મહાશિવરાત્રિ હિન્દુ પરંપરાનો ખૂબ જ મોટો તહેવાર છે. આ દિવસે ભગવાન શિવના લગ્ન થયા હોવાનું પણ માનવામાં આવે છે. મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સુખ મેળવી શકે છે. આ વખતે 18 ફેબ્રુઆરીએ શિવરાત્રિ નો મહાપર્વ ઉજવવામાં આવશે. શું તમે જાણો છો કે સિંદૂર, હળદર કે તુલસીના પાન ભગવાન શિવને ક્યારેય ચઢાવવામાં આવતા નથી. આ સિવાય શિવલિંગ પર શંખથી જળ ચઢાવવાની પણ મનાઈ છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં અમે તમને આ પાછળનું કારણ જણાવીએ.
શિવલિંગ પર કેમ નથી ચડાવાતો સિંદુર
ભગવાન શિવની પૂજા સમયે શિવલિંગ પર બેલપત્ર, ભાંગ, ધતુરા, તેનું શ્રીફળ વગેરે સામગ્રી ચઢાવવામાં આવે છે. પરંતુ સિંદૂર ક્યારેય ચઢાવવામાં આવતું નથી. વાસ્તવમાં હિંદુ ધર્મમાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે, જ્યારે ભગવાન શિવનું એક સ્વરૂપ સંહારક પણ માનવામાં આવે છે. તેના વિનાશક સ્વભાવના કારણે શિવલિંગ પર સિંદૂર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે.
શિવલિંગ પર કેમ નથી ચડાવાતી હળદર
હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આમ છતાં શિવ પૂજામાં તેનો ઉપયોગ થતો નથી. શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પુરુષ તત્વનું પ્રતિક છે અને હળદરનો સંબંધ મહિલાઓ સાથે છે. આ જ કારણ છે કે ભોલેનાથને હળદર ચઢાવવામાં આવતી નથી. માત્ર મહાશિવરાત્રિ પર જ નહીં, ભગવાન શિવ કે શિવલિંગને અન્ય કોઈ પ્રસંગે હળદર ચઢાવવામાં આવતી નથી.
શિવલિંગ પર કેમ નથી ચડાવાતી તુલસી
તુલસીનો આગલા જન્મમાં રાક્ષસના કુળમાં જન્મ થયો હતો. તેમનું નામ વૃંદા હતું, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. વૃંદાના લગ્ન રાક્ષસ રાજા જલંધર સાથે થયા હતા. જલંધનને તેની પત્નીની ભક્તિ અને વિષ્ણુ કવચને કારણે અમરત્વનું વરદાન મળ્યું હતું. એકવાર જ્યારે જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, ત્યારે વૃંદા પૂજામાં બેસી ગઈ અને તેના પતિની જીત માટે અનુષ્ઠાન કરવા લાગી. ઉપવાસની અસરથી જલંધર હારતો ન હતો. ત્યારે ભગવાન શિવે તેનો વધ કર્યો. વૃંદાને તેના પતિના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું અને તેણે ગુસ્સે થઈને શિવજીને શ્રાપ આપ્યો કે તેમની પૂજામાં તુલસી દળનો ઉપયોગ ક્યારેય નહીં થાય.
શંખથી ન કરો શિવલિંગનો જળાભિષેક
શિવલિંગ પર ક્યારેય પણ શંખથી જળ ચઢાવવું જોઈએ નહીં. શંખનો ઉપયોગ દરેક દેવતાની પૂજામાં થાય છે, પરંતુ તેનો ઉપયોગ મહાદેવની પૂજામાં ક્યારેય થતો નથી. શિવપુરાણ અનુસાર, શંખચૂડ એક શક્તિશાળી રાક્ષસ હતો, જેનો ભગવાન શિવે પોતે વધ કર્યો હતો. એટલા માટે મહાશિવરાત્રી પર ક્યારેય શિવલિંગને શંખથી જળ ચઢાવવામાં આવતું નથી.