અમદાવાદ: 95 વર્ષની વયે જાણીતા આર્કિટેક્ટ બાલક્રિષ્ના દોશીનું નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથીતે બીમારી રહેતા હતા. આપને જણાવીએ કે, ભારતીય સ્થાપત્ય કળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે. અમદાવાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશિષ્ટ સ્થાપત્ય શૈલીથી દોશીએ તૈયાર કરેલી ઇમારતોની પણ આગવી ઓળખ છે.
થલતેજમાં થશે અંતિમ સંસ્કાર
તેમની અંતિમ યાત્રા આજે બપોરે 2.30 વાગે તેમના નિવાસ સ્થાન કમલા હાઉસથી નીકળશે અને તેમના અંતિમ સંસ્કાર થલતેજ ખાતે થશે
2018માં મળ્યું હતું પ્રિત્ઝકર પ્રાઇઝ
ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને વર્ષ 2018નું પ્રિત્ઝકર પ્રાઇઝ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં આ પુરસ્કાર ‘નોબલ પ્રાઇઝ’ જેટલું મહત્ત્વ અને સન્માન ધરાવે છે. ટોરન્ટોમાં આગા ખાન મ્યુઝિયમ ખાતે દોશીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
બી. વી. દોશીની ડિઝાઇન કરેલી ઇમારતોમાં તેમના આજના જનરેશનનો તાલમેલ બેસે એ પ્રકારની ડિઝાઈન હોય છે. તેમણે અમદાવાદમાં નીચે પ્રમાણેની ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી હતી.
- 1972 – સેપ્ટ યુનિવર્સીટી (CEPT), અમદાવાદ
- 1990 – અમદાવાદની ગુફા, અમદાવાદ
- પ્રેમાભાઇ હોલ, અમદાવાદ
- ટાગોર મેમોરિયલ હૉલ, અમદાવાદ
- IIM અમદાવાદની ડિઝાઈનમાં પણ તેમનું યોગદાન હતું.
ગૃહ નિર્માણને સસ્તું બનાવવા માટે બાલકૃષ્ણ દોશીએ કરેલાં પ્રયાસોના માટે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દોશી આર્કિટેક્ટ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે. કેનેડાના ટોરન્ટો ખાતે તેમને એક લાખ ડોલર (લગભગ રૂ. 65 લાખ)નું ઇનામ એનાયત કરવામાં આવ્યુ હતુ.
- દોશીએ વર્ષ 1947માં મુંબઈની વિખ્યાત સર જેજે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો.
- 1950ના દાયકામાં તેમણે ફ્રાન્સ-સ્વિત્ઝરલેન્ડના વિખ્યાત આર્કિટેક્ટ લી કોરબ્યુસિયર સાથે કામ કર્યું હતું.
- 1954માં તેઓ ભારત પરત ફર્યા હતા. લી કોરબ્યુસિયર માટે ચંદીગઢ તથા અમદાવાદમાં અનેક વિખ્યાત ઇમારતોનું નિર્માણ કર્યું.