નવી દિલ્હી: લદ્દાખના હિમાલયન ક્ષેત્રમાં ભારતીય પોલીસ દ્વારા સુરક્ષા મૂલ્યાંકન એ આશંકા વ્યક્ત કરી છે કે, તેમની વિવાદિત સરહદ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે વધુ અથડામણ થઈ શકે છે, કારણ કે બેઇજિંગ આ ક્ષેત્રમાં લશ્કરી માળખાને મજબૂત કરવા માંગે છે. જણાવી દઈએ કે, વર્ષ 2020માં લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના 24 સૈનિકો શહિદ થયા હતા. સૈન્ય અને રાજદ્વારી વાતચીત બાદ એશિયાની બે મહાસત્તાઓ વચ્ચેનો તણાવ ઘણો ઓછો થયો છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ પૂર્વી હિમાલય ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે નવી અથડામણ થઈ હતી, પરંતુ કોઈ જાનહાની સામે આની ન હતી. અથડામણમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ મૂલ્યાંકન લદ્દાખ પોલીસ દ્વારા નવા, ગોપનીય સંશોધન પેપરનો એક ભાગ છે, જે 20 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું અને રોઇટર્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
ચીને મૂલ્યાંકન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું
અહેવાલમાં જણાવાયું છે કે, આ મૂલ્યાંકન સરહદી વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતી અને વર્ષોથી ભારત-ચીન સૈન્ય તણાવની પેટર્ન પર આધારિત છે. ભારતીય સૈન્યએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો, જો કે મૂલ્યાંકન એ અર્થમાં નોંધપાત્ર છે કે, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાજરી આપેલ પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ અને વિદેશ મંત્રાલયોએ પણ ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. ચીનના વિદેશ મંત્રાલયે પણ આ મૂલ્યાંકન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.