અમદાવાદ: શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. તાજેતરમાં કાલુપુરમાં કેટલાક શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભરચક વિસ્તારમાં આ પ્રકારની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ ગોમતીપુરમાં પણ એક સગીરની હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો, ત્યારે વસ્ત્રાપુરમાં પાણી માટે ગાળો બોલનારને પાવડો મારી હત્યા કરી દેનારને હજુ ધરપકડ થઈ ત્યાં જમાલપુરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આમ શહેરમાં ઉપરા છાપરી એક બાદ એક હત્યાના બનાવ બનતા શહેર પોલીસની સાથે-સાથે ક્રાઇમ બ્રાન્ચની પણ ગુનેગારો પરની પકડ ક્યાંક ઢીલી થતી હોય તેવું લાગી રહ્યું છે. એક સમય હતો કે ગુનેગારો પર મજબૂત પકડ રાખનાર અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં હતા પણ હાલના સમયમાં આવા અધિકારીઓ ન હોવાનો ગેરલાભ પણ અમદાવાદ પોલીસ માટે દેખાઈ રહ્યો છે.
પોલીસ ચોકી પાસે જ ફૂટપાથ ઉપર ભરતની લાશ પડેલી હતી
મૂળ મહેસાણાના માલાપુર ગામમાં રહેતા સતિષભાઈ પરમાર છૂટક મજૂરી કામ કરે છે. તેમનો એક ભાઈ ભરત છેલ્લા પાંચ વર્ષથી ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો હતો અને ત્યાર બાદ ભરત બે ચાર છ મહિને ઘરે આવતો હતો અને શું કામ કરે છે, ક્યાં રહે છે, જે બાબતે પરિવારજનો પૂછે તો કોઈ જવાબ આપતો નહીં અને થોડા દિવસ રોકાઈ પાછો જતો રહેતો હતો. ગુરૂવારના રોજ સતિષભાઈ મજૂરી અર્થે કલોલના વડસર ગામે હતા. તે દરમિયાન તેમના પિતાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, જમાલપુરથી પોલીસવાળા ભાઈનો ફોન આવ્યો હતો અને ભરતનું મરણ થયું હોવાનું જણાવ્યું છે. જેથી તાત્કાલિક સતિષભાઈ અમદાવાદ આવા નીકળી ગયા હતા. જમાલપુર જગન્નાથ મંદિરના ગેટ નંબર એક અને બેની વચ્ચે એટલે કે પોલીસ ચોકી પાસે જ ફૂટપાથ ઉપર ભરતની લાશ પડેલી હતી અને પોલીસે તેની કાર્યવાહી કરી હતી.
હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ
તે દરમિયાન પોલીસે સતિષભાઈને જણાવ્યું હતું કે, ભરતને કોઈ શખ્સે છરીના ઘા મારતા તેનું મૃત્યુ થયું છે. સમગ્ર બાબતને લઈને હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.