સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. આવામાં સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં (Surat News) નોંધાયેલા હત્યાના ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ ઓડિશાનો રહેવાનું હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2013માં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ હત્યાના ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ઓડિશાના ગંજામ જિલ્લામાંથી આરોપી શિવા પાત્રની ધરપકડ કરી છે.
મિત્રએ મિત્રની કરી હતી હત્યા
આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, વર્ષ 2013માં સુરતના પાંડેસરાના જય અંબેનગર પાસે બમરોલી ગામ ચાર રસ્તા નજીક જાહેરમાં તેને મિત્ર સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ઝઘડાના પંદર દિવસ પછી શિવા પાત્ર નામના શખ્સે બુધિયા રાઠોડ નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી ગુનો કર્યા બાદ ક્યાં-ક્યાં સંતાયો હતો?
પોલીસ પકડમાં આવેલો આરોપી ગુનો કર્યા બાદ ક્યાં-ક્યાં સંતાયો હતો, કોની-કોની મદદ લીધી હતી અને આ ઘટનામાં અન્ય કોઇ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તે સાથે પકડાયેલા આરોપીનો ઓડિશા રાજ્યમાં કયા પ્રકારનો ગુનાહિત ઇતિહાસ છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હવે જોવાનું રહ્યું કે આરોપી વિરુદ્ધ તપાસમાં કેટલા ગુના સામે આવે છે.