મહાદેવ મંદિર (Kuleshwar Mahadev Temple) તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં જે શિવલિંગ છે તેની સ્થાપના દેવી સીતાએ પોતે કરી હતી. આગળ જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.
દેવી સીતાએ આ શિવલિંગ બનાવ્યું હતું :
પૌરાણિક કથાઓ અનુસાર ત્રેતાયુગમાં છત્તીસગઢ દંડકારણ્ય તરીકે ઓળખાતું હતું. આ સ્થાનમાં ઘણા વિશાળ રાક્ષસો રહેતા હતા. જ્યારે શ્રી રામ અહીં આવ્યા ત્યારે તેમણે રાક્ષસોનો સંહાર કર્યો અને ઋષિઓને તેમના આતંકમાંથી મુક્ત કર્યા. દેવી સીતાએ અહીં પૂજા માટે રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું, એજ શિવલિંગ આજે કુલેશ્વર મહાદેવના નામથી પૂજાય છે.

આ મંદિર 8 મી સદીનું છે :
વર્તમાનમાં જે મંદિર અહીં દેખાય છે તે આઠમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની મજબૂતાઈનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, 3 નદીઓના કિનારે હોવાને કારણે અહીં વરસાદની ઋતુમાં ઘણી વખત પૂર આવે છે, જેમાં આ મંદિર ઘણા દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહે છે, પરંતુ તે પછી પણ આ મંદિર મજબૂત પાયા સાથે અડીખમ ઉભું છે. લોકો કહે છે કે પૂરના કારણે રાજીમ નદી પર બનેલો પુલ 40 વર્ષ સુધી પણ ટક્યો નહીં અને આઠમી સદીનું કુલેશ્વર મહાદેવ મંદિર આજે પણ ઉભું છે.
આવું છે મંદિર પરિસર :
કુલેશ્વર મંદિરનું સંકુલ ઘણું મોટું અને મજબૂત છે. મંદિરનું કદ 37.75 X 37.30 મીટર છે. તેની ઊંચાઈ 4.8 મીટર છે. મંદિરનો મૂળ ભાગ કોતરેલા પથ્થરોથી બનેલો છે, જેના પર રેતી અને ચૂનાથી ચણતર કરવામાં આવ્યું છે. મંદિરમાં ત્રણેય બાજુથી સીડીઓ બનાવવામાં આવી છે. મંદિરના પ્લેટફોર્મ પર એક વિશાળ પીપળાનું વૃક્ષ પણ છે. મંદિરો પ્રાચીન સ્થાપત્ય અને વાસ્તુકલાનું અનોખું ઉદાહરણ છે.
કેવી રીતે પહોંચવું?
મંદિરની સૌથી નજીકનું એરપોર્ટ રાયપુરમાં છે, જે અહીંથી 45 કિમી દૂર છે. આ એરપોર્ટ દિલ્હી, વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈ સાથે જોડાયેલું છે.
રાયપુર અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન પણ છે. આ સ્ટેશન હાવડા મુંબઈ રેલ્વે લાઇન પર આવેલું છે.
રાજિમ નિયમિત બસ અને ટેક્સી સેવાઓ દ્વારા રાયપુર અને મહાસમુંદ સાથે જોડાયેલું છે