Nidhi Dave, Vadodara: ભારતીય ટપાલ વિભાગ, નાની બચત યોજના અંતર્ગત આવતી વિવિધ નાણાકીય ખાતાંઓની સુવિધા ઘર ઘર સુધી પહોંચાડવા તારીખ 20 થી 24 ફેબ્રુઆરી 2023 સુધી વિશિષ્ટ શિબિર અને મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોસ્ટલ વિભાગ દ્વારા આ અભિયાન ને \”બચત બસંત મહોત્સવ\” એવું એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત ટપાલ વિભાગની દરેક પોસ્ટ ઓફિસ દરેક વર્ગના લોકોને પરવડે તેવી વિવિધ નાણાકીય ખાતાઓની માહિતી આપીને નાણાકીય રોકાણ કરવાનું વિશિષ્ટ આયોજન હાથ ધરાયું છે.
નાની બચત યોજનાં વધેલા વ્યાજના દરનો લાભ લેવા માટે અપીલ
પોસ્ટ માસ્તર પ્રીતિ અગ્રવાલે સમગ્ર જનતાને વિવિધ બચત યોજના અંતર્ગત પોતાના તેમજ પરિવારના દરેક સભ્યોના POSB ખાતા ખોલાવી પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવા તેમજ તાજેતરમાં જ ભારતીય નાણાકીય વિભાગ દ્વારા વિવિધ નાની બચત યોજનાં વધેલા વ્યાજના દરનો લાભ લેવા માટે અપીલ કરી છે.

વિવિધ યોજનાઓ જેમ કે, ટપાલ જીવન વીમો, બચત ખાતું, રીકરીંગ ડિપોઝિટ, માસિક આવક યોજના, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટલ જીવન વીમો, ગ્રામીણ ટપાલ જીવન વીમો વગેરે.

નાની બચત યોજનામાં દેશમાં ચોથા ક્રમે
અગાઉ પણ ભારતીય ટપાલ વિભાગ સમગ્ર ભારત વર્ષમાં વિવિધ નાની બચત યોજના માટે લોકો જાગૃત થાય તેમજ તેમના નાણાંની બચત માટે વિશિષ્ટ અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં તારીખ 28 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન કુલ 35 લાખ POSB ખાતાઓ ખોલ્યા છે.
જેમાં દક્ષિણ ગુજરાત રીજીયન દ્વારા કુલ 1,22,522 POSB ખાતા ખોલીને સમગ્ર ભારતમાં ચોથા ક્રમાંક સાથે ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવીને સમગ્ર ગુજરાત પોસ્ટલ સર્કલનું નામ રોશન કર્યું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દક્ષિણ ગુજરાત ટપાલ ક્ષેત્ર દેશમાં 8માં ક્રમે
તદુપરાંત તારીખ 09 અને 10 ફેબ્રુઆરી 2023 ટપાલ વિભાગ અમૃતપેક્સ – 2023 ના ઉજવણીના ભાગરૂપે દેશની દીકરીઓએ આર્થિક સલામતી પુરી પાડવાના ઉદેશથી સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાનો સંકલ્પ લીધો હતો. જેમાં સમગ્ર ભારત વર્ષમાં કુલ 10 લાખથી વધુ ખાતા ખુલ્યા. જેમાં દક્ષિણ ગુજરાત ટપાલ ક્ષેત્ર દ્વારા કુલ 28090 ખાતા ખોલીને આ અભિયાનમાં 8 મોં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.