શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પઠાણ (Film Pathaan) વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થયાના થોડા સમય પછી પાકિસ્તાનમાં ગેરકાયદે સ્ક્રીનિંગ (illegal Screening of Pathaan) થતાં હોબાળો થયો છે. સિંધ બોર્ડ ઓફ ફિલ્મ્સ સેન્સર (SBFC) એ હવે આ મામલે કાર્યવાહી કરી છે. કરાચીમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં થયેલું સ્ક્રીનિંગનું આયોજન હવે રદ્દ થઈ ગયું હોવાના અહેવાલ છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત પઠાણમાં શાહરુખ સાથે દીપિકા પદુકોણ, ડિમ્પલ કાપડિયા, જ્હોન અબ્રાહમ અને આશુતોષ રાણા જોવા મળી રહ્યાં છે.
પાકિસ્તાનના દૈનિકના અહેવાલમાં જણાવાયું છે કે, સ્ક્રીનિંગ માટેની ટિકિટો ઓનલાઇન રૂ.900 (પાકિસ્તાની રૂપિયા)માં વેચાઇ રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ફાયરવર્ક્સ ઇવેન્ટ્સ દ્વારા યોજવામાં આવતી ખાનગી સ્ક્રિનિંગ્સ છે.
ડોને એસએફએફસીને ટાંકીને એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી બોર્ડ દ્વારા રીલીઝ કરવા માટે ફિલ્મને યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં ન આવી હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સિનેમેટોગ્રાફના માધ્યમથી ફિલ્મનું જાહેર અથવા ખાનગી પ્રદર્શન કરવામાં આવશે નહીં અથવા તેની વ્યવસ્થા કરી શકશે નહીં.
વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડ દ્વારા પ્રમાણિત ન હોય તેવી ફિલ્મોના સ્ક્રીનિંગને કારણે જવાબદારોને ત્રણ વર્ષ સુધીની કેદ અને રૂ.100,000 (પાકિસ્તાની રૂપિયા) સુધીનો દંડ થઈ શકે છે. સિંધ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરે તેના શો તાત્કાલિક રદ કરવા માટે ફાયરવર્ક ઇવેન્ટ્સની માંગ કરી છે અને સ્ક્રીનિંગ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાની દૈનિકના અલગ અહેવાલમાં પણ સ્ક્રીનિંગની વિગતો શેર કરવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો હતો કે તે “એચડી નહીં, પરંતુ સારી અને સ્પષ્ટ” હોવાનું માનવામાં આવતું હતું. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે સ્ક્રીનની સાઇઝ 8 ફૂટ બાય 10 ફૂટ હતી, જે પુષ્ટિ કરે છે કે તે પઠાણ મૂવીના સ્ક્રિનિંગ માટે રેગ્યુલર મૂવી થિયેટર નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ કોઇ પણ પાકિસ્તાની કલાકાર કે ફિલ્મ આર્ટિસ્ટ સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાની ફિલ્મ નિર્માતાઓએ ભારતના કલાકારોને લઇને પણ આવો જ નિર્ણય લીધો હતો. ત્યારે એકબીજાના દેશોની ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ બંધ થઈ ગયું હતું.
અત્યારે પઠાણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત છવાઇ રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. જેમાં આમિર ખાનના દંગલ કલેક્શનની સંખ્યા પારી કરી દીધી છે અને હવે તે ભારતમાં રૂ.400 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ છે. પઠાણની ટીમે તાજેતરમાં જ સક્સેસ બેશનું આયોજન કર્યું હતું. જેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ આનંદે પઠાણમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.