ધર્મ ડેસ્ક: મહા માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જયા એકાદશીને મહત્વપૂર્ણ વ્રતોમાંનું એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભૂત, પ્રેત અને પિશાચ જેવા નીચ યોનીમાંથી મુક્તિ મળે છે. આ વખતે જયા એકાદશીનું વ્રત 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રાખવામાં આવશે. જયા એકાદશીના દિવસે કેટલાક કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે. આવો જોઈએ આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
મોડે સુધી ન ઉંઘો
જયા એકાદશી ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને સંધ્યા કાળના સમયે પણ ઊંઘવું જોઈએ નહીં.
ભોજનમાં સંયમ રાખો
ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે. તેથી જ જયા એકાદશીના દિવસે તમારે તમારા ખાવા-પીવામાં સંયમ રાખવો જોઈએ અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. આમ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચોખાનુ સેવન ન કરો
ભૂલથી પણ એકાદશી પર ચોખાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ એકાદશી પર ચોખાનું સેવન કરે છે, તેનો જન્મ કોઈ સરિસૃપ જીવની યોનિમાં થાય છે.
લડાઈ ઝગડા ન કરો
શાસ્ત્રો અનુસાર, તમામ તિથિઓમાં એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે ગુસ્સો કરવાથી બચો. આ દિવસે જૂઠું પણ ન બોલવું જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ.
બ્રહ્મચર્યનુ પાલન કરો
જયા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ, જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.
જયા એકાદશીના શુભ મુહુર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ, જયા એકાદશી 31 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 11.53 કલાકે શરૂ થશે અને 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બપોરે 02.01 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, જયા એકાદશી 1 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે. જયા એકાદશીના પારણાનો સમય 02 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 07.09 થી 09.19 કલાક સુધીનો રહેશે. ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:10 કલાકથી 2 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 03:23 કલાક સુધી રહેશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.