અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા તેના દીકરા સાથે રહે છે. થોડા દિવસ પહેલા તેમને કોઇ કામથી બહાર જવાનું હોવાથી તેઓ ઘરેથી નીકળીને લિફ્ટમાં પ્રવેશતા હતા, ત્યારે મહિલાએ લિફ્ટનો દરવાજો કડક છે, તેવું કહેતા તેના પાડોશી વ્યક્તિએ તમને જોઇને લિફ્ટનો દરવાજો કડક થઇ ગયો લાગે છે, તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી. બાદમાં આ વ્યક્તિએ અડપલાં કરી છેડતી કરતાં સમગ્ર બાબતને લઇને મહિલાએ પોલીસને જાણ કરી હતી. જેથી હવે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલાની સમાજમાં બદનામી થાય તેવા કાવતરા પણ કર્યા હતા
શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહિલાનો પતિ બહાર રહે છે. હાલ તે તેમના પુત્ર સાથે રહે છે અને તેની દીકરી વિદેશ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેમના પાડોશમાં રહેતા એક વ્યક્તિએ યેનકેન પ્રકારે આર્થિક ઇરાદા પાર પાડવા માટે અને રૂપિયા પડાવવા માટેના પ્રપંચ શરૂ કર્યા હતા અને તે માટે ખોટી ઉપજાવી કાઢેલી બાબતોથી મહિલાની સમાજમાં બદનામી થાય તેવા કાવતરા પણ કર્યા હતા. અવારનવાર ખોટી ઘટનાઓ ઉપજાવી કાઢી પાડોશી વ્યક્તિ આ મહિલાને તેમજ તેમના પુત્રને ધમકીની ભાષાઓ આપીને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરતા હતા. થોડા દિવસો પહેલા મહિલાને ફ્લેટમાં નીચે આવવાનું હોવાથી લિફ્ટની અંદર પ્રવેશતા હતા. તે દરમિયાન પાડોશી વ્યક્તિ હાજર હતા. મહિલાએ લિફ્ટનો દરવાજો ખોલ્યો અને અવાજ આવતા દરવાજો કડક છે, તેવું મહિલા બોલતા પાડોશી વ્યક્તિએ મહિલાને જોઈને દરવાજો તમને જોઈને ટાઈટ થઈ ગયો છે, તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી.
મહિલાનો હાથ પકડી શરીરના ભાગે હાથ નાખી છેડતી કરી
બાદમાં મહિલા લિફ્ટની અંદર ગઈ ત્યારે પાડોશી વ્યક્તિએ બીભત્સ વર્તન કરી મહિલાનો હાથ પકડી શરીરના ભાગે હાથ નાખી છેડતી કરી હતી. જેથી મહિલા ગભરાઈ ગઈ હતી અને બીજા માળે લિફ્ટ ઉભી રાખી બહાર નીકળી પોતાના ઘરે જતી રહી હતી. પાડોશી વ્યક્તિએ લિફ્ટમાં આ મહિલાને ધમકી આપી કે, આ બાબતે કોઈને જાણ કરીશ તો બદનામ કરી નાખીશ. આ ઘટના બાદ મહિલા સતત તણાવમાં રહેતી હતી. જેને લઈને થોડા સમય પછી મહિલાએ આ બાબતને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.