New Education Policy : શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે કે, ધોરણ 1માં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવવી જોઈએ. નવી નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર, પ્રારંભિક પાંચ વર્ષની ઉંમર એ શીખવાનો મૂળભૂત તબક્કો માનવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષ પ્રિ સ્કૂલ શિક્ષણ અને તે પછી વર્ગ-1 અને 2નો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ પ્રિ-સ્કૂલથી ધોરણ 2 સુધીના બાળકોના સીમલેસ લર્નિંગ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે છે. આ ફક્ત આંગણવાડીઓ અથવા સરકારી, અર્ધ સરકારી, ખાનગી અને NGO શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રિ-સ્કૂલ શિક્ષણની ત્રણ વર્ષની સુલભતા સુનિશ્ચિત કરીને જ કરી શકાય છે.
મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનોને પ્રવેશ માટે તેમની વય નીતિમાં જરૂરી ફેરફારો કરવા અને 6 વર્ષ કે, તેથી વધુ ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
માર્ચ 2022માં લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યોમાં પ્રથમ વર્ગમાં પ્રવેશની વય મર્યાદામાં ઘણો તફાવત છે. દેશમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં બાળકોને છ વર્ષની ઉંમર પહેલા ધોરણ 1માં પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે.
વય મર્યાદા દરેક રાજ્યમાં બદલાય
આસામ, ગુજરાત, પુડુચેરી, તેલંગાણા અને લદ્દાખમાં પાંચ વર્ષના બાળકોને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપી શકાય છે. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, ઝારખંડ, કર્ણાટક અને કેરળમાં, ધોરણ 1માં પ્રવેશ માટે લઘુત્તમ વય પાંચ વર્ષથી વધુ છે.
કથળતો નોંધણી ગુણોત્તર
આ રિપોર્ટ અનુસાર, નવી શિક્ષણ નીતિ મુજબ પ્રથમ વર્ગમાં પ્રવેશની ઉંમર ન હોવાને કારણે વિવિધ રાજ્યોમાં નેટ એનરોલમેન્ટ રેશિયોના માપ પર અસર પડી રહી છે. અહેવાલ મુજબ, 28 માર્ચ 2022 ના રોજ, શિક્ષણ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, આ વિસંગતતા વય-યોગ્ય વર્ગોમાં બાળકોની નોંધણીના ખોટા અહેવાલ તરફ દોરી જાય છે.