અમદાવાદ: રોડ ઉપર કોઇપણ યુવકો ફોટોગ્રાફ્સ પાડવા માટે તમારું વાહન ઉભું રાખે તો ચેતી જજો. નહીંતર તમારા ખિસ્સામાં રહેલા રૂપિયા તેમજ મોબાઇલ ફોન લૂંટાઇ જશે. અમારા ફોનમાં ફોટા સારા નથી આવતા, જેથી તમારા ફોનથી ફોટો ખેંચીને અમને મોકલોને, તેવું કહીને વાહનચલાકોને લૂંટતી ગેંગ સક્રિય થઇ છે. ગઇકાલે બાપુનગર ઓવરબ્રીજના મધ્યમાં મોડીરાતે ફોટો પાડવાની બબાતે બે યુવકોના ગળા પર છરી મુકીને લૂંટી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બન્ને લૂંટારૂ શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ઓવરબ્રિજની વચ્ચે જ બે શખ્સોએ ઊભા રાખ્યા હતા
ગોમતીપુરમાં આવેલા પાકવાડામાં રહેતા એજાજખાન પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મોહમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમ ભાડભુજ (રહે, મણીનાલની ચાલી, બાપુનગર) અને મોહમદ અરશદ ઉર્ફે અન્ની પઠાણ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. શનિવારની રાતે એજાજખાન લગ્ન પ્રસંગમાં હાજરી આપીને રાતે તેના મિત્ર તોસીફ એક્ટીવાનું પેટ્રોલ પુરાવવા માટે ગયો હતો. પેટ્રોલ પુરાવીને તે ઓવરબ્રિજના મધ્યમાં પહોચ્યો ત્યાં બે શખ્સો બાઇક લઇને ઉભા હતા. જેમાંથી એક શખ્સે હાથ બતાવીને એક્ટીવા ઉભું રાખવાનું કહ્યું હતું. બન્ને શખ્સો પૈકી એક શખ્સે કહ્યું કે, અમારા ફોનમાં ફોટા સારા નથી આવતા જેથી તમારા ફોનથી ફોટો ખેંચીને અમને મોકલોને.
એજાજખાન અને તોસીફે તેમનું એક્ટીવા ઉભી રાખ્યું હતું અને તેમના મોબાઇલમાં ફોટો પાડતા હતા, ત્યારે એક શખ્સે કહ્યું હતું કે સરવર ઇનકો લૂંટ લેતે હે. બન્ને શખ્સોએ તેમની પાસે રહેલી છરી કાઢી હતી અને એજાજખાન અને તોસીફના ગળા પર મૂકી દીધી હતી. બન્ને શખ્સોએ કહ્યું હતું કે, તામારા ખિસ્સામાં જે કઇ હોય તે અમને આપી દો. એજાજખાને જીવ બચાવવા માટે મોબાઇલ ફોન અને 1500 રૂપિયા આપી દીધા હતા. બન્ને શખ્સો બાઇક લઇને ત્યાથી નાસી ગયા હતા જ્યારે બીજા દિવસે એજાજખાને તેની રીતે તપાસ કરી હતી.
આરોપીઓ ધારદાર છરી બતાવીને લૂંટે છે
લૂંટ કરતી વખતે એક શખ્સે સરવર નામ આપ્યુ હતું જેના આધારે એજાજખાનને ખબર પડી હતી કે, બાપુનગરમાં સરવર ઉર્ફે કડવો રહે છે જે તેના મિત્ર મોહમદ અરશદ સાથે મળીને આવી રીતે લૂંટની ઘટનાને અંજામ આપે છે. એજાજખાને આ મામલે બાપુનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અરશદ અને સરવર ફોટો ગ્રાફ્સ પાડવાના બહાને રાહદારીઓને ઉભા રાખે છે અને બાદમાં ધારદાર છરી બતાવીને લૂંટી લે છે.