Salim chauhan, Anand: ખેડામાં એક લઘુમતી દિકરીએ એક જ પગ હોવા છતાં ખેલ મહાકુંભ અને અન્ય રમતોમાં પોતાની જીતના ઝંડા ગાડ્યા છે. ફક્ત 24 વર્ષની સાદીકા મીરના નામે એક કે બે નહીં પણ પૂરા 12 ગોલ્ડ મેડલ બોલે છે. સદીકા મીરનો આઠ વર્ષની ઉંમરે અકસ્માત થયો હતો.અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલમાં પૂરાં 12 દિવસ સુધી કોમામાં રહી હતી. અકસ્માતમાં એક પગ ગુમાવી દીધો હતો.
સાદિકા 2 વર્ષ સુધી ઘરે રહી અને અભ્યાસ પૂર્ણ કર્યો અને બાદ અમદાવાદ ખાતે અપંગ માનવ મંડળ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો.સાદીકાના સ્વપ્નને પૂર્ણ કરવા સાદીકાના પિતા સિકંદરભાઈ ખેડામાં રીક્ષા ચલાવે છે અને માતા લોકોના ઘરે ઘર-કામ કરી મહેનતરૂપી યજ્ઞ કરી રહ્યાં છે.
વર્ષ 2012માં પ્રથમ વખત ગોળ ફેંકમાં વિજેતા બની
વર્ષ 2012માં અપંગ માનવ મંડળ સ્કૂલમાંથી સાદિકાને ખેલમહાકુંભમાં રમવાનો અવસર મળ્યો. જેમાં તેણે ગોળા ફેકમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.આ સફળતાથી તેમનામાં ઉત્સાહનો સંચાર થયો અને તે હજી વધુ મેડલ જીતી શકે છે, તેવી ભાવના દ્રઢ થઈ. ત્યારબાદ તે પોતાના વતનમાં ‘ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ’ સાથે જોડાયા બાદ પોતાની રમતને નિખાર આપ્યો.
અડગ મનોબળ અને શિક્ષકોની પ્રેરણાથી તેણે ખેલ મહાકુંભ 2022માં ‘ડિસ્ક થ્રો’ અને ‘શોટ પુટ’ રમતમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત 45 મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લિટ 2022-23માં ડિસ્ક થ્રો અને શોટ પુટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજ દિન સુધી સાદીકાએ રમતોમાં 12 જેટલા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.
એક દિવસ હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ
રાજ્ય અને દેશ માટે રમીને ગોલ્ડ મેડલ મેળવવાની અપેક્ષાઓ રાખે છે. ખેલ મહાકુંભની જીતથી પોતાના રમત-ગમત ક્ષેત્રમા આગળ વધવાની મહત્વકાંક્ષાને વેગ મળ્યો. જણાવ્યું હતું કે, કદાચ મારી પરિસ્થિતિ અલગ હોઈ શકે પરંતુ, મારું મનોબળ મજબૂત છે એક દિવસ હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.