અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરની સ્કૂલમાંથી ધોરણ 9નો વિધાર્થી અચાનક ગુમ થવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અચાનક બાળક ગુમ થતા પરિવારજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે. જોકે, બાળક શાળમાંથી જતું રહ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા આ સમગ્ર ઘટનાની હકીકત પરથી પડદો ઉંચકાયો છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. અને સમગ્ર ઘટનાની હકીકત શુ છે તે અંગે તપાસ શરૂ થઈ છે. ઠક્કરનગરની રઘુવીર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિધાર્થી શુક્રવારે ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
24 કલાક સુધી તપાસ કરવા છતાં દીકરાની કોઈ ભાળ નહિ મળતા પરિવારજનોએ સ્કૂલમાં પહોંચી પૂછપરછ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ નહિ મળતા પરીવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના મામલે કેટલાક ચોંકવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં રઘુવીર સ્કૂલના સંચાલક કુલદીપભાઈ જણાવે છે કે, વિધાર્થીના ક્લાસના શિક્ષકને તેના પાસેથી અન્ય વિધાર્થીની સ્વાધ્યાય પોથી મળી હતી. જેની પૂછપરછ માટે શિક્ષક વિધાર્થીને લઈ ઓફિસમાં આવ્યા હતા. જેની ફરિયાદ તેના માતાપિતાને કરવામાં આવી હતી અને માતા પિતા આવે ત્યાં સુધી વિધાર્થીને બહાર બેસાડવામાં આવ્યો હતો.
જોકે તેના પિતા ધર્મેશભાઈ આવે તે પહેલાં વિધાર્થી સ્કૂલમાંથી જતો રહ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. એટલું જ નહીં સંચાલકનું કહેવું છે કે, વિધાર્થીના આ સાવકા પિતા હોવાથી તેને મારઝૂડ કરતા હતા. વિધાર્થી માતાપિતાથી વધુ ડરતો હતો તે ડરના લીધે તે જતો રહ્યો હશે. તો બીજીતરફ વિધાર્થીના માતાપિતા સ્કૂલમાં તેમના દીકરાને ટોર્ચર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં કોઈપણ બાળક સ્કૂલમાં હોય તે તેના માતાપિતા સુધી ન પહોંચે ત્યાં સુધીની જવાબદારી સ્કૂલ સંચાલકની હોય તો તેઓ તેમાં બેદરકારી કેમ રાખી શકે. અને બાળકને કોઈ મારઝૂડ કે ડરાવવામાં મામલે સંચાલકે કરેલા આક્ષેપ પાયાવિહોણા ગણાવી રહ્યા છે.
હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ પણ વિધાર્થી ક્યાં ચાલ્યો ગયો તેની તપાસ માટે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફુટેજ ચકાસી રહી છે. ત્યારે વિધાર્થી હેમખેમ મળી જાય તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.