અમદાવાદ: અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હતો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીનું નામ આશિષ છે. આશિષ મૂળ યુપીના બલિયા જિલ્લાનો રેહવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો, પરંતુ તેની ચાલાકી કામ ના આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, તે એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલાના દિયર ઓમપ્રકાશને થઈ હતી. જેથી ઓમપ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે, તે તેની ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે. જેથી બદલો લેવા માટે તેણે આવું કર્યું હતું.
એક તરફી પ્રેમમાં લખાયો બોંબ વિસ્ફોટનો પત્ર ! નડતરરૂપ દિયરને ફસાવવા યુવકે લખ્યો હતો પત્ર#Gujarat #Ahmedabad pic.twitter.com/1ZqleHKqkh
— News18Gujarati (@News18Guj) January 31, 2023
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો અને જેમાં 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, પત્રમાં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઇલ નંબર પણ લખવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરતા ઇસનપુર ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, ઓમપ્રકાશ 22મી જાન્યુઆરીના રોજ 10 દિવસ માટે વતન ગયો છે.
ભાભીને છેલ્લા 1 વર્ષથી એક તરફી પ્રેમ કરતો હતો
પોલીસે તપાસ કરતા મૂળ આરોપી આશિષ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી ઓમપ્રકાશની ભાભીને છેલ્લા 1 વર્ષથી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇને ઓમપ્રકાશ સાથે તેનો ઝગડો થયો હતો. 20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલ્વે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપ્યો હતો.
આવી રીતે ભાભી સાથે થઇ હતી મુલાકાત
નોંધનીય છે કે, આરોપી આશિષ યુપી, હરિયાણા સહિત ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ નોકરી કરી ચૂક્યો છે. જ્યારે તે બલિયામાં એક પેથોલોજીમાં કામ કરતો હતો ત્યારે ઓમપ્રકાશની પથરીની સારવાર માટે તે પોતાની ભાભીને લઈને ગયો હતો, ત્યાં આરોપી સાથે મુલાકાત થઈ હતી અને નંબરની આપ લે થઈ હતી. હાલ આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.