અમદાવાદ: પાકિસ્તાન પ્રિમિયર લીગ ટી-20 મેચ પર સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે ગોતામાંથી ધરપકડ કરી લીધી છે. ગઇકાલે પાકિસ્તાનમાં કરાચી કિંગ તથા ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમ વચ્ચે મેચ હતી. જેમાં બુકી પોતાના ઘરમાં બેસીને ફોન પર સટ્ટ રમાડતો હતો, ત્યારે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાંચની રેડ દરમિયાન હીસાબની ડાયરી તેમજ ત્રણ બુકીઓના નામ પણ ખુલ્યા છે.
મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી લીધો
ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગોતા વિસ્તારમાં આવેલા એરીસ્ટો બ્લીસ નામના ફ્લેટમાં રહેતો નવીન ઉર્ફે લાલો ઠક્કર પાકિસ્તાન પ્રિમયર લીગ ટી-20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં નવીન ઉર્ફે લાલા ઠક્કરને મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી લીધો હતો. ગઇકાલે કરાચી કિંગ તથા ઇસ્લામાબાદ યુનાઇટેડની ટીમ વચ્ચેની મેચ હતી અને નવીન ફોન પર ભાવ લખાવતો હતો.
આરોપી પાસેથી એક ડાયરી મળી આવી
ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી છે. જેની પાસેથી એક ડાયરી મળી આવી છે. નવીન સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જ્યારે આઇપીએલ કે પછી ભારતની કોઇપણ મેચ હોય ત્યારે તે ઓનલાઇન સટ્ટો રમાડે છે, પરંતુ જ્યા બીજા દેશની મેચ હોય ત્યારે તે ફોન પર સટ્ટો રમડતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે નવીનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નવીનની ધરપકડ બાદ મોટા ગજાના બુકીઓનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, થોડા દિવસો પેહલા ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સટ્ટા રેકેટનો ખુલાસો કર્યો હતો. જેમાં વિદેશથી બેઠા-બેઠા સટ્ટો ચલાવવામાં આવી રહ્યો હતો અને જેમાં કરોડો રૂપિયાની બેંકની માહિતી મળી આવી હતી. જેમાં આઇટી, ઇડી સહિત અન્ય લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે.