ગોરખપુર: યુપીના ગોરખપુરમાં એક યુવકના ભયાનક કૃત્યથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ખરેખરમાં યુવકે પત્ની સહિત બે બાળકોની હત્યા કર્યા બાદ પોતાને સળગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાંથી 4 લોકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક વિખવાદના કારણે યુવકે આખો પરિવાર બરબાદ કર્યો હોવાની આશંકા છે. ત્યાં જ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ તપાસમાં જોડાઈ હતી.
આ મામલો ગોલા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી ગામનો છે, જ્યાં શનિવારે મોડી રાત્રે શાકભાજી વેચનાર એક યુવકની પત્ની અને બે બાળકોનું સળગી જવાથી મૃત્યુ થયું હતું. રવિવારે સવારે રૂમમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકો અંદર ગયા ત્યારે ચારેયના મૃતદેહ એક જ પલંગ પર પડેલા હતા. માહિતી મળતા પોલીસ પહોંચી અને તપાસમાં લાગી ગઈ હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ગામના લોકો પારિવારિક વિખવાદની વાત કરી રહ્યા છે. આ બનાવથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
હત્યા બાદ ઘરમાં આગ લગાવી હોવાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ગામના ઈન્દ્ર બહાદુર મૌર્ય શાકભાજી વેચતા હતા. ગ્રામજનોનું કહેવું છે કે તેની પત્ની સાથે તેને અવારનવાર ઝઘડો થતો હતો. રવિવારે સવારે તેના ઘરમાંથી ધુમાડો નીકળતો હતો. જ્યારે બાજુના લોકોએ ગેટ તોડીને જોયું તો ઈન્દ્ર બહાદુર, પત્ની સુશીલા દેવી, પુત્રી ચાંદની અને પુત્ર આર્યનના સળગેલા મૃતદેહો એક જ પલંગ પર પડ્યા હતા. મહિલાના શરીર પર ઘણી જગ્યાએ વાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. એવી આશંકા છે કે પત્ની અને પુત્રીઓની હત્યા કર્યા બાદ પતિએ ઘરમાં આગ લગાવી દીધી હતી.