fbpx
Tuesday, May 30, 2023

સારસામાં સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવ: શ્રીમદ્ કરુણાસાગર મહારાજના 251માં પ્રાગટયદિને શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું

પંકજ શર્મા, આણંદ: સારસા જ્ઞાન સંપ્રદાયના સ્થાપક અને પરમગુરુ શ્રીમદ્દ કરુણાસાગર મહારાજના 251માં પ્રાગટય દિવસ નિમિત્તે ગુરૂગાદી સારસાપુરી સત્ કૈવલ મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો. અહીં ચાર દિવસીય મહોત્સવ પ્રસંગે 22મી જાન્યુઆરી રવિવારના દિવસે પરમગુરૂની પૃથ્વી ઉપરની વિચરણ યાત્રા ભવ્ય બાલનાટીકા રજૂ કરાઈ હતી..આશરે ૬૦૦ જેટલા બાળકોએ દિવ્ય નૃત્ય નાટિકા ભજવી સાંસ્કૃતિક વિક્રમ સર્જ્યો હતો. આ બાલનાટીકા સવારે અને સાંજે થઈ બે ભાગમાં રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ભારતીય નૃત્યોની ઝલક દ્વારા એકતાનો સંદેશ પણ પ્રસ્તુત કરાયો હતો. ખીચોખીચ દર્શકોથી ભરાયેલા સભામંડપમાં વારંવાર તાળીઓનો ગડગડાટ સર્જાતો રહ્યો હતો.પરમગુરુ શ્રીમદ્દ કરુણાસાગર મહારાજે સારસાને તીર્થભૂમિ બનાવી સકર્તા સિધ્ધાંતનો પ્રચાર કરવા કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદીની સ્થાપના કરી.જે સંપ્રદાય તેમણે સ્થાપ્યો તેનું નામ જ્ઞાન સંપ્રદાય નામે પ્રસિધ્ધ થયો.

સારસા ખાતે દિવ્ય્ પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજના 251માં પ્રાગટયદિને શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું હતું.જ્ઞાનસંપ્રદાયના નેમી પરિવારના બાળકોએ પરમગુરુ શ્રી કરુણાસાગર મહારાજની જીવનલીલાને અભિનય દ્વારા અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી તાદ્રશ્ય રજૂઆત કરી ઉપસ્થિત મહાનુભાવો અને શ્રધ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ નાટકમાં પરમગુરુ શ્રી કરુણાસાગર મહારાજના જીવનપ્રસંગો અને જ્ઞાનઉપદેશ મહિમા પણ ભાવપૂર્ણ રજૂ કરાયો હતો.આજે હજારો વધુ ભક્તોએ અહીં નાટ્ય દ્વારા પરમગુરુના ઉપદેશ અને જીવનચારિત્રની ભક્તિમય રસપાન કર્યું હતું.

પરમગુરુ શ્રીમદ્ કરુણા સાગર મહારાજ સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે સપ્તમ કુવેરાચાર્ય આચાર્ય અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે બાળકો દ્વારા પ્રસ્તુત પરમગુરુ મહારાજની વિચરણ ગાથા પર આધારિત જીવન સંદેશ સહુના જીવનમાં ચરિતાર્થ થાય એ આ નાટિકાનો ઉદ્દેશ છે. આજે નવી પેઢી બગડી રહી છે. તેમનામાં ધાર્મિકતા નથી ત્યારે સહુને ખ્યાલ આવે કે આપણાં મહાપુરુષોએ ધર્મ બચાવવા, આધ્યાત્મિકતા બચાવવા, આપણું જીવન બચાવવા કેટલો પુરુષાર્થ કર્યો છે અને તેમનામાં અહોભાવ જાગે, બોધ સહુના જીવનમાં દ્રઢ થાય એ આ નાટીકાનો ઉદ્દેશ છે.

દિવ્ય પરમગુરુ શ્રીમત્ કરુણાસાગર મહારાજે સારસાપુરીમાં જ્ઞાન સમ્પ્રદાય ગુરુગાદીની સ્થાપના કરીને કૈવલજ્ઞાનનો પ્રચાર કરવા માટે કઠોર પરિશ્રમ કર્યો. સેંકડો મુમુક્ષુઓને સાધુદીક્ષા આપી અને કૈવલજ્ઞાનના પ્રચારમાં સહુને પ્રવૃત્ત કર્યા. દિવ્ય પરમગુરુ સ્વયં પણ પગે ચાલીને, સગરામમાં અને અશ્વ સવારી કરીને સુદૂર વિસ્તારોમાં ઉપદેશ આપવા માટે ફર્યા. દિવ્ય પરમગુરુના અનેક જ્ઞાની શિષ્યોએ પણ કૈવલજ્ઞાનનો ખૂબ પ્રચાર કર્યો.દિવ્ય પરમગુરુએ પ્રભાતિયાં, મંગળપદો, ધોળ, ભજનો સહિત પંદર મહાન ગ્રંથોની રચના કરી. પરમગુરુના પટ્ટશિષ્ય પૂજ્ય નારણદાસજી મહારાજે બે અને અચરતબા પાઠકે એક એમ અન્ય ત્રણ ગ્રંથોની રચના પણ દિવ્ય પરમગુરુની કૃપા થકી જ થઈ. આમ કૈવલજ્ઞાનનો ઉપદેશ જ્ઞાન સમ્પ્રદાયના કુલ અઢાર ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેના અધ્યયન અને અનુસરણથી અગણિત ભક્તોને પરમગતિ પ્રાપ્ત થઈ છે.દિવ્ય પરમગુરુ શ્રીમત કરુણાસાગર મહારાજે આ સૃષ્ટિમાં 105 વર્ષ રહીને સકર્તા સિદ્ધાંતનો પ્રચાર કર્યો.

આ મહોત્સવ માટે ખાસ વિદેશથી આવેલા બાળકો સહિત પરમગુરુ પાઠશાળા અને સત કૈવલ વિદ્યા મંદિરના બાળકોએ છેલ્લા કેટલાક મહિનાથી સતત મહેનત કરી હતી. જેમાં ડિજિટલ પ્લેનાં ડિરેક્ટર પ્રદીપભાઈ પટેલ અને તેમની ટીમ તથા શાળાનાં સંચાલકો અને ભકતોએ પ્રસંશનીય કામગિરી બજાવી હતી. ૨૫મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ૨૩મી જાન્યુઆરીએ એટલે કે આજરોજ દિવ્ય પરમગુરુનો પ્રાગટ્ય મહોત્સવ, ૨૪મીએ વિશાળ સંત સંમેલન(ધર્મ સંમેલન) અને પરમ વિદુષી સાધ્વી ગીતા દીદી દ્વારા ભક્તિ સંગીત અને ૨૫મીએ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ