Nilesh Rana, Banaskantha :પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) દ્વારા વૃક્ષમિત્ર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ કરનાર વૃક્ષમિત્રો અને વૃક્ષ મંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પના ભાગરૂપે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) દ્વારા જળસંચય અને વૃક્ષો ઉછેરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વર્ષ 2017થી અત્યાર સુધીમાં 194 તળાવ,12 કૂવા રિચાર્જનું કામ કર્યુ છે.
તથા વર્ષ 2019 થી અત્યાર સુધીમાં કુલ 4.78 લાખ વૃક્ષો સાથે 123 ગ્રામવનો ઊભા કર્યા છે. દરેક ગ્રામવનમાં વાવેલા વૃક્ષોના જતન અને કાળજીપૂર્વકના ઉછેર માટે આ સંસ્થાએ વૃક્ષમિત્રોની નિમણુંક કરેલી છે તથા દરેક ગામોમાં વૃક્ષ મંડળીની સ્થાપના પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘે જણાવ્યું હતું કે. વિશ્વમાં પ્રતિવર્ષ 4 કરોડ વીઘા જંગલો નાશ થઇ રહ્યા છે, જે આપણા માટો મોટો પડકાર છે. જંગલો બચાવવા માટે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેને વિચરતા સમુદાય સમર્થન મંચ જેવી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે.
આ સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ કરતા વધારે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. પર્યાવરણ બચાવવા માટે જનજાગૃતિ અને જનઆંદોલન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
બનાસકાંઠા જેવા સૂકા પ્રદેશમાં વૃક્ષોરૂપી લીલો છમ બનાવાનું અભિયાન
વિચરતા સમુદાય સમર્થન મંચના સેક્રેટરી મિત્તલબેન પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જેવા સૂકા પ્રદેશમાં વૃક્ષોરૂપી લીલી ચાદર પાથરવાથી મેઘરાજા મહેરબાન થશે. વૃક્ષો માણસો સહિત હજારો જીવજંતુઓ અને સજીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ છે.
આટલા વૃક્ષમિત્રો અને વૃક્ષમંડળીઓનું સન્માન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં વર્ષ 2022 માં ઉભા કરાયેલા 36 ગ્રામવનોમાંથી જે ગ્રામવનમાં વૃક્ષોની યોગ્ય જળવણી અને માવજત કરીને ઉછેરવામાં આવ્યા હોય તેવા વૃક્ષમિત્રો અને વૃક્ષમંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષ ઉછેર માટે દિયોદર તાલુકાના લુદ્રા ગામના વૃક્ષમિત્રને રૂપિયા 51,000, સૂઇગામ તાલુકાના બેણપ ગામના વૃક્ષમિત્રને રૂપિયા 21,000 તથા અછવાડીયા સુરાણા અને વખા ગામના વૃક્ષમિત્રને રૂપિયા11-11 હજારના ચેક તથા વૃક્ષમંડળીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જવેલેક્સ ઈન્ડિયાના સ્થાપક પીયૂષભાઈ કોઠારી, સાહિત્યકાર કનુભાઇ આચાર્ય, નારણભાઇ રાવળ તથા વિચરતા સમુદાય સમર્થન મંચની ટીમ અને મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.