દરેક વ્યક્તિને ખરીદી કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે મોટા ભાગના દુકાનદારો આવી નોટો લેવાનો ઇનકાર કરે છે કારણ કે પર્સમાં રાખેલી ફાટેલી નોટો કામ આવતી નથી. જો કે બેંકોમાં ખરાબ નોટો એક્સચેન્જ કરવામાં આવે છે, પરંતુ માહિતીના અભાવે કેટલાક લોકો બેંકમાં ગયા વગર જ બજારોમાં બેઠેલા દલાલો પાસેથી નોટો બદલી લે છે. જો કે, તેના બદલામાં દલાલો તેમને ઓછા પૈસા આપે છે.
જો તમારી પાસે પણ ફાટેલી જૂની નોટો છે, તો તમે બેંકમાં જઈને સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ જો કોઈ બેંક આવું કરવાનો ઈન્કાર કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. જો બેંક ફાટેલી નોટ બદલતી નથી, તો ગ્રાહક RBIની સત્તાવાર વેબસાઇટ પર તેના વિશે ઓનલાઈન ફરિયાદ કરી શકે છે.
ફાટેલી નોટો પર આરબીઆઈના નિયમો
રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ ફાટેલી નોટો બદલવાની એક નિશ્ચિત મર્યાદા છે. એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટો બદલી શકે છે, પરંતુ તેની કુલ કિંમત 5,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તેમજ ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો બેંકમાં બદલી શકાતી નથી, કારણ કે તે ફક્ત આરબીઆઈની ઇશ્યૂ ઓફિસમાં જ જમા કરી શકાય છે.
જેટલી નોટ ફાટેલી તેટલી કિંમત આવશે
ફાટેલી નોટ બદલવા માટે તેને કેટલા પૈસા મળશે તે નોટ કેટલી ફાટી છે તેના પર નિર્ભર કરે છે. જો 2000 રૂપિયાની નોટ 88 ચોરસ સેન્ટિમીટરની હશે તો તેની સંપૂર્ણ કિંમત આપવામાં આવશે. જો 44 ચોરસ સેન્ટિમીટર હશે તો અડધી રકમ આપવામાં આવશે. એ જ રીતે 200 રૂપિયાની ફાટેલી નોટનું 78 ચોરસ સેન્ટિમીટર સુરક્ષિત હોય તો પૂરા પૈસા મળી જશે, પરંતુ 39 ચોરસ સેન્ટિમીટર પર અડધા પૈસા જ મળશે.
આરબીઆઈનું કહેવું છે કે જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકાય છે અને આ માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસૂલતી નથી. પરંતુ, જો નોટ ખરાબ રીતે બળી ગઈ હોય અથવા તેના ઘણા ટુકડા થઈ ગયા હોય, તો આવી સ્થિતિમાં નોટ બદલી શકાશે નહીં. કારણ કે જો બેંક અધિકારીને લાગે છે કે નોટ ફાડવામાં આવી છે તો બેંક તેને સ્વીકારતી નથી.