અમદાવાદઃ શહેરમાં લગ્ન બાદ વિધર્મી ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મહિલા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ હતું. તેટલું જ નહીં, વાળ અને નાક કાપી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
2019માં ધમકીને વશ થઈ લગ્ન કર્યા
મળતી માહિતી પ્રમાણે, શહેરમાં રહેતી 48 વર્ષીય મહિલા વકીલાતનો વ્યવસાય કરે છે. તેના લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન બેસતા પિયર આવી ગઈ હતી અને વર્ષ 2017માં તેના પતિનું અવસાન થયું હતું. મહિલાના પિતાનો મિત્ર અવારનવાર તેના ઘરે આવતો હતો. તેનો ભાઈ પણ તેની સાથે મહિલાના ઘરે આવતો હતો. તે વારંવાર મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. મહિલાએ લગ્નની ના કહેતા આરોપીએ ‘તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં અને લગ્ન કરીશ તો તારા પિતાને મારી નાંખીશ’ તેવી ધમકીઓ આપતો હતો. જેથી મહિલાએ ધમકીને વશ થઈ વર્ષ 2019માં આરોપી સાથે સ્પેશિયલ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા.
મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા
આરોપી મહિલાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો અને મહિલા તેને વશ ન થાય તો તેની સાથે મારપીટ કરતો હતો. જેને લઇને મહિલાએ વર્ષ 2020માં પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે તે વખતે આરોપીએ માર ન મારવા અને પરેશાન ન કરવા મહિલાને વિશ્વાસમાં લેતા તેને જામીન આપવામાં મહિલાએ કોઈ વાંધો લીધો નહોતો.
એસિડ એટેક કરવાની ધમકી આપી
થોડા દિવસ પહેલાં આરોપીને તેની પત્ની સાથે બહાર ફરવાનું જવાનું હોવાથી તેન કપડા આપવા ફરિયાદી મહિલા ઘરે ગઈ હતી. ત્યારે આરોપીની પત્ની તથા સંતાનોએ મહિલાને ‘અહીં કેમ આવી’ તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને માર મારી છાતીના ભાગે અડપલાં કર્યા હતા. ત્યારબાદ આરોપીએ મહિલાને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું. અને કહ્યું હતું કે, ‘ધર્મપરિવર્તન કરીશ તો જ સ્વીકારીશું’. આ સાથે જ મહિલા પર એસિડ એટેક કરવાની ધમકી આપી વાળ અને નાક કાપી નાંખવાનું કહ્યું હતું. ત્યારે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.