મુંબઈઃ નોરા ફતેહી સલમાન ખાનના રિયાલિટી શો બિગબોસથી ચર્ચામાં આવી હતી. બિગ બોસ સીઝન 10માં નોરા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસ હાઉસમાં આવી હતી. ભલે તે આ શોની વિજેતા ન બની, પરંતુ તે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. બિગ બોસના ઘરમાંથી બહાર કાઢ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ તેને દિલ ખોલીને અપનાવી. આજે જ્યારે ઈન્ડસ્ટ્રીના ટોપ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. નોરા હવે ભારતની ‘દિલબર ગર્લ’ બની ગઈ છે.
આજે નોરા ફતેહીનો જન્મદિવસ છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1991ના રોજ કેનેડાના ક્વિબેક શહેરમાં થયો હતો. આજે તે 31 વર્ષની થઈ ગઈ છે. નોરા 2014થી હિન્દી સિનેમા સાથે સંકળાયેલી હોવા છતાં, સફળતા તેને 2018માં ‘સત્યમેવ જયતે’ના ગીત ‘દિલબર દિલબર’થી મળી. આ ગીત બાદ તે દર્શકોના દિલો દિમાગ પર છવાઈ ગઈ છે.
કેનેડાથી ભારત આવી ત્યારે…
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નોરા કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા, પરંતુ આજે તે કરોડપતિ છે. એકવાર નોરાએ બોલિવૂડલાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં તેના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો હતો. રિપોર્ટ અનુસાર નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે ભારત આવી હતી ત્યારે તેણી માત્ર 5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી. જોકે, તે જે એજન્સીમાં કામ કરતી હતી, તેને અઠવાડિયાના 3000 રૂપિયા મળતા હતા. એ જ 3000 માં તેણે પોતાની દિનચર્યા મેનેજ કરવી પડી.
કરોડોની માલકિન છે નોરા
નોરાની શરુઆતી જર્ની ભલે સંઘર્ષ ભરેલી રહી હોય પરંતુ, આજે નોરા કરોડોની માલકિન છે. Oprice.com અનુસાક 2022માં ડાન્સિંગ સેન્સેશન નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ્સ અનુસાર, નોરા એક પરફોર્મન્સના 40 થી 50 લાખ રુપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર નોરાએ ગુરુ રંધાવાના ગીત ‘નાચ મેરી રાની’ માટે 45 લાખ રુપિયા ચાર્જ કર્યા હતાં. અટકળોની માનીએ તો નોરા ભારતની સૌથી વધારે ફીસ લેતી ડાન્સર છે. સાથે જ તેણી સૌથી વધારે ઈન્કમ ટેક્સ ભરનાર એક્ટ્રેસની લિસ્ટમાંની એક પણ છે.
નોંધનીય છે કે નોરા આ દિવસોમાં 200 કરોડની છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે ચર્ચામાં છે. નોરાનું નામ સુકેશ સાથે જોડવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સુકેશે નોરાને ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી છે.