ચેન્નાઈ : તામિલનાડુના ક્રિષ્નાગિરી જિલ્લામાં સેંકડો ગ્રામવાસીઓએ ચેન્નાઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો હતો કારણ કે તેઓને બળદ-ઉછેર કાર્યક્રમ જલ્લીકટ્ટુનું આયોજન કરવાની પરવાનગી ન આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ દરમિયાન પ્રદર્શનકારીઓ પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા.
હિંસક પ્રદર્શનમાં ઓછામાં ઓછા 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ક્રિષ્નાગિરી જિલ્લાના હોસુર નજીકના કામન્થોટી વિસ્તારમાં, વહીવટીતંત્રને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો જ્યારે તેઓને જલ્લીકટ્ટુ ઇવેન્ટ માટે પરવાનગી મળી ન હતી.
આ દરમિયાન, વાયરલ થયેલા એક વીડિયોમાં લોકોનું એક મોટું જૂથ પોલીસ વાન સહિતના વાહનો પર પથ્થરમારો કરતા જોવા મળે છે. લોકો આજે સવારે શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને બપોર સુધી તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. દેખાવોના જવાબમાં, પોલીસે કથિત રીતે ટીયર ગેસના શેલ છોડ્યા અને કેટલાક વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો. મળતી માહિતી મુજબ પહેલા કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને ના પાડી દેવામાં આવી હતી.
નારાજ પાર્ટિસિપન્ટ્સ અને ગેમ જોવા આવેલા લોકોએ નેશનલ હાઈવે બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ વિરોધ હિંસક બન્યો અને પોલીસને ભીડ સામે બળપ્રયોગ કરવાની ફરજ પડી. ઓછામાં ઓછા 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને વિરોધને કારણે ચેન્નાઈ-બેંગલુરુ નેશનલ હાઈવે પર 10 કિલોમીટર સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. ભારે વિરોધ પછી, સ્થાનિક સત્તાવાળાઓએ ભીડને કાબૂમાં રાખતા, ઇવેન્ટ યોજવા માટે બે કલાકનો સમય આપ્યો. આ પછી તરત જ ટ્રાફિકની અવરજવર પણ નિયંત્રિત કરવામાં આવી હતી.