અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક યુવકનો નાનો ભાઇ સોસાયટીમાં રહેતી એક યુવતીને ભગાડી લઇ જતા મામલો બિચક્યો હતો. યુવતીના ઘરવાળાઓ આ યુવકના ઘરે ગયા અને બબાલ કરી મારામારી કરી અમારી છોકરી ક્યાં છે તેમ કહી માથાકૂટ કરી હતી. બાદમાં યુવતીને ભગાડી લઇ જનાર યુવકના ભાઇનું અપહરણ કરી તેને દહેગામ પાસે કોઇ કેનાલ પર લઇ જઇ ફેંકી દેવાની ધમકીઓ આપી હતી. જોકે બાદમાં બંને પક્ષે સમાધાન થયું હતું પણ ફરી ધમકીઓ મળતા હવે યુવકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ન્યુ રાણીપમાં રહેતા એક યુવકનો નાનો ભાઇ તેમની જ સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે ગત 5મીના રોજ ભાગી ગયો હતો. જે બાબતે તેઓના પિતાએ ગુમ થવાની જાણવા જોગ પણ પોલીસને આપી હતી. બીજે દિવસે એટલે કે તા.6ના રોજ બપોરે યુવક તેમના પરિવારજનો સાથે ઘરે હાજર હતા ત્યારે યુવતીના મામા તથા અન્ય પરિવારજનો ત્યાં આવ્યા હતા. તે લોકોએ અમારી દીકરીને હાજર કરવાનો બે વાગ્યા સુધીનો ટાઇમ આપ્યો હતો તે પુરો થઇ ગયો તો પણ અમારી દીકરીને હાજર કરી નહિ.
અમારી દીકરીને હાજર કરો તેવું કહેતા યુવકે કહ્યું કે, અમને તમારી દીકરી તથા અમારો દીકરો ક્યાં છે તેની જાણ નથી, જાણવા મળશે તો જણાવીશું. આ દરમિયાન જ યુવતીના ઘરના લોકોએ યુવકના ફોઇના દીકરાને લાફો મારી દીધો હતો અને તેવામાં દસથી પંદર લોકો આવી ગયા હતા જે લોકોએ બબાલ કરી મારામારી કરી હતી.
બાદમાં યુવતીના ઘરના લોકો યુવકને ગાડીમાં નાંખી લઇ ગયા હતા. યુવકની બહેનને ફોન કરાવી હવે હું પાછો નહિ આવું તેમ કહેવડાવી દહેગામ હાઇવે પર લઇ ગયા હતા. ત્યાં નર્મદા કેનાલ પાસે ગાડી ઉભી રાખી યુવકને માર મારી કેનાલમાં નાખી દેવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. બાદમાં યુવકને ઘરે લઇ આવી ઉતારી દીધા અને કોઇને કહીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
બાદમાં બંને પક્ષે સમાધાન થયું હતું અને છોકરીના ઘર વાળાઓએ ફરી આડકતરી રીતે ધમકીઓ આપતા યુવકે બે લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.