fbpx
Saturday, June 3, 2023

અમદાવાદ: આડા સંબંધોને છુપાવવા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકની અન્ય કોઈએ નહીં પણ પત્નીએ તેના પ્રેમી અને એક યુવતી સાથે મળી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવક રાજસ્થાન ફરવા ગયો ત્યારે તેની પત્ની બાળકોને મૂકી પ્રેમી સાથે ફરવા જતી રહેતી હતી. જેની જાણ યુવકે તેના પિતાને કરી હતી. બાદમાં પત્નીના પ્રેમીએ મૃતકને આ વાત કોઈને ન કરવા ધમકી આપી હતી. બાદમાં આ ડરથી પત્નીના પતિને પ્રેમીએ મળવા બોલાવી છરી વડે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી. મૃતક યુવક ગુમ હોવાની પોલીસ તપાસ કરતા આ ભાંડો ફૂટી ગયો હતો. જેથી નિકોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

‘આ સંબંધની વાત કોઈને કહીશ તો જાનથી મરાવી નાખીશ’

અમરેલી ખાતે વિરડી ગામમાં રહેતા ગોબરભાઇ લક્કડ ખેતી કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી એક દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠેક વર્ષ પહેલા મિરલ ઉર્ફે મીરા સાથે થયા હતા. એકાદ વર્ષથી મહેશ ઉર્ફે મયુર અમદાવાદ ખાતે સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. તેને પણ સંતાનમાં બે દીકરા છે. 10 દિવસ પહેલાં મહેશ ઉર્ફે મયુર તેની પત્ની મિરલ ઉર્ફે મીરા તથા બે દીકરાઓ સાથે રાજસ્થાન ફરવા ગયો હતો. તે વખતે મહેશનો ફોન તેના પિતા ઉપર આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની પત્ની મિરલ સાથે રાજસ્થાન ખાતે ફરવા આવ્યો છે. ત્યાં અનશ ઉર્ફે લાલો મનસુરીની સાથે બે દીકરાઓને મૂકીને બહાર ફરવા જતી રહે છે. મીરલ ઉર્ફે મીરાને અનસ ઉર્ફે લાલા સાથે આડા સંબંધોની મહેશે શંકા વ્યક્ત કરી હતી. બાદમાં મહેશે અમદાવાદ આવીને ફરી તેની પત્નીના આડા સંબંધોની શંકા વ્યક્ત કરી હતી. જે બાબતને લઈને એની પત્ની મિરલ તેની બહેનપણી ખુશી તથા પત્નીના પ્રેમીએ તેને ધમકાવ્યો હતો કે, આ સંબંધની વાત બીજા કોઈ સગા સંબંધીઓને કહીશ તો તને જાનથી મરાવી નાખીશ.

‘મહેશ રાત્રે ક્યાંક જતો રહ્યો છે’

બાદમાં મહેશની માતાએ આ મિરલ ઉર્ફે મીરા સાથે વાતચીત કરી પ્રેમસંબંધ ન રાખવા સમજાવી હતી. બાદમાં ગત તારીખ 5ના રોજ મયુરે તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે, બંને દીકરાઓ સાથે ગામડે આવે છે અને તેની પત્ની મિરલ ગામડે આવવાની ના પાડે છે અને તે તેના પિતાના પણ કહ્યામાં નથી. બાદમાં મહેશના પિતા ગોબરભાઇએ તેનો દીકરો બસમાં બેસી ગયો કે કેમ, તે બાબતને લઈને પૂછવા માટે ફોન કર્યો હતો ત્યારે મહેશનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં ગોબરભાઈએ તેમની વહુ મિરલ ઉઠે મીરાને ફોન કરતા તેની બહેનપણી ખુશીએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, મહેશ ઘરે નથી તેને અનસ ઉર્ફે લાલાએ બોલાવ્યો છે. અવારનવાર મહેશના પિતાએ ફોન કરી મહેશ બાબતે પૂછતાં મીરાની બહેનપણી તે ઘરે પરત આવ્યો નથી એવું કહી ફોન મૂકી દેતી હતી. આમ મહેશ ઉર્ફ મયુર મોડી રાત સુધી ઘરે પરત આવ્યો ન હોવાથી પિતાએ તેમના સંબંધીને ફોન કરી મહેશના સસરાના ઘરે તપાસ કરવા જણાવતા સંબંધીઓ ત્યાં તપાસ કરવા ગયા હતા. ત્યાં જઈને પૂછપરછ કરતા તેમણે મહેશ રાત્રે ક્યાંક જતો રહ્યો છે, તેઓ જવાબ આપી દીધો હતો.

ચપ્પાથી ગળાના ભાગે ઘા મારી કુવામાં નાખી દીધો હોવાની કબૂલાત

બાદમાં મહેશના પિતા પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેમના વેવાઈના ઘરે ગયા હતા. બાદમાં તેમના દીકરાનો પતો ન મળતા તેઓ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે મહેશની પત્ની મીરલ ઉર્ફે મીરા તથા તેની બેનપણી ખુશી અને અનસ ઉર્ફે લાલો નામના પ્રેમીની પૂછપરછ કરતા આ ત્રણેય જણા પોલીસ પૂછપરછમાં ભાંગી પડ્યા હતા અને તેઓએ મહેશ ઉર્ફે મયુરને મારી નાખવા માટે કાવતરું ઘડી અને અનસ ઉર્ફે લાલાએ તેને કઠવાડા ખાતે બોલાવ્યો હતો. ત્યાં એક ખેતરમાં લઈ જઈ ચપ્પાથી ગળાના ભાગે ઘા મારી ત્યાં નજીકમાં આવેલા અન્ય ખેતરમાં કુવામાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી નિકોલ તથા કૃષ્ણનગર પોલીસની ટીમ આ કુવા ઉપર પહોંચી હતી અને ત્યાં મહેશ ઉર્ફે મયુરની લાશ મળી આવતા તેને બહાર કાઢી હતી. આમ ત્રણ લોકોએ મહેશની હત્યા કરી અને લાશ કુવામાં નાખી દીધી હોવાનું સામે આવતા નિકોલ પોલીસે આ અંગે ત્રણ લોકો સામે તપાસ શરૂ કરી છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ