નવી દિલ્હીઃ વિશ્વના ત્રણ મોટા નેતાઓ આગામી થોડા દિવસોમાં ભારતની મુલાકાતે આવવાના છે. તેમાં પહેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ 25-26 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાત લેશે. ત્યારબાદ 2 માર્ચે ઇટાલીના નવા ચૂંટાયેલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમની પ્રથમ ભારત મુલાકાતે 8 માર્ચે નવી દિલ્હી પહોંચશે.
ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલરનું પદ સંભાળ્યા બાદ સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જેમાં તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને તાજેતરમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી બે વખત જર્મનીની મુલાકાત લઈ ચૂક્યા છે, તેથી ઓલાફે ભારત આવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અમે તેમની સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરીશું.’
ઇટાલીના પીએમની ભારત મુલાકાત
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પછી ઇટાલીના નવા ચૂંટાયેલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની 2 માર્ચે નવી દિલ્હીની મુલાકાત લેશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મેલોનીની આ પ્રથમ ભારત મુલાકાત હશે. આ મુલાકાતમાં મેલોની તેમના ભારતીય સમકક્ષ પીએમ નરેન્દ્ર મોદીને મળશે. એવું માનવામાં આવે છે કે, આ દરમિયાન બંને દેશો વેપાર અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા ઉપરાંત આતંકવાદ સામેની લડાઈ સહિત તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વાતચીત કરશે.
ઓસ્ટ્રેલિયન પીએમ દિલ્હી આવશે
ત્યારપછી 8 માર્ચે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ તેમની પ્રથમ ભારત મુલાકાતે આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ગયા વર્ષના અંતમાં ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટમાં બંને દેશોના વડાઓ મળ્યા હતા. તે દરમિયાન ભારતની મુલાકાત અંગે જાહેરાત કરતી વખતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું હતું કે, ‘હું માર્ચમાં ભારતની મુલાકાત લઈશ. અમે એક વેપારી પ્રતિનિધિમંડળને ભારત લઈ જઈશું અને તે એક મહત્વપૂર્ણ મુલાકાત હશે અને અમારા બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.’
G-20ના વિદેશ પ્રધાનોની બેઠક
આ રાજ્યોના વડાઓ ઉપરાંત ભારતની અધ્યક્ષતામાં G-20 દેશોના વિદેશ પ્રધાનોની બેઠક પણ દિલ્હીમાં 1-2 માર્ચે યોજાશે. રશિયા, અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત તમામ G-20 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો આ બેઠકમાં ભાગ લેશે અને ભારતની અધ્યક્ષતામાં G-20 સંબંધિત એજન્ડા પર ચર્ચા કરશે.