Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે પ્રમુખસ્વામીની લંડનના પ્રવાસ પહેલા ત્રાસવાદીઓએ કરેલો એર ઇન્ડિયા પર હુમલો, 2007 માં આવેલો સ્વામીશ્રીને હૃદયરોગનો હુમલો, 1981 માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલા અનામત આંદોલનનો પ્રસંગ રજૂ કર્યો છે.
ક્યારેક શાંતિથી બેસીને વિચારવા જેવું છે કે જગતગુરુ શંકરાચાર્ય, વિવેકાનંદ સ્વામી જેવા અનેક મહાપુરુષો આપણી માફક જ હવા, પાણી, ખોરાકને સમય જેવા સંશાધનોનો ઉપયોગ કરીને જીવ્યા. પરંતુ એ દરમ્યાન એમણે સમાજને કેટલું બધું આપ્યું? આપણી માફક જ ચાલેલા એમના શ્વાસમાં એવી કઈ અદ્રષ્ટ શક્તિ હતી કે જેથી એમના ઉપર આજે પણ કરોડો માણસો વિશ્વાસ રાખે છે?
જેઓ અર્દશ્ય જોઈ શકે છે તે અશક્ય કરી શકે છે
પશ્ચિમી જગતમાં કહેવાયું છે કે જેઓ અર્દશ્ય જોઈ શકે છે તે અશક્ય કરી શકે છે. એટલે કે જે અદ્રષ્ટને જોઈ શકે છે તે અશક્યને કરી શકે છે. ભગવાન ભલે અદ્રષ્ટ લાગે છે. પરંતુ એમનામાં અખૂટ વિશ્વાસ ધરાવનાર સંતો અકલ્પનીય કાર્યો કરી શક્યાં છે. આપણી માફક જ શ્વાસ લઈને જીવન જીવી ગયેલા મહાપુરુષોની પ્રભાવકતાનું રહસ્ય આ છે.
પ્રમુખસ્વામી મહારાજનો ભગવાન પ્રત્યેનો વજ્ર સમ ર્દઢ વિશ્વાસ અને એમાંથી એમને પ્રાપ્ત થયેલી અતુલનીય ઉર્જા આ સિદ્ધાંતને સત્ય ઠરાવે છે. જો કેન્દ્રબિંદુ વિના વર્તુળ રચાઇ શકે તો જ ભગવાન સિવાય પ્રમુખસ્વામીનું અસ્તિત્વ શક્ય બને. એમના વચને સિદ્ધ થતાં કાર્યો જોઈને અને એમની આજ્ઞા મુજબ કરવાથી પ્રશ્નોનો નિવેડો આવતો જોઈને કેટલાંક એમનામાં ચમત્કારિક તત્વ માની લેતાં.
આવા પ્રસંગોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર અમેરિકાની વોબોશ કોલેજના પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે સ્વામીશ્રીને પૂછેલું કે આમ જોતાં આપને સંસાર-વહેવારનો કાંઈ અનુભવ નથી. છતાં આપ કઈ રીતે ભક્તોના વ્યાવહારિક પ્રશ્નોના ઉત્તરો આપો છો?
ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે ભગવાન અમને જવાબ સુઝાડે છે. ભગવાનનો બધો અનુભવ છે. ભગવાન ત્રણે કાળનું જાણે છે. એટલે તેમાંથી ભક્તનું અંતે સારું જ થશે.
લંડનમાં ડો. ફાઉલરે પૂછેલું કે તમે બધાના પ્રશ્નો સાંભળો છો. તેથી મનમાં બોજો રહે છે? ત્યારે એમણે કહેલું કે અમે સહેજ પણ મનમાં રાખતા નથી. અમે તો ભગવાન ઉપર છોડી દઈએ છીએ. એમનો ભગવાન પ્રત્યેનો અટલ વિશ્વાસ જ ભક્તોને સુખાકારી તરફ દોરી જતો હતો.
થોડા દિવસ પહેલાં ત્રાસવાદીઓએ એર ઇન્ડિયાના એક પ્લેનને બોમ્બથી ફૂંકી માર્યું હતું
ભગવાનમાં વિશ્વાસ એ પ્રમુખસ્વામી મહારાજનો શ્વાસ હતો. તા. 10-7-85 એ પ્રમુખસ્વામી મહારાજને લંડન જવાનું હતું. તે માટે એર ઇન્ડિયાના પ્લેનની ટિકિટ બુક કરવામાં આવી હતી. પરંતુ થોડા દિવસ પહેલાં ત્રાસવાદીઓએ એર ઇન્ડિયાના એક પ્લેનને બોમ્બથી ફૂંકી માર્યું હતું અને એર ઇન્ડિયાના દરેક પ્લેન જોખમમાં છે એવી ધમકી આપી હતી.
લોકો બુકિંગ રદ કરાવતા હતા. આથી લંડનના હરિભક્તોએ સ્વામીને વિનંતી કરી કે આપ બીજી એરલાઇન્સમાં આવો. ત્યારે સ્વામીનો દ્રઢતાપૂર્વકનો ઉત્તર હતો કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને સ્વામીએ એર ઇન્ડિયામાં જ મુસાફરી કરી.
2007 માં આવેલા હૃદયરોગના હુમલામાં સ્વામીના હૃદયને વધુ નુકસાન પહોંચ્યું હતું
તા. 19-2-2007 એ મુંબઈના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડો. અશ્વિનભાઈ મહેતાએ પ્રમુખસ્વામી મહારાજના હૃદયનો ટેસ્ટ લીધો. સ્વામીની ઉંમર 86 વર્ષની હતી. આ પહેલાં સ્વામીને હૃદયરોગનો હુમલો પણ આવી ગયો હતો અને બાયપાસ સર્જરી પણ કરાવવી પડી હતી. તે પછી સ્વામીના હૃદયને વધુ નુકસાન પહોંચ્યું હોય એવી શક્યતા લાગતી હતી.
એટલે આજની ટેસ્ટનું પરિણામ શું આવે છે એની બધાને ચિંતા હતી. પરંતુ ડો. મહેતાએ આ ટેસ્ટ લેતી વખતે સ્વામીના હાવભાવ જોયા તો એમનાથી અહોભાવપૂર્વક બોલાઈ ગયું કે મેં તો ભલભલા મોટાઓને ટ્રીટ કર્યા છે. મોટા ધર્મગુરુઓ કે દેશના વડાપ્રધાન હોય પણ આવી ક્ષણ આવે ત્યારે બધાંના મોઢાં બદલાઈ ગયેલાં જોયાં છે. અંદરથી ડિપ્રેશનમાં આવી ગયા હોય એવું મેં જોયું છે.
જ્યારે પ્રમુખસ્વામીના મુખ પર કોઈ ચિંતા હતી જ નહીં. કોઈ ભાવ બદલાયેલા હતા નહીં. એ વખતે સ્વામી બોલ્યા આપણે તો ભગવાનને ભેગા લઈને જ જઈએ છીએ. આપણી ચિંતા એ કરે છે. એમની જે ઈચ્છા હોય એમ થાય. કર્તા એ છે. ભગવાનમાં આવો વિશ્વાસ કોઈ ચિંતાને ટકવા દે જ નહીં.
1981 માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન થઈ ચૂકેલું અને ઘણી બધી તૈયારીઓ પણ થઈ ગયેલી. એવામાં અનામત આંદોલને ગુજરાતનો ભરડો લીધો. ચાલુ ઉત્સવે મોટું વિઘ્ન આવે એવી શક્યતા લાગતી હતી. બધાનો અભિપ્રાય એવો થતો હતો કે ઉત્સવ મોકૂફ રાખવો.
પરંતુ પ્રમુખસ્વામી મહારાજે મક્કમતાપૂર્વક કહ્યું કે મને શ્રદ્ધા છે કે ભગવાન આનો સારો નિવેડો લાવશે. આંદોલન શમી જશે. માટે ઉત્સવ પાછળ ઠેલવો નથી. અને ખરેખર એમ જ થયું. એ જ રીતે 1985 માં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પણ પાણીની ખેંચના હિસાબે ઉત્સવ બંધ રાખવાનું સૂચન થયેલું.
પરંતુ ત્યારે પણ સ્વામીશ્રીએ અતુલ્ય શ્રદ્ધાપૂર્વક કહેલું કે વરસાદ પડશે. પાણીની ખેંચ નહીં રહે અને ઉત્સવ ઉજવાશે. એ વખતે અશક્ય લાગતું હતું. પરંતુ ઓક્ટોબર મહિનામાં સારો એવો વરસાદ પડ્યો. પાણીની તંગી દૂર થઈ અને ઉત્સવ સારી રીતે ઉજવાઈ ગયો.
વિવેકાનંદ સ્વામીએ કહ્યું છે કે વિશ્વની કોઈપણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત તેમની ભગવાનમાં રહેલી શ્રદ્ધા જ છે. એ શ્રધ્ધાને જીવંત રાખનાર પ્રમુખસ્વામી મહારાજના શ્વાસમાં ઓક્સિજન હતો. ભગવાન પ્રત્યેનો વિશ્વાસ. આપણે પણ આપણા પ્રશ્નોનો નિવેડો લાવવા ભગવાન પ્રત્યેના વિશ્વાસને આપણા શ્વાસમાં વણી લઇએ તો નિ:શંક કલ્પનાતીત પરિણામો મેળવી શકીએ.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.