અમદાવાદઃ શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરાએ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારોલમાં એક નરાધમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી તેને દગો આપતા સગીરાએ આપઘાત કર્યો હતો. આ ઘટના બનતા જ હવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવિજ શરૂ કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ સગીરાને સારંગપુર વિસ્તારમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ફોન પર વાતચીત કરતા હતા. આ દરમિયાન બંને હરવા ફરવા પણ જતા હતા. આરોપી આ 17 વર્ષીય સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. આ મુલાકાતો દરમિયાન આરોપી આ સગીરાને ગત 20 ઓગસ્ટ 2022ના રોજ આશ્રમ રોડ પરની એક હોટલમાં પણ લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે મુલાકાત કરી બાદમાં તેની સાથે બળજબરીથી શારિરીક સબંધ બાંધ્યા હતા.
બાદમાં આરોપી સગીરા સાથે સામાન્ય રીતે વાત કરતો હતો. જે દરમિયાન આરોપીએ સગીરા સાથે વાતો કરવાનું ઓછું કરી દીધું હતું. પણ બાદમાં આરોપીએ સગીરા સાથે લગ્ન કરવાની ના પાડતા તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી. સગીરા ડિપ્રેશનમાં આવી જતા 12 ડિસેમ્બર 2022 ના રોજ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે પરિવારે નારોલ પોલીસ મથકે આરોપી સામે પોકસો, અપહરણ અને દુષ્કર્મ અને આત્મહત્યા દુષપ્રેરણની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ફરિયાદના આધારે હવે પોલીસે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં એક બાદ એક સગીરાના પ્રેમ પ્રકરણ, અપહરણ અને બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.