લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં શરદી-ખાંસી, ફ્લૂ અને ફેફસાં સાથે જોડાયેલી સમસ્યાઓ વધારે થાય છે. આમાં નાના બાળકો પણ ઝડપથી આ બીમારીઓનો શિકાર બને છે. આ સાથે ઠંડીમાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડે છે જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઝડપથી એન્ટ્રી કરે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો ચ્યવનપ્રાશનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. અનેક ઘરોમાં બાળકો તેમજ મોટા લોકો ઠંડીમાં દરરોજ ચ્યવનપ્રાશ ખાતા હોય છે.
ચ્યવનપ્રાશ ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને સાથે શરદી-ખાંસી જેવી બીમારીની ઝપેટમાં પણ જલદી આવતા નથી. તમને જણાવી દઇએ ચ્યવનપ્રાશ અનેક પ્રકારની જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. આ એક આર્યુવેદિક સપ્લીમેન્ટ છે.
જો કે આ વાત દરેક લોકોએ જાણવા જેવી છે કે આજના આ સમયમાં બજારમાં નકલી ચ્યવનપ્રાશ પણ મળે છે. આ ચ્યવનપ્રાશ શરીરને ફાયદો નહીં પરંતુ નુકસાન પહોંચાડે છે. આમ, જ્યારે તમે ચ્યવનપ્રાશ લેવા જાવો ત્યારે ખાસ જાણી લો કે અસલી છે કે નકલી..તો જાણો કેવી રીતે ઓળખશો. indiatv.in અનુસાર આર્યુવેદિક એક્સપર્ટ ડો.વેદવ્યાસ શાસ્ત્રી જાણો આ વિશે શું કહે છે.
આ રીતે નકલી ચ્યવનપ્રાશની ઓળખ કરો
ડો.વેદવ્યાસ શાસ્ત્રી જણાવે છે કે સામાન્ય રીતે ચ્યવનપ્રાશ 50 કરતા પણ વધારે જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે. જેમાં આંમળા, પિપળી, દેસી ઘી, તજ, જાયફળ, સૂંઠ, કાળા મરી, લવિંગ જેવી અનેક વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. આ માટે તમે ચ્યવનપ્રાશ લેતા પહેલાં એની ચાખીને મીઠાસ ચેક કરી લો. મીઠાસમાં તમને ખાંડ જેવુ લાગે છે તો એ નકલી છે.
આ સાથે જ તમે બીજી એ રીતે જાણો કે ચ્યવનપ્રાશ ખાસ કરીને ઘી અને ગોળમાંથી બને છે. ઘી અને ગોળ દૂધ તેમજ પાણીમાં ક્યારે પણ ભળતા નથી, એ ઉપર તરે છે. એવામાં તમે ચ્યવનપ્રાશને પાણીમાં નાંખો છો અને એ ભળી જાય છે તો સમજી લો એ નકલી છે, પરંતુ તમે જે ચ્યવનપ્રાશ લાવો છો એ પાણીમાં ભળતો નથી તો સમજી લો કે એ અસલી છે. આ માટે તમે જ્યારે પણ બજારમાંથી ચ્યવનપ્રાશ લો ત્યારે આ રીતે ખાસ ચેક કરી લો.