હૈદરાબાદ : હૈદરાબાદમાં 23 વર્ષના ફૂડ ડિલિવરી બોયને ભસતા પાલતુ કૂતરાથી ડરીને બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચાર દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા પછી, મોહમ્મદ રિઝવાન (23)એ રવિવારે મોડી રાત્રે નિઝામની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (NIMS)માં અંતિમ શ્વાસ લીધા. ફૂડ ડિલિવરી એપ સ્વિગી માટે કામ કરતો રિઝવાન 11 જાન્યુઆરીએ બંજારા હિલ્સ સ્થિત એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, તે લુમ્બિની રોક કેસલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગયો હતો. જ્યારે તેણે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક કૂતરો તેની તરફ ધસી આવ્યો. પોતાને બચાવવાના પ્રયાસમાં રિઝવાન ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફ્લેટની માલિક શોભનાએ એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
રિઝવાનના ભાઈ મોહમ્મદ ખાજાએ બંજારા હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કાર્યવાહીની માંગ કરી. શહેરના યુસુફગુડા વિસ્તારના શ્રીરામ નગરમાં રહેતા રિઝવાનના પરિવારે ન્યાયની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગ્રાહક સારવારનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યા પછી ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો નથી.
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા વિજય ગોપાલે માગણી કરી હતી કે કૂતરાને બાંધવામાં આવ્યો ન હોવાથી માલિક સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 338 હેઠળ કેસ નોંધવો જોઈએ. તેમણે કહ્યું કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ તપાસ કરવી જોઈએ કે માલિક પાસે કૂતરા માટે લાઇસન્સ છે કે નહીં.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.