મોસ્કો : રશિયામાં એક અણધારી ઘટનામાં વૈજ્ઞાનિકોએ ખતરનાક (Frozen Zombie Viruses) ઝોમ્બી વાયરસને જીવીત કર્યો છે. ધ સ્ટેટ્સમેન ન્યૂઝ સર્વિસના અહેવાલ મુજબ, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં થીજી ગયેલા તળાવની નીચે દટાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને પુનર્જીવિત કર્યો છે. જોકે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આબોહવાનું પરિવર્તન ઘણા ઝોમ્બી વાયરસને જન્મ આપી શકે છે જે, લાંબા સમયથી બરફમાં થીજી ગયા છે.
તમને જણાવી દઈએ કે, ઝોમ્બી વાયરસ એવો વાયરસ છે જે, બરફમાં થીજી જાય છે. જોકે, ડીપ ફ્રીઝમાં હોય, ત્યારે તેઓ એક પ્રકારની હાઇબરનેશનમાં હોય છે જે અત્યંત નીચા તાપમાનને કારણે તેમને નિષ્ક્રિય બનાવે છે. જેમ જેમ બરફ પીગળે છે અને તાપમાન વધે છે, ત્યારે વર્ષોથી બરફની અંદર ફસાયેલા વાયરસ જીવંત થાય છે.
રશિયામાં થીજી ગયેલા તળાવની નીચે પડેલા આ વાયરસને શોધનાર ફ્રેંચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ વાયરસ 48,500 વર્ષ જૂનો છે, અને તે અન્ય પ્રાણીઓ અને માણસોમાં પણ જોવા મળ્યો છે. તે મનુષ્યોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકોએ આ વાયરસનું નામ Pandora-virus રાખ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ માત્ર કુદરતી આફતોને જ નહીં પરંતુ અનેક પ્રકારના રોગચાળાઓ પણ લાવી શકે છે. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે, અને પ્રદૂષણના વધતા જતા સ્તરને કારણે વિશ્વનું તાપમાન વધી રહ્યું છે.
જેના કારણે બરફથી ઢંકાયેલા પહાડો પીગળી રહ્યા છે અને તેની નીચે ઘણા વાયરસ અને કીટાણુઓ જામી ગયા છે. જોકે, એકવાર મુક્ત થયા પછી, વૈજ્ઞાનિકો કહે છે કે, આ વાયરસ જીવંત થઈ જશે અને કોરોનાવાયરસની જેમ સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે.