સુરતઃ મેડિકલ ફિલ્ડના MBBSમાં એડમિશન અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ડિંડોલી પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ લોકોને દોઢ લાખ રોકડ સાથે દિલ્હીના નોઇડાથી ઝડપી પાડ્યા છે. આ ટોળકી બાળકોને ઓછા રેન્ક આવ્યા હોય તો પણ MBBSમાં એડમિશન આપી વાલીઓ સાથે લાખો રૂપિયા પડાવતી હતી.
જસ્ટ ડાયલમાંથી કોન્ટેક્ટ નંબર મેળવતા
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક શાળાના આચાર્યના દીકરા જેને નીટની પરીક્ષા આપી હતી, પરંતુ તેનો રેન્ક નીચે હોવાથી મેડિકલ કોલેજમાં એડમિશનની શક્યતા નહિવત્ હતી. ત્યારે ભણેલા ગણેલા કેટલાક તત્વો જસ્ટ ડાયલમાંથી આ પ્રકારના વાલીઓના કોન્ટેક્ટ નંબર લઇ વાલીઓનો સંપર્ક કરી બાળકને સારી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપશે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે.
બોગસ સંસ્થા રજિસ્ટર કરાવી હતી
ત્યારે સુરતમાં પરિવાર સાથે રહેતા અને શાળાના આચાર્ય આદ્યાપ્રસાદ ક્ષત્રિય ડિંડોલીમાં રહે છે. તેમના દીકરાને બાર સાયન્સ પછી નીટની પરીક્ષામાં ઓછા રેન્ક આવ્યા હતા. તેથી પ્રિન્સિપાલ આદ્યાપ્રસાદના દીકરા પ્રિયાંશનું એડમિશન મેડિકલ કોલેજમાં થઈ શકે તેમ નહોતું. ત્યારે ગુનાહિત તત્વએ ખોટા ID ઉપરથી ખોટી એક સંસ્થા રજિસ્ટર કરાવી હતી. આ સંસ્થાનું નામ વિનાયક એજ્યુકેશન હતું અને તેની મુખ્ય ઓફિસ ગુડગાંવ હરિયાણામાં છે.
એડમિશન માટે વાલીને ઓફિસે બોલાવતા
આ ઈસમોએ વિદ્યાર્થીના વાલીઓનો સંપર્ક કર્યો હતો. ડિંડોલીના ફરિયાદીએ તેના દીકરાને લખનઉના કિંગસ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે પહેલાં ગુડગાંવની ઓફિસે બોલાવ્યા હતા. ત્યારબાદ મેડિકલ કોલેજ એટલે કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લખનઉમાં જે દિવસે એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી તે દિવસે ફરિયાદીને બોલાવ્યા હતા. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નિર્માણ ભવનનું દિલ્હીનું એનઓસી લેટર બતાવી કોલેજનો બનાવટી એડમિશન લેટર બતાવી ફરિયાદી પાસેથી 26 લાખ 25 હજાર રૂપિયા પડાવી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
પોલીસે રૂપિયા રિકવર કરવા તજવીજ હાથ ધરી
આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમે બાતમીને આધારે નોઈડા અને દિલ્હીથી આરોપી રાહુલ ઉર્ફે ઋષભ તિવારી, મોહમ્મદ સલાઉદ્દીન ખામ અને સોએબ ઉર્ફે અભિષેક સિંગ રોજી નામના ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી દોઢ લાખ રૂપિયા રિકવર કર્યા હતા અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી
પકડાયેલા આરોપી સામે નોઈડા સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત દિલ્હી-વારાણસીમાં તેમણે આ રીતે છેતરપિંડી આચરી હતી. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં રહેતા જ્યોતિબેન ચોપડા પાસેથી તેમના દીકરાને મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવા માટે 30 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વારાણસીમાં રહેતા સાલિનીબેન દીક્ષિતના પુત્રને એમબીબીએસમાં એડમિશન આપવાના બહાને 15 લાખ રૂપિયા પડાવ્યા હતા.