Dhairya Gajara, Kutch: કચ્છનું સફેદ રણ પ્રવાસન થકી હર વર્ષે વિકાસની નવી ઊંચાઈ સર કરે છે. એક સમયે નિર્જન પડી રહેતા આ રણમાં આજે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉભી થઇ ગઈ છે. તો એક સમયે રણ સુધી પહોંચવા માટે કોઈ ખાસ પરિવહન વ્યવસ્થા પણ ન હતી ત્યાં આજે ચાર્ટર્ડ હેલિકોપ્ટરની સુવિધા શરૂ થઈ છે. એક ખાનગી એવિયેશન કંપની દ્વારા ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધી ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતની ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા રણોત્સવમાં છેલ્લા ચાર વર્ષથી હેલિકોપ્ટર જોય રાઈડની શરૂઆત કરવામાં આવી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને મીઠાની ચાદર જેવા સફેદ રણનો આકાશી નજારો આપવા આ જોય રાઈડની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ફરી આ આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક R66 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે.
તો આ વર્ષે જોય રાઈડ સાથે પ્રવાસીઓને ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સેવા પણ મળી રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો 90 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ નિર્ણય કરવામાં આવ્યું છે.
શું છે હેલિકોપ્ટરનું ભાડું ?
આ સેવા થકી ભુજથી ધોરડો વચ્ચેનો અંતર ખૂબ ઓછા સમયમાં કાપી શકાશે. કંપનીને આ મુદ્દે જાણ કરાતા તેઓ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. તો આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે, જેમાં ધોરડોથી ભુજ સુધી પ્રવાસીને મૂક્યા ઉપરાંત ભુજથી ધોરડો પહોંચવાનું ભાડું પણ આવરી લેવામાં આવે છે. કંપની દ્વારા આ સેવા માટે કલાક દીઠ રૂ. 1.05 લાખ ભાડું વસૂલવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન બર્ડ સિવિલ એવિયેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી રણોત્સવમાં હેલિકોપ્ટર જોય રાઈડની શરૂઆત કરવામાં આવી છે જેમાં વચ્ચે એક વર્ષ કોરોનાના કારણે આ સેવા બંધ રખાઈ હતી. આ વર્ષે ફરી પ્રવાસીઓનો ધસારો વધતા આ સેવા શરૂ કરવામાં આવી છે અને તે રણોત્સવના અંત સુધી ચાલુ રહેશે તેવું કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, સિવિલ એવિયેશન અને ગુજસેઇલ સાથે સંકળાયેલી આ કંપની દ્વારા વિવિધ સ્થળો પર જોય રાઈડ ઉપરાંત ચાર્ટર્ડ સર્વિસિસ, ઇલેક્શન ફ્લાયિંગ અને ઇમરજન્સી એર સર્વિસ પણ આપવામાં આવે છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.