ધર્મ ડેસ્ક: હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક (Holastak 2023) કહેવાય છે. હોળાષ્ટકના 8 દિવસ અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ, વિદાય જેવા કોઈ શુભ કાર્ય નથી કરવામાં આવતા. નવા કામની શરૂઆત પણ થતી નથી. હોળાષ્ટક ફાગણ માસના શુક્લ પક્ષની આઠમના દિવસે શરૂ થાય છે અને ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે હોલિકા દહન (Holika Dahan) સુધી ચાલે છે. ત્યારે આ વર્ષે હોળાષ્ટક ક્યારે શરૂ થઈ રહ્યું છે? ક્યારે સમાપ્ત થશે અને આપણે હોળાષ્ટકને અશુભ શા માટે માનીએ છીએ? તે અંગે કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
હોળાષ્ટક 2023ની શરૂઆત આ દિવસે થશે
આ વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીને સોમવારથી શરૂ થઈ રહ્યું છે. પંચાગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 12:58 વાગ્યે શરૂ થાય છે અને 28 ફેબ્રુઆરીએ સવારે 02:21 વાગ્યે સમાપ્ત થશે. ફાગણ અષ્ટમી 27 ફેબ્રુઆરીએ થશે, આ દિવસથી હોળાષ્ટક શરૂ થશે.
હોળાષ્ટક પર ભદ્રા
27 ફેબ્રુઆરીએ હોલાષ્ટકના પ્રારંભના દિવસે પણ ભદ્રા છે. તે દિવસે ભદ્રા સવારે 06.49થી બપોરે 01.35 વાગ્યા સુધી રહેશે. હોળાષ્ટક અને ભદ્રા બંને અશુભ ફળ આપનાર છે.
હોળાષ્ટક 2023નું સમાપન
હોલાષ્ટક 2023નું સમાપન 7 માર્ચ, મંગળવારના રોજ થશે. તે દિવસે ફાલ્ગુન પૂર્ણિમા છે. ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 6 માર્ચે સાંજે 04:17 વાગ્યે શરૂ થાય છે અને 7 માર્ચે સાંજે 06:09 વાગ્યે સમાપ્ત થાય છે.
હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી 07 માર્ચ સુધી
હોળાષ્ટક 8 દિવસે હોય છે. પરંતુ કેટલીક વખત તિથિઓનો સમય ઓછો અને વધુ હોય છે તો તે 8 કે 9 દિવસનો થઈ જાય છે. આ વર્ષે હોળાષ્ટક 9 દિવસનું છે.
શા માટે અશુભ છે હોળાષ્ટક?
દંતકથા અનુસાર, ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્પે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ફાગણ શુક્લ અષ્ટમીથી ફાગણ પૂર્ણિમા સુધી વિષ્ણુભક્ત પ્રહલાદને મારવા માટે અનેક પ્રકારના દુ:ખ આપવામાં આવ્યા હતા. પોતાના ભાઈના કહેવાથી હોલિકાએ ફાગણ પૂર્ણિમાના દિવસે પ્રહલાદને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મૃત્યુ પામી હતી અને પ્રહલાદ બચી ગયો હતો. પ્રહ્લાદને અષ્ટમીથી પૂર્ણિમા સુધી 8 દિવસમાં અનેક પ્રકારના ત્રાસ આપવામાં આવ્યા હતા. તેથી હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે.
અન્ય એક કથા મુજબ ફાગણ શુક્લ અષ્ટમીના દિવસે ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કરી દીધા હતા. તે દરમિયાન તેમની પત્ની રતિ તેમની સાથે હતી અને બંનેએ ભગવાન શિવનું ધ્યાન ભટકાવી દીધું હતું. જ્યારે કામદેવ ભસ્મ થયા ત્યારે રતિએ શિવ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારે તેમણે કામદેવને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેવાના આશીર્વાદ આપ્યા. ત્યારથી કામદેવ બ્રહ્માંડમાં ભાવ રૂપમાં હાજર છે. રતિ કામદેવને ગુમાવવાથી દુ:ખી હતી. ત્યારબાદ ફાગણ શુક્લ અષ્ટમીથી પૂર્ણિમા સુધી રતિએ પશ્ચાત્તાપ કર્યો, જેના કારણે હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે.